Education

ઘેલા સોમનાથ ખાતે આચાર્ય-શિક્ષકોને સોંપાયેલી જવાબદારી સંદર્ભે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાની પ્રતિક્રિયા

વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે રાજ્યના શિક્ષકોને આવી અન્ય કોઇપણ જવાબદારી સોંપવી એ બિલકુલ અયોગ્ય: મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા

શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ શિક્ષકોને જવાબદારી સોંપતો પરિપત્ર તાત્કાલિક ધોરણે રદ કરવા સૂચનાં આપી

ભવિષ્યમાં શિક્ષકોને કોઇપણ જવાબદારી સોંપતા પૂર્વે શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રીની મંજૂરી લેવાની રહેશે

રાજકોટ જિલ્લાના ઘેલા સોમનાથ મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન દર્શનાર્થે આવતા મહત્વપૂર્ણ મહાનુભાવોના ભોજન સંચાલન માટે જસદણના પ્રાંત અધિકારીશ્રી દ્વારા શાળાના આચાર્યો અને શિક્ષકોને સોંપવામાં આવેલી ફરજનો પરિપત્ર ધ્યાને આવતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ તાત્કાલિક ધોરણે આ પરિપત્ર રદ કરવાના આદેશ આપ્યા છે.

આ સંદર્ભે પોતાનો પ્રતિભાવ આપતા શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ભવિષ્યનું ઘડતર કરતા શિક્ષકોને શિક્ષણકાર્ય ઉપરાંત લોકમેળામાં મહાનુભાવોના ભોજન સંચાલનની જવાબદારી સોંપવી બિલકુલ અયોગ્ય છે. વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે પરિપત્ર કરીને આવી કોઈપણ જવાબદારીઓ શિક્ષકોને સોંપવી એ ઉચિત નથી.

તેમણે ઉમેર્યું હતું કે, ભારત સરકાર અથવા ગુજરાત સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાએથી નિર્ધારિત કરાયેલી ચૂંટણી જેવી મહત્વપૂર્ણ ફરજ સિવાયની કોઇપણ અન્ય જવાબદારી રાજ્યના શિક્ષકોને ભવિષ્યમાં સોંપવામાં ન આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નિર્ણય લેવામાં આવશે. વિદ્યાર્થીઓના ભણતર પર અસર ન થાય તે માટે ભવિષ્યમાં શિક્ષકોને અન્ય કોઇપણ જવાબદારી સોંપવા પૂર્વે ગાંધીનગર શિક્ષણ વિભાગના અગ્ર સચિવશ્રી સાથે સંકલન કરવાનું રહેશે.

આ ઘટના સંદર્ભે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીએ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી મુકેશકુમાર સાથે ટેલીફોનીક વાતચીત કરીને જરૂરી કાર્યવાહી કરવા તેમજ તાત્કાલિક ધોરણે આ પરિપત્ર રદ કરાવવા સૂચના આપી હતી. સાથે જ તેમણે, ભવિષ્યમાં શિક્ષકોને અન્ય જવાબદારી સોંપતા આવા કોઈ આડેધડ પરિપત્રો ન થાય તે અંગે અગ્ર સચિવશ્રીનું વિશેષ ધ્યાન દોર્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 14

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *