Devbhumi Dwarka

૨૩ મે – વિશ્વ કાચબા દિવસ દ્વારકા જિલ્લાનો દરિયા કાંઠો બન્યો લીલા અને ઓલિવ રીડલી કાચબાનું ‘પિયર‘

દેવભૂમિ દ્વારકા,  સંજીવ રાજપૂત: દરિયાઈ જીવ સૃષ્ટિના ઢાલબદ્ધ સભ્ય એવા કાચબાનું માત્ર જૈવિક સંપદા રૂપે જ નહી, પણ પૌરાણિક કથાઓમાં મહાત્મ્ય છે. શાસ્ત્રોમાં પણ ભગવાન વિષ્ણુએ બીજો અવતાર કુર્મના રૂપમાં એટલે કે કાચબાના રૂપમાં લીધો હતો. આમ, આપણા પુરાણોમાં કાચબાઓનું વિશેષ મહાત્મ્ય છે. કાચબાઓ તરફ લોકોનું ધ્યાન દોરવા અને લોકોમાં તેના રક્ષણ અને વિકાસમાં મદદરૂપ થવાની ભાવના ઉત્પન્ન કરવાના ઉમદા ઉદેશ્ય સાથે દર વર્ષે ૨૩ મેના રોજ “વિશ્વ કાચબા દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.

કાચબાની વિશ્વમાં જોવા મળતી કુલ ૭ પ્રજાતિઓ પૈકી ભારતના દરિયામાં કુલ ૫ પ્રજાતી જોવા મળે છે. તેમજ ગુજરાતના દરિયામાં ૪ પ્રજાતી જોવા મળે છે. જેમાં ખાસ કરીને દ્વારકા જિલ્લાના દરિયા કાંઠે “લીલા કાચબા” અને “ઓલીવ રીડલી કાચબા”ની મોટા પ્રમાણમાં વસાહત રહેલી છે. કાચબા ઉછેર કેન્દ્ર ઓખામઢી ખાતે વર્ષ ૨૦૧૨થી વર્ષ ૨૦૨૫ સુધીમાં અંદાજિત ૮૦ હજાર કાચબાનો ઉછેર કરી ફરી સમુદ્રમાં છોડવામાં આવ્યા છે.

દરિયાઇ કાચબાના ઉછેર માટે દ્વારકા જિલ્લામાં બે સ્થળો ઓખામઢી (જૂની) તેમજ નાવદ્રા ખાતે  હેચરી આવેલી છે. કાચબા ઉછેર કેન્દ્ર ખાતે કાચબાઓના બચ્ચાઓના ઉછેર માટે કૃત્રિમ માળાઓ તૈયાર કરવામાં આવ્યા હોય તે વિસ્તારને હેચરી કહેવાય છે. હેચરી માટે વન વિભાગના વનરક્ષકથી લઇ આરએફઓ સુધીનો સ્ટાફ મેન્ટેનન્સ અને દેખરેખ માટે સતત કાર્યરત હોય છે.

રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિલેશ બેલાના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૨- ૧૩માં ઓખા ખાતે હેચરી શરૂ કરવામાં આવી છે. દરિયા કિનારે રેતીમાંથી ઈંડા શોધીને તેને હેચિંગ સેન્ટરમાં રાખવામાં આવે છે. આપણે અહીં. લીલા કાચબા અને ઓલિવ રીડલી કાચબા જોવા મળે છે. જો કે ઓલિવ રીડલી કાચબાની સંખ્યા ૨ ટકા જેવી છે.

આપણે અહીં દરિયા કિનારે લીલા કાચબા વધુ ઈંડા મૂકવા માટે આવે છે. કારણ કે અહીંનું વાતાવરણ, રેતીનો યોગ્ય પ્રકાર તેમજ અહીંનું તાપમાન એને સૌથી વધુ અનુકૂળ આવે છે તેમજ તેમનો ખોરાક આલગી, દરિયાઈ ઘાસ છે અને આ ખોરાક અહીં તેને પૂરતા પ્રમાણમાં મળી રહે છે. માટે તેને ગુજરાતનો દરિયા કિનારો વધુ અનુકૂળ રહે છે.  માદા કાચબા દરિયા કિનારે રેતીમાં ઈંડા મૂકે છે. થોડો સમય રહે છે અને ફરી દરિયામાં ચાલ્યા જાય છે.

દરિયાઇ કાચબાઓ હાલમાં પણ આપણા માટે રહસ્યમય છે. જેનુ કારણ છે કે તે કોચલામાંથી બહાર નીકળી સમુદ્રમાં પહોંચી પુખ્ત બને તે ઘટનાચક્ર વિષે આપણે ઘણું ઓછું જાણીએ છીએ. એવું માનવામાં આવે છે કે જે સ્થળે જન્મ થયો હોય તેજ કાંઠે માદા પુખ્ત બન્યા પછી ફરી ઇંડા મુકવા આવે છે. ફક્ત માદા કાચબા જ ઇંડા મૂકવા ધરતી પર આવે છે. આ માદા કાચબા સપ્ટેમ્બર થી લઇ એપ્રિલ સુધીમાં ઇંડા મુકવા ધરતી પર આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓખાથી લઇ હર્ષદ સુધીના દરિયા કાંઠાના વિસ્તારમાં માદા કાચબા ઇંડા મુકવા આવે છે.

