૫મી સપ્ટેમ્બર – શિક્ષક દિન વિશેષ
શિક્ષક, લેખક, તજજ્ઞ, સાહિત્યકાર, સંપાદક શ્રી મુકેશકુમાર મહિડાનું વિશિષ્ટ યોગદાન
પોતાના પિતાજીના આદર્શોને વરેલા નખશિખ શિક્ષક, નિષ્ઠા અને પ્રમાણિકતાથી શિક્ષણની જ્યોત વધારનાર મુકેશકુમાર મહિડા એટલે તપસ્વી શિક્ષક
આણંદ, બુધવાર:::: દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ, બીજા રાષ્ટ્રપતિ અને એક મહાન શિક્ષક તરીકે વધુ જાણીતા એવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ ૫ મી સપ્ટેમ્બરને દેશભરમાં ‘શિક્ષક દિન’ તરીકે ઊજવવામાં આવે છે.
રાજ્ય સરકાર દર વર્ષે શિક્ષક દિન નિમિત્તે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોની પસંદગી કરી સન્માન કરે છે. આ વર્ષે રાજ્ય સ્તરે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત થનારા શિક્ષકોમાં આણંદ જિલ્લાના બે શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે, જેમાં આણંદ તાલુકાના ચિખોદરા ગામની હાઈસ્કૂલના બહુપ્રતિભાશાળી શિક્ષક શ્રી મુકેશકુમાર પ્રભાતસિંહ મહિડા અને ખંભાત તાલુકાની રાલેજ હાઈસ્કૂલના આચાર્ય શ્રી ડો. કમલેશકુમાર એમ. પટેલનો સમાવેશ થાય છે
તા. ૫ મી સપ્ટેમ્બર ના રોજ રાજ્ય સ્તરનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ સમારોહ યોજાશે, જેમાં શિક્ષણ ક્ષેત્રે ગૌરવ રૂપ ગણાય તેવી ઉત્કૃષ્ટ સેવા માટે મહામૂલું યોગદાન આપનારા ચિખોદરા હાઈસ્કૂલના મદદનીશ શિક્ષક શ્રી મુકેશકુમાર મહિડાને ‘શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક એવોર્ડ – ૨૦૨૫’ એનાયત થશે.
શ્રી મુકેશકુમાર મહિડા એમ.એ બી.એડ અંગ્રેજી, પી.જી.ડી.એમ., સી.પી.સી.એસ. કોમ્પ્યુટર, હિન્દી સેવક, સંસ્કૃત વિશારદ, કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ ડિપ્લોમા ઇંગ્લિશ મોડ્યુલ, ટેટ, સીસીસી ડિપ્લોમા ઇન યોગા જેવી લાયકાત ધરાવતા એક ભાષા શિક્ષક હોવાની સાથો-સાથ છેલ્લા ૨૭ વર્ષોથી શિક્ષણ અને સામાજિક ક્ષેત્રે શિક્ષક, લેખક, તજજ્ઞ, સાહિત્યકાર, સંપાદક શ્રી તરીકેની સેવાઓ આપી રહ્યા છે.
તેમણે તેમના પિતાજી શ્રી પ્રભાતસિંહ મહિડાના આદર્શોને પોતાના જીવનમાં ઉતાર્યા છે અને તેમના પિતાજીના આદર્શોને વરેલા નખશિખ શિક્ષક, નિષ્ઠા અને પ્રમાણિકતાથી શિક્ષણની જ્યોત વધારનાર અને વિદ્યાર્થીઓમાં ઉત્સાહપૂર્વક સર્વાંગી વિકાસમાં શાળાકીય અભ્યાસ અને સહ અભ્યાસની દરેક પ્રવૃત્તિમાં સક્રિય ભૂમિકા ભજવે છે અને છેલ્લા ૨૭ વર્ષોથી શિક્ષણરૂપી યજ્ઞમાં સતત આહુતિ આપી રહ્યા છે.
શ્રી મુકેશકુમાર મહિડાનું શિક્ષક, લેખક, તજજ્ઞ, સાહિત્યકાર, સંપાદક શ્રી તરીકેનું યોગદાન, બાળકોના સર્વાંગી વિકાસ માટે શરૂ કરેલ નવીન પ્રકલ્પો અને સરકાર દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ માર્ગદર્શન ઉપરાંત વિદ્યાર્થી રમત ગમતમાં ભાગ લે તે માટે વિશિષ્ટ ભૂમિકા, કન્યા કેળવણી ક્ષેત્રે યોગદાન આપીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો છે.
