બનાસકાંઠા, એબીએનએસ: ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, ત્યારે પાલનપુર આદર્શ વિદ્યાલય ખાતેથી બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, જિલ્લા શિક્ષણાધિકારી હિતેશ પટેલ સહિતનાં અધિકારીશ્રીઓએ વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી સફળ પરીક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.
આ તકે જિલ્લા કલેકટર મિહિર પટેલએ જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષામાં બનાસકાંઠા જિલ્લાના 79,228 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે. કુલ 107 કેન્દ્રો અને 291 બિલ્ડિંગ પર આ પરીક્ષા આગામી 17 માર્ચ 2025 સુધી યોજાવાની છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે જ્યારે બાળકો કોઈપણ પ્રકારના ભય વગર અને પારદર્શિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તંત્ર દ્વારા વિશેષ તૈયારી સહિત બાળકોને જિલ્લા કલેકટરએ શુભેચ્છાઓ પાઠવી હતી.
જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે પોલીસ બંદોબસ્ત તથા ટ્રાફિક જામ ના થાય તે મુજબની વ્યવસ્થાઓ કરાઈ છે. આ સાથે તેમણે પરીક્ષા અપતા બાળકો અને વાલીઓને પરીક્ષા આપતા સમયે મોડા અથવા કોઈપણ મુશ્કેલીમાં પોલીસ વાહનનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં ધો.10ના 49,805, ધો.12 (સામાન્ય પ્રવાહ)ના 24,093 તથા ધો-12 (વિજ્ઞાન પ્રવાહ)ની પરીક્ષામાં 5330 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધો.10 માટે 184 બિલ્ડીંગ,1789 બ્લોકમાં પરીક્ષા, તેવી જ રીતે ધો-12 (સામાન્ય પ્રવાહ) માટે 82 બિલ્ડીંગ, 809 બ્લોક અને ધો-12 (વિજ્ઞાન પ્રવાહ) માટે 25 બિલ્ડીંગ, 274 બ્લોકમાં પરીક્ષા યોજાઈ રહી છે. તમામ પર CCTV કેમેરાની બાજ નજર રહેશે. જિલ્લામાં ધોરણ 10 – 12ના કુલ 79,228 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ માટે કુલ 09 ઝોનલ અધિકારીઓ, 23 મદદનીશ ઝોનલ અધિકારી, 45 વહીવટી મદદનીશ અધિકારીઓ, 291 સરકારી પ્રતિનિધિઓ ફરજ બજાવી રહ્યા છે.