આજરોજ તા. ૧૪.૭.૨૪ રવિવારના રોજ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના સમગ્ર ભારતના તમામ કેન્દ્રોમાં સત્સંગ શિક્ષણ પરીક્ષા યોજાઈ હતી. જેમાં પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ. પૂ. મહંત સ્વામી મહારાજની આજ્ઞા અનુસાર, બાળ બાલિકા, યુવક- યુવતી, મહિલા -પુરુષો એમ તમામ પરીક્ષાર્થીઓ એ ઉત્સાહ પૂર્વક કક્ષા અનુસાર વિવિધ પરીક્ષાઓ આપી હતી.
ભાવનગર ખાતે આજરોજ પરીક્ષાનો પ્રારંભ સારંગપુર મંદિરના સંત તાલીમ કેન્દ્રના વિદ્વાન સંત પૂ. નારાયણમુનિ સ્વામી, ભાવનગર મંદિરના વરિષ્ઠ સંત પૂ. સોમપ્રકાશ સ્વામી તથા કોઠારી સંત પૂ. યોગવિજય સ્વામીએ કરાવ્યો હતો અને સર્વે પરીક્ષાર્થીઓને સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. પરીક્ષાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી શકે તે માટે પૂ. ત્યાગરાજ સ્વામીના માર્ગદર્શન અનુસાર કાર્યકરોએ ખૂબ સુંદર વ્યવસ્થા કરી હતી.
ભગવાન સ્વામિનારાયણના ચતુર્થ આધ્યાત્મિક વારસદાર બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની ઈચ્છા હતી કે આદર્શ સમાજના નિર્માણ હેતુ તમામ સત્સંગીઓ આપણા ભવ્ય વૈદિક વારસો, સંસ્કૃતિ, સનાતન હિન્દુ ધર્મ, સંસ્કાર અને સંપ્રદાયનું જ્ઞાન પ્રાપ્ત કરે.
આ સંકલ્પની પૂર્તિ હેતુ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે વર્ષ ૧૯૭૨ માં સંસ્થા લેવલે શરૂ થનાર પરીક્ષાનું ઉદઘાટન ભાવનગરમાં કરીને જે દિવ્ય સ્મૃતિ આપેલી તેની વાત પૂજ્ય નારાયણમુની સ્વામીએ દક્ષિણામૂર્તિ હાઈસ્કૂલમાં પરીક્ષા આપવા આવેલ પરીક્ષાર્થીઓને જણાવી હતી. આ ઘટના ભાવનગર વાસીઓ માટે ગૌરવની અને ઐતિહાસિક બાબત છે.