શ્રી મુકેશકુમાર મહિડાના અમૂલ્ય યોગદાન બદલ પ્રાપ્ત થયેલ સન્માન અને પારિતોષિક
બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ અમદાવાદ દ્વારા તામ્રપત્ર
આણંદ જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પ્રમાણપત્ર વર્ષ ૨૦૧૭
લાયન્સ ક્લબ આણંદ અમુલ અને બ્રહ્માકુમારીઝ આણંદ દ્વારા શ્રેષ્ઠ શિક્ષક સન્માન પત્ર
આર.જે. વિઝન વડોદરા દ્વારા આણંદ જિલ્લામાં ટેલેન્ટ સર્ચ પરીક્ષા ૨૦૨૩ માં ભાગ લેવા બદલ લાયન્સ પ્રમુખ તરીકે શિલ્ડ પ્રાપ્ત કર્યો
અચલા ફાઉન્ડેશન ટ્રસ્ટ અમદાવાદ ખાતે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથજી ગોવિંદના હસ્તે ગુજરાત લેવલે અચલા એવોર્ડ વર્ષ ૨૦૨૩
જાયન્ટસ ગ્રુપ ઓફ કલોલ મેઈન દ્વારા ગુજરાત રાજ્યના મદદનીશ શિક્ષણ સચિવ શ્રી ના હસ્તે ગુજરાત ગૌરવ સન્માન ૨૦૨૪ નો એવોર્ડ પ્રાપ્ત થયો
સુકન્યા સહાય યોજના, ઓમ શાંતિ ગ્રુપ, ગામડી, આણંદ દ્વારા પ્રથમ વાર્ષિકોત્સવમાં શીલ્ડ આપીને સન્માન કરાયું
કરમસદ કેળવણી મંડળ દ્વારા પૂજ્ય સંત શ્રી જયરામગીરીજીના હસ્તે વર્ષ ૨૦૧૯ માં સન્માન પત્ર આપી કરાયું બહુમાન
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ દ્વારા પ્લેટિનિયમ અને ગોલ્ડ એવોર્ડ પ્રાપ્ત થયો
વિશ્વ જ્યોત ટ્રસ્ટ, રુણ દ્વારા શ્રેષ્ઠ શૈક્ષણિક સેવા બદલ સરદાર પટેલ સાહેબની મોમેન્ટો આપી સન્માન કરાયું
આઈ બી પટેલ ઇંગ્લિશ સ્કૂલ વલ્લભ વિદ્યાનગર અને પરમાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ જોડ દ્વારા રક્તદાન પારિતોષિક આપવામાં આવ્યો
આણંદ જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી રોહિતભાઈ પટેલના હસ્તે સન્માન પત્ર એનાયત
લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ૩૨૩૨ F1 દ્વારા ડિસ્ટ્રિક્ટ ચેરમેન ઓફ એજ્યુકેશન તરીકે શ્રેષ્ઠ કામગીરી બદલ “ગોલ્ડન ડીસ્ટ્રીક” સન્માન પત્ર એનાયત કરાયું
આમ, શ્રી મુકેશકુમાર પ્રભાતસિંહ મહિડા શિક્ષક હોવાની સાથોસાથ એક બહુપ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવે છે. તેમણે એક સામાન્ય શિક્ષકની જવાબદારીઓથી આગળ વધીને લેખન, વાંચન, સાહિત્ય અને સમાજ સુધારણા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન પૂરું પાડ્યું છે, તે બદલ રાજ્ય સરકાર દ્વારા તેમને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કર્યા છે અને શ્રી મુકેશભાઈ મહિડાએ આણંદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
એક મુલાકાતમાં શ્રી મુકેશકુમાર મહિડાએ ૨૭ વર્ષ જેટલા લાંબા શિક્ષણ રૂપી યજ્ઞમાં એક તપસ્વી શિક્ષક તરીકે કામ કર્યું જેની નોંધ લઈને રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૫ માં રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરી તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર માનસી રાઠવા આણંદ