અંબાજી, સંજીવ રાજપૂત: વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ, શક્તિ, તપ અને શ્રદ્ધાનાં જાણે ઘોડાપૂર ઉમટ્યાં છે. ભાદરવી પૂનમનો મહામેળો હવે સોળે કળાએ જામ્યો છે. દૂરદૂરથી પદયાત્રા કરીને અંબાજી આવતા માઇભક્તો માં અંબેના દર્શન કરીને ધન્ય બન્યાં છે. અંબાજી જતા તમામ રસ્તાઓ ઉપર ભરચક માનવપ્રવાહ ભક્તિભાવથી અંબાજી તરફ ઉત્સાહભેર આગળ વધી રહ્યો છે.
રાજસ્થાન રાજ્યના ઉદયપુર નજીક ખેરવાડા ગામના વતની મહેન્દ્રકુમારે પોતાના અનુભવ વ્યક્ત કરતા જણાવ્યું છે, કે ગુજરાતમાં અંબાજી ખાતે રાજ્ય સરકાર ખુબ સારી વ્યવસ્થા કરી છે. અહીંયા માં ના દર્શન કરવાથી આનંદની અનુભતી થઈ છે. હું આપ સૌને અહી માં ના દર્શન માટે આવો. અહી આવી જોશો કે ચારેતરફ રસ્તાથી લઈને તમામ પ્રકારની સુવિધાઓ રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા ખુબ જ સારી રીતે કરવામાં આવી છે જે બદલ હું ધન્યવાદ વ્યક્ત કરું છું.
ઉમરગામના રહેવાસી યાત્રાળુ દીપક પંચાલે જણાવ્યું હતું, કે અંબાજીના મેળામાં આવ્યો અહી માં ના દર્શન કરવાથી ધન્યતાની લાગણીનો અનુભવ થયો છે. મને માં ના ધામે ધજા ચડાવવાનો લહાવો મળ્યો છે. ખરેખર રાજ્ય સરકારે આટલી સારી વ્યવસ્થા કરી છે કે અહી અમને જરાય તકલીફ નથી પડી.
સાબરકાંઠા જિલ્લાના વિજનગર તાલુકાના રાજપુર ગામના યાત્રાળુ પટેલ આશિષે જણાવ્યું હતું કે માં અંબેના દર્શન કરવાથી ધન્યતા અને પાવનતાનો અનુભવ થયો છે. અહીંની વ્યવસ્થા બહુ જ સારી છે એ બદલ હું ગુજરાત સરકારને ધન્યવાદ આપું છું.
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાંથી માં અબેના દર્શનાર્થે પધારેલા ઉમાબેન રાવલે જણાવ્યું હતું કે હું માં ના દર્શને હું છેલ્લા ૧૦ વર્ષથી આવું છું. અહી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓની સુવિધાઓમાં વધારો કર્યો છે. જેના લીધે સ્વચ્છતાથી લઈને તમામ સુખ સુવિધાઓનું પ્રમાણ વધ્યું છે, આ માટે રાજ્ય સરકારનો આભાર માનું છું.
અંબાજી ખાતે મીની મહાકુંભના દર્શન જેવો માહોલ જોવા મળે છે. હાથમાં ધજાઓ, મનમાં માત્ર ભક્તિ અને આનંદ, ઉલ્લાસ સાથે લાખો માઇભક્તોના આગમનથી અંબાજી જાણે કે વધુ સોહામણું બન્યું છે. ઘણા યાત્રિકો માતાજીને દંડવત પ્રણામ કરતા દર્શન કરવા આવી રહ્યા છે. દર્શન કરીને પરત ફરતા માઇભક્તોના કપાળે કુમ કુમ તિલક, હાથમાં ચુંદડી અને પ્રસાદ તથા મોં પર ધન્યતા, આનંદ અને સંતોષ જોવા મળે છે. દિવસોથી રાત- દિવસ ચાલીને અંબાજી પહોંચેલા શ્રધ્ધાળુઓ સુખ- સંતોષરૂપ અંબાજીની યાત્રા સંપન્ન કરી પરત ફરી રહ્યાં છે.
















