આણંદ, શનિવાર :: સરકારી શાળા અને ચિલ્ડ્રન હોમના બાળકોને ઉચ્ચ અભ્યાસ તથા કારકિર્દી માટે પ્રેરણા મળી રહે તેવા હેતુથી જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને રાજ શિવાલય સિનેમા, આણંદના સંયુક્ત ઉપક્રમે ચિલ્ડ્રન હોમના બાળકો, સરકારી પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાના બાળકોને પ્રેરણાદાયી ફિલ્મ “12th fail” નું વિનામૂલ્યે નિદર્શન કરાવાયું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ વિદ્યાર્થીઓને સંઘ લોક સેવા આયોગ શુ છે? કઈ રીતે આઈ.એ.એસ. કે આઈ.પી.એસ. બની શકાય ? તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપીને બાળકોને કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ ક્ષેત્રમાં સારી કારકિર્દી બનાવવા માટે સંઘર્ષ ખૂબ જ જરૂરી છે. સંઘર્ષમાં શ્રદ્ધા અને દ્રઢતા હોય તો ચોક્કસથી કોઈપણ સિદ્ધિ હાંસલ કરી શકાય છે.
આ તકે કલેક્ટરશ્રીએ આપણો દેશ વિશ્વનો સૌથી યુવાન દેશ છે અને હાલના વિદ્યાર્થીઓ જ દેશનું ભવિષ્ય છે તેમ જણાવી સૌ વિદ્યાર્થીઓને તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીની સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિલિંદ બાપના, નિવાસી અધિક કલેકટરશ્રી આર.એસ. દેસાઈ, પ્રાંત અધિકારીશ્રી વિમલ બારોટ, પ્રાંત અધિકારીશ્રી નિરૂપા ગઢવી, જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યા હતા.
રિપોર્ટ ભૂમિકા પંડયા આણંદ