રિપોર્ટ: અનુજ ઠાકર
ગિફ્ટ સિટી ખાતે 70મું ફિલ્મફેર એવોર્ડ્સ યોજાશે
ગુજરાત સરકાર સતત બીજી વખત પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ્સનું આયોજન કરવા જઈ રહી છે. ગિફ્ટ સિટી ખાતે 69માં ફિલ્મફેરના ભવ્ય સફળ આયોજન બાદ હવે 70માં ફિલ્મફેર એવોર્ડ્સ ગુજરાતમાં જ યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં બોલિવૂડ અભિનેતા વિક્રાંત મેસી અને નિર્દેશક કરણ જોહર ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકાર અને ફિલ્મફેર વચ્ચે MoU
ગુજરાતને ફિલ્મ ઉદ્યોગનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનાવવા રાજ્ય સરકારે ફિલ્મફેર સાથે MoU કર્યા છે. આ અંગે વિક્રાંત મેસીએ પોતાના અનુભવો શેર કરતાં જણાવ્યું હતું કે વડોદરા સાથે તેમનો ખાસ જોડાણ છે. ગિફ્ટ સિટી ખાતે યોજાયેલા ફિલ્મફેરમાંથી જ તેમને પહેલો એવોર્ડ મળ્યો હતો, જે તેમના માટે અનોખો અનુભવ રહ્યો હતો.
ગુજરાત – એન્ટરટેઈન્મેન્ટ ડેસ્ટિનેશન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે રાજ્ય સરકારે ગુજરાત ફિલ્મિંગ ઇન્સેન્ટિવ સ્કીમ અને સિનેમેટિક ટુરિઝમ પોલિસી દ્વારા ફિલ્મ ઉદ્યોગને નવી દિશા આપી છે. જેના કારણે ગુજરાત હવે ફક્ત ઔદ્યોગિક અને બિઝનેસ હબ જ નહીં પરંતુ એન્ટરટેઈન્મેન્ટ ડેસ્ટિનેશન તરીકે પણ ઓળખાઈ રહ્યું છે.
કરણ જોહરની લાગણી
પ્રસિદ્ધ નિર્દેશક કરણ જોહરે કહ્યું કે ફિલ્મફેર એવોર્ડ્સ દરેક કલાકાર માટે ઐતિહાસિક પળ સમાન હોય છે. ગુજરાત સરકારના સહયોગ માટે તેમણે ખાસ આભાર વ્યક્ત કર્યો.
ઝગમગતા સિતારા – 2024ની ઝલક
આ ઇવેન્ટમાં અનેક જાણીતા સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહ્યા:
બોલિવૂડ સિતારા: કરણ જોહર, જાહ્નવી કપૂર, કરીના કપૂર, કરિશ્મા કપૂર, વર્ણ ધવન, દીપ્તિ નવલ, કલ્કી, શૈફાલી શાહ, મનીષ પૌલ, ભૂમિકા ચાવલા, અનુ મલિક સહિત અનેક.
ગુજરાતી કલાકારો: હિતુ કાનોડિયા, અરવિંદ વેગડા, મિતુ ગઢવી, આરોહી પટેલ, યશ સોની, પાર્થ ઓઝા.
રાજકારણીઓ: CM ભૂપેન્દ્ર પટેલ, C.R. પાટીલ, હરશ સંઘવી, મલુ બેરા.
સ્પોર્ટ્સ પર્સનાલિટી: ક્રિકેટર શિખર ધવન અને બેડમિન્ટન સ્ટાર P.V. સિંધુ.
ગુજરાતની છબી માટે સુવર્ણ અવસર
ફિલ્મફેર એવોર્ડ્સ માત્ર એક એવોર્ડ સમારોહ નથી, પરંતુ તે ગુજરાતના વૈવિધ્યસભર પ્રવાસન, સંસ્કૃતિ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઓળખ વિશ્વ સમક્ષ રજૂ કરે છે. આ ઈવેન્ટ રાજ્યને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર મજબૂત સ્થાન અપાવશે.