ગાંધીનગર, સંજીવ રાજપૂત: ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ (ICSSR) અને સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે સાંસ્કૃતિક સમન્વય વૈશ્વિક પ્રવેશદ્વાર તરીકે ‘બાળ સાહિત્ય’ વિષય પર એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, શિક્ષણ માટેની જૂની પરંપરા આજના બાળકો ભૂલી ગયા છે, એનું મૂળ કારણ આજે વિભક્ત કુટુંબ છે, પહેલાના સમયમાં બાળકો પોતાના દાદા દાદી સાથે રહીને જે વાર્તા સાંભળતા હતા એનાથી એમણે ઘણું શીખવા અને જાણવા મળતું હતું, પરંતુ વિભક્ત કુટુંબ થવાના કારણે આજે બાળક મોબાઈલ સાથે વધારે સમય પસાર કરે છે જેની માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી રહી છે, જેના કારણે આજે નાની વયે બાળકોમાં આત્મહત્યાના કેસો જોવા મળે છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ટેકનોલોજીનો ઉપયોગ સમય પ્રમાણે આપણે સૌએ કરવો જોઈએ, પણ એ ટેકનોલોજીના ભરોસે રહેવું એવો બાળક આપણે આપણી શાળામાં તૈયાર ન થાય એવું શિક્ષણ આપવું જોઈએ. શિક્ષકોએ બાળકોને આત્મિયતા રાખીને ભણાવવું જોઈએ, નાના બાળકોને અનુભવ આધારિત શિક્ષણ આપવું જોઈએ, કોઈ પણ શિક્ષકે નાના બાળકોને ગોખણપટ્ટી આધારિત શિક્ષા આપવી ન જોઈએ.
મંત્રી પાનશેરીયાએ વધુમાં રામાયણ અને મહાભારતના કેટલાક અંશો શિક્ષકો સામે રજૂ કર્યા અને પહેલાના સમયની શિક્ષા પદ્ધતિ અને હાલના સમયની શિક્ષા પદ્ધતિ કઈ રીતે જૂદી પડે છે તેમજ આવનારા સમયમાં બાળકોને કઈ રીતે ભણાવી એક મજબૂત રાષ્ટ્રનિર્માણ કરી શકીએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
એક દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદ કાર્યક્રમમાં અમેરિકાની કેમ્બ્રિજ યુનિવર્સિટીના અધ્યાપક પ્રો. કેરેન કોટ્સે ‘અમેરિકન બાળસાહિત્યમાં અગ્રણી કથાનકો’ વિષય પર, લંડન ઓર્ગેનાઈઝેશન ઓફ સ્કીલ્સ ડેવલપમેન્ટના સી.ઈ.ઓ પ્રો. પરીન સોમાણીએ ‘બ્રિટિશ બાળસાહિત્ય’ પર, મરાઠી બાળસાહિત્યકાર શ્રી એકનાથ આહ્વાડેએ ‘ભારતીય બાળસાહિત્ય’, પોલેન્ડની ઓપોલ યુનિવર્સિટી ઓફ ટેક્નોલોજીના અધ્યાપક ડૉ. ફિલિપ રુસિન્સ્કીએ ‘પોલિશ બાળસાહિત્ય’ તથા નેપાળની ત્રિભુવન યુનિવર્સિટીના અધ્યાપક ડૉ. કુસુમાકર નિયોપાને ‘નેપાળી બાળસાહિત્ય’ વિષય ઉપર વિડિઓ કોન્ફરન્સના માધ્યમથી વક્તવ્ય આપ્યું હતું.
આ આંતરરાષ્ટ્રીય પરિસંવાદનો મુખ્ય ઉદ્દેશ્ય સર્વાંગી બાળવિકાસમાં બાળસાહિત્યની ભૂમિકા વિશે ચર્ચાને મંચ પૂરો પાડવાનો છે. આ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિવિધ યુનિવર્સિટીઓ વચ્ચે સંશોધન આધારિત શૈક્ષણિક સહયોગ વધારવાનો છે. આ પરિસંવાદમાં દેશ-વિદેશના તજજ્ઞો, સંશોધકો દ્વારા બાળસાહિત્યને લગતા વિવિધ વિષયો ઉપર રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પરિસંવાદ કાર્યક્રમમાં ૧૫૦થી વધારે સંશોધકોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના હસ્તે જન્મના ત્રણ વર્ષ સુધીના શિશુ માવજત અંગેના પુસ્તક શિશુ સંગોપન તેમજ શ્રી સ્વરૂપ સંપત રાવલ દ્વારા લિખિત પ્લે – પ્રેક્ટિસ – પરસ્યુ અને NEP ૨૦૨૦ના અમલમાં સહાયક ૧૧ બાળકેન્દ્રી પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ટી.એસ. જોશી, આઈ.આઈ.ટી. ઈ ગાંધીનગરના કુલપતિ આર.સી.પટેલ,સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના કુલપતિ રમાશંકર દુબે, શિક્ષણવિદ્ ડૉ.સ્વરૂપ સંપત રાવલ, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્રના નિયામક સંજય ગુપ્તા, મોટી સંખ્યામાં અધિકારીઓ તેમજ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.