રાધનપુર, એ.આર. એબીએનએસ: રાધનપુર શહેર સ્થિત હિંમત વિદ્યાનગર ત્રિકમજીભાઈ ચતવાણી આર્ટસ એન્ડ જે.વી.ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ,રાધનપુરમાં ટ્રસ્ટના પ્રમુખ ડૉ. મહેશભાઈ મુલાણીના અધ્યક્ષ સ્થાને તેમજ મુખ્ય મહેમાન તરીકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર માનનીય ડૉ. કે. સી. પોરિયાની ઉપસ્થિતિમાં તા.8/7/2025 ના રોજ બી.એ- બી.કોમ સેમ-1 ના વિદ્યાર્થીઓનો આવકાર કાર્યક્રમ પ્રિ. ડૉ.સી.એમ .ઠક્કર ના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત ડૉ.સુરેશભાઈ ઓઝા દ્વારા શ્લોક ગાન કરી કોલેજના આચાર્ય ડૉ. સી.એમ.ઠક્કર દ્વારા કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા અને તેમને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા.ડૉ.કે.ડી.અખાણીએ મુખ્ય મહેમાનનો ટૂંકમાં પરિચય આપ્યો હતો.મુખ્ય મહેમાન તરીકે પધારેલ વાઈસ ચાન્સેલર ડૉ. કે.સી.પોરિયા દ્વારા નીતિમત્તા, જીવનના ઉદ્દેશો સિધ્ધ કરવા કટીબદ્ધતા તેમજ એક પેડ માં કે નામ થકી વૃક્ષારોપણ કરવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
કોલેજના પ્રમુખ મહેશભાઈ મુલાણીએ નવા વર્ષના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી તેમજ આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ડૉ. ચિરાગ.વી. રાવલે અને આભારવિધિ ડૉ.વિમલભાઈ ખમારે કરી હતી.
વિધાર્થિનીઓએ સ્વાગત નૃત્ય દ્વારા મહેમાનને આવકાર્યા હતા.આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો અને કોલેજના નવા વર્ષના વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતાં. અંતમાં રાષ્ટ્ર ગાન કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.