મિત્રતા દિવસની સૌને શુભેચ્છાઓ.
“તમામ સંબંધો કરતા પણ વધુ મજબૂત એક બંધ,
એટલે મિત્રતાનો સંબંધ”.
મિત્ર તો આપણું ડાબું અંગ છે,
મિત્ર તો શ્વાસ આપણો અને હૃદય એ છે,
મિત્ર તો દુઃખ આપણું અને આંસુ એ છે,
મિત્ર તો જોખમ આપણું અને ચિંતા એ છે.
દુનિયામાં લાખો સંબંધો નહીં હોય તો ચાલશે પરંતુ એક મિત્રતાનો સંબંધ બાંધજો, કે જે યુવાનીમાં સાચા માર્ગે ચાલવા અને બુઢાપામાં સમય પસાર કરવા તમારી સાથે હોય… બાળપણનો મિત્ર ક્યારેય સ્વાર્થી નથી હોતો કારણ કે એ અવસ્થામાં જ કોઈ સ્વાર્થ નથી હોતો.
મિત્ર બનાવવામાં દુર્યોધન જેવો કપટી મગજ નહીં પરંતુ કૃષ્ણ જેવા ચોખ્ખા, સાચા અને પ્રેમાળ હૃદયની જરૂર પડે.
મારી પ્રગાઢ મિત્રતાનો એક કિસ્સો શેર કરું છું. આજે પણ બરાબર યાદ છે કે ધોરણ ૬ માં ભણતી હતી ત્યારે મેં પહેલીવાર આજના દિવસની ઉજવણી કરી હતી. બીજા દિવસે સમાજવિદ્યાનું લેશન કર્યું હતું પણ ઘરે ભૂલી ગઈ હતી. (સાચું લેશન કર્યું હતું હો! કોઈ બહાનું નથી) જેઓ લેશન ભૂલી ગયા હોય તેમને સાહેબે ઊભા કર્યા. અને આખા વર્ગખંડમાં ઊભી થનાર હું એકલી.
સાહેબે સૌ વિદ્યાર્થીઓને પૂછ્યું, “કોઈની પાસે ફૂટપટ્ટી છે?” સૌની પાસે હતી જ છતાં યે સૌએ ના પાડી. ત્યારે જ મારી બાજુમાં બેસનારી મારી ખાસ બહેનપણી બોલી, “આ લ્યો સાહેબ મારી પાસે આ લાકડાની ફૂટપટ્ટી છે!”
જે મારા માટે સૌની સાથે લડી લેતી, તેની જ ફૂટપટ્ટીએ જીવનનો પહેલો અને આખરી માર ખાધો હતો. સટાક… સટાક… કરતી બે ફૂટપટ્ટીએ આંખોમાં આંસુઓની ચોધાર હતી. મેં તેની સામે જોયું. જે મારી હાલત હતી એ તેની પણ હતી. ફરક એટલો હતો કે મને ફૂટપટ્ટી હાથમાં વાગી અને પીડા હતી, અને તેને મારી પીડા હતી.
તેણે ફૂટપટ્ટી એટલે નહોતી આપી કે અમારે કોઈ ઝગડો થયો હતો, તેણે સાહેબને ફૂટપટ્ટી એટલે આપી હતી કે અમારી મિત્રતા થઈ ત્યારે જ અમે એકબીજાએ એકબીજાને વચન આપેલું કે, “જીવનમાં ગમે તે થાય પણ એકબીજા સામે ક્યારેય ખોટું નહીં બોલવાનું. જીવન મૃત્યુનો સવાલ હોય તો પણ ખોટું ક્યારેય નહીં બોલીએ”.
મને ફૂટપટ્ટી વાગી તેનું દર્દ નહોતું કારણ કે મારી બહેનપણીએ અમે એકબીજાને આપેલું વચન નિભાવ્યું તેનો અંતરથી અનેરો આનંદ હતો. અમારી મિત્રતા આજે પણ એ જ ભાવથી જોડાયેલી છે.
મિત્ર હેરાન જરૂર કરે પણ કયારેય હેરાન ના થવા દેય, સાચા મિત્ર રૂપે આવતા વ્યક્તિઓનો જીવનમાં સદાયે બાહુપાશ ખોલીને સ્વીકાર કરજો. એક મિત્રો જ તો છે જીવનમાં જ્યારે આપણે કંઈ ના હોઈએ ત્યારે એકબીજા માટે સર્વસ્વ હોઈએ.
મિત્રતા દિવસની આપ સૌને શુભેચ્છાઓ.
– અંકિતા મુલાણી “રિચ થીંકર”©
#રાષ્ટ્રહિત સર્વોપરી