Happy mother’s day❤️
કરુણાની મૂર્તિ મારી મા..
મિત્રો આમ તો મા પોતે ઈશ્વરનું ખૂબ જ અદ્ભૂત અને વર્ણન ના કરી શકાય તેવું સર્જન છે.. અને દરેક વ્યક્તિ માટે પોતાની મા મહાન જ હોય છે. અને મા જેટલું સમર્પણ દુનિયામાં રહેલું કોઈ પણ ચરિત્ર ના આપી શકે. પણ આજે મારે મારા હૃદયના ખૂણે રહેલી એક વાતને તમારા બધા સમક્ષ મૂકી હળવું થવું છે..
મારી મા એ તેનું આખું જીવન સંઘર્ષ શબ્દને વ્હાલો કરીને જ ગાળ્યું છે.. ખૂબ જ નાની ઉંમરમાં મારી મા એ પોતાના માતા પિતાને ગુમાવી દીધેલા..ચાર ભાઈ બહેન.. મારી મા નો ત્રીજો નંબર.હજુ તો ચારેય ભાઈ બહેનમાં એટલી સમજ પણ નહોતી કે જિંદગી કંઈ રીતે જીવવી અને એ પહેલાં જ એશિયાળા થઇ ગયેલા.
સંબંધીઓ હોય, સૌને લાગણી પણ હોય પણ બધા પોત પોતાનો સંસાર લઇને બેઠા હોય તેવી પરિસ્થિતિમા આ ચાર ભાઈ બહેનોને એક બીજાનો સહારો બનીને જ જિંદગી જીવવાની હતી.. ખડકી બંધ ઘરમાં ચારેય ભાઈ બહેન ઠાઠથી અને સ્વમાનથી મહેનત કરીને માતાજી ઉપર શ્રદ્ધા રાખીને રહેતા.
મારી મા મને એકવાર કહેતી હતી કે દીકરી મારા પિતાજી મરવાના હતા એ પહેલાની આગલી રાતે તેમણે માતાજીનો દીવો કરેલો અને ચારેય ભાઈ બહેનોને માતાજી સામે બેસાડીને કહેલું મા મારા ચારેય બાળકો હું તને સોપું છું..અને બીજા દિવસે તેમનો જીવ ગયેલો.મારી મા અને તેમનાથી મોટા બેન મારા માસીનું વ્યક્તિત્વ એવુ હતું કે કોઈ તેમની સામે આંખ ઉઠાઈ જોઈ ના શકે.
મારા મોટા મામા અને નાના મામા માટે બંન્ને બહેનોને એટલી લાગણી કે તે બંન્ને ભાઈઓ માટે મા બાપ બની ગયેલી.નાતે બ્રાહ્મણ એટલે મારી મા બાળપણથી પૂજા અર્ચના વધુ કરતી. અને કોઈ પૂનમ, અમાસ કે પવિત્ર તિથિ હોય ત્યારે મારી મા ઘરે ઘરે ભર તડકામાંય ધોધમાર વરસાદ હોય તો પણ યજમાનને ત્યાં સીધુ લેવા જતી.
બધા મા ને ખૂબ માનતા. તેની પૂજા અર્ચનાથી પ્રભાવિત થઇ યથાશક્તિ દાન, દક્ષિણા, અનાજ આપતા. આમ કોઈના પણ આશરા વગર ચારેય ભાઈ બહેનો મહેનત કરી જીવનનિર્વાહ ચલાવતા. સાચું કહું મને કલા વારસામા મારી મા તરફથી મળી છે.
મારી મા ખૂબ જ સારી મહેંદી પણ મૂકી જાણતી.કોઈના પણ ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યાં મારા નાના મામા અને મા પહોંચી જતા અને જેટલી ઘરમાં સ્ત્રીઓ હોય તે બધાને મહેંદી મૂકી આપતી અને જે હરખથી પૈસા મળે તે ભાઈ બહેન હસતા હસતા લઇને ઘરે આવતાં.
પહેલાં તો મહેંદી સળીથી મુકતા તે પણ એક પ્રકારની કલા હતી.મારી મા એ ઘરને એક બહેન નહિ પણ મા બનીને ઝકડી રાખેલું. પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ લગ્નની ઉંમર થતાં તેના લગ્ન થઇ ગયા અને ઘરમાં જાણે એક બીજી મા એ વિદાય લીધી હોય તેવું વાતાવરણ સર્જાઈ ગયું….
પણ મારી મા અને સંઘર્ષ એકબીજાનો સાથ જલ્દી છોડે તેમ નહોતા. લગ્ન કરીને આવતાવેંત જ મારી મા ને ખબર પડી ગયેલી કે મારા પપ્પાની આર્થિક સ્થિતિ નાજુક છે એટલે તેને અમને બંન્ને નાના ભાઈ બહેનને ઉછેરતા ઉછેરતા આરોગ્યખાતામાં નોકરી જોઈન કરી લીધેલી.. સવારે પપ્પાનુ ટિફિન બનાવી બંન્ને ભાઈ બહેનને જમાડી તૈયાર કરીને શાળાએ મૂકી ઘરનુ કામ પતાવી તે ઘરથી દસ કિલોમીટર દૂર રોજ રીક્ષાનુ ભાડુ બચે તે માટે ચાલતી નોકરીએ જતી.
અને તેનુ કામ પણ ઘણું અઘરું હતું. રોજના સો ઘરના તેને સર્વે કરવાનાં રહેતા..કોઈ બાળક બીમાર હોય તેનો લોહીનો નમૂનો, સગર્ભા માતાને રસી,નામ નોંધણી,નાના બાળકોને રસી આપવાની હોય આ બધા જ રિપોર્ટ તેને રોજના રોજ જમા કરાવવાના રહેતા.
સવારે ઓફીસ હાજરી પુરાવવા જાય ત્યારબાદ જે તે વિસ્તાર નિર્ધારિત કર્યો હોય ત્યાં રોજના સો ઘરના સર્વે કરે અને પાછી તે જ રિપોર્ટ આપવા પાછી ઓફિસ જાય..બળબળતો ઉનાળાનો તાપ હોય, બપોરનો સમય હોય, ખભે પ્લાસ્ટિકનુ કેરિયર ભરાવેલું હોય તેમાં વેકસિન હોય હું ક્યારેક વહેલી ઘરે આવી ગયી હોઉં અને મારી મા દૂરથી થાકેલી પાકેલી આવતી જોવું ત્યારે મારી આંખમાંથી દડ દડ આસું