તેઓ દરિયાકાંઠે રેતીમાં ખાડો ખોદી તેમાં ૮૦ થી ૧૬૦ ઇંડા મુકી ફરીથી તેઓ રેતીથી ઢાંકી દે છે.  આ ઇંડાને સુરક્ષીત રાખવા માટે તેને વન વિભાગના કર્મચારીઓ ઓખાથી લઈ હર્ષદ સુધી દરરોજ સવારે આવા દરિયાઈ વિસ્તારની રેતીને ફંફોળીને ખાડામાંથી સલામતી સાથે ઈંડાને એક પાત્રમાં ભરીને કાચબા ઉછેર કેન્દ્ર ઓખામઢી તેમજ  કાચબા ઉછેર કેન્દ્ર નાવદ્રા ખાતે તૈયાર કરવામાં આવેલી હેચરી ખાતે પહોંચાડે છે. અને જ્યાં કૃત્રિમ માળામાં આ ઇંડાને ૪૫ થી ૬૦ દિવસ સુધી રાખવામાં આવે છે.  લીલા કાચબાના ઈંડાને હેચિંગ કરવાની ખાસ જરૂર રહેતી નથી તેમને હેચિંગ સેન્ટર ખાતેની રેતીમાં રહેલા ભેજને કારણે તેનું હેચિંગ થતું હોય છે.

વર્ષ ૨૦૨૪- ૨૫ ની અંદર  કુલ ૮૩ માળા લાવવામાં આવ્યા છે. જેમાં ૭૮૯૧ ઈંડા લાવવામાં આવ્યા છે. જેમાંથી ૬ હજાર જેટલા બચ્ચાને દરિયામાં છોડવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૨થી આજ સુધીમાં કુલ ૧ લાખ ૬૦૦ ઈંડા લાવવામાં આવ્યા છે. જેમાંથી અંદાજિત ૮૦ હજાર જેટલા બચ્ચાને દરિયામાં છોડવામાં આવ્યા છે.

આ જાણીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયા કાંઠે જોવા મળતા લીલા કાચબા અને ઓલીવ રીડલી કાચબાની પ્રજાતિ વિશે માહિતી મેળવીએ.

લીલા કાચબા લીલો કાચબો એ હકીકતમાં કથ્થાઈ ઢાલવાળો કાચબો છે, પરંતુ ઢાલની નીચેની ચરબી લીલા રંગની હોવાથી તે લીલા કાચબા તરીકે ઓળખાય છે. તે બધા સમુદ્રીય કાચબાઓ પૈકી એકમાત્ર તૃણાહારી કાચબો છે અને દરિયાઇ ઘાસ, લીલ અને વનસ્પતિ તેનો મુખ્ય ખોરાક છે.

ઓલીવ રીડલી કાચબા ઓલીવ રીડલી કાચબો બધા સમુદ્રીય કાચબાઓમાં સૌથી નાનો છે. તેનું નામ તેની ઢાલ પર ઓલીવ રંગના હદય આકારના વિસ્તારોને કારણે પડયું છે.  આ કાચબાઓમાં અરીબાડ (દરિયાકાંઠે કાચબાઓનું અચાનક આગમન) નામની આશ્ચર્યકારક ઘટના જોવા મળે છે. તેઓ બહુ મોટા સમુહમાં સમુદ્રકાંઠે ઇંડાઓ મુકવા અચાનક આવી ચડે છે. ભારતમાં ઓરીસ્સાના કાંઠે લાખો ઑલીવ રીડલી કાચબાઓ ઇંડાઓ મૂકવા અચાનક જ એક રાત્રી દરમિયાન આવી ચડે છે.

દરિયાઇ કાચબાઓનું રક્ષણ કરવા આપણે સમુદ્રતટ પર કચરો નહી ફેંકવાનો, પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવાનો સંકલ્પ કરીએ. તેમજ દરિયાઇ કાચબાને નુકશાન કરતી કોઇપણ પ્રવૃત્તિઓ આપણા ધ્યાન પર આવે તો રેન્જ ફોરેસ્ટ ઓફિસર, મરીન નેશનલ પાર્ક – દ્વારકા તેમજ મુખ્ય વન સંરક્ષક, મરીન નેશનલ પાર્ક – જામનગરનો સંપર્ક કરીએ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દેવભૂમિ દ્વારકામાં ભગવાનશ્રી કૃષ્ણ અને રાણી રુક્મણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું ભવ્ય આયોજન કરાયું

દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: માધવપુર ઘેડના મેળા પાંચમાં દિવસે ભગવાન શ્રી કૃષ્ણ…

દ્વારકામાં આવતી કાલે યોજાનાર ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના સત્કાર સમારોહની તૈયારીઓ પૂરજોશમાં

દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: ભારતના ઉત્તર - પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના…

દ્વારકામાં તા.૧૦ એપ્રિલ,૨૦૨૫ના રોજ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજીનું ભવ્ય સ્વાગત તથા શોભાયાત્રા યોજાશે

દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: ભારતના ઉત્તર - પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના…

ફૂલડોલ ઉત્સવ નિમિતે દ્વારકા જતા પદયાત્રીઓની સેવા માટે જિલ્લા પોલીસ તંત્ર ખડેપગે જોવા મળ્યું

દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે ફૂલડોલ…

1 of 3

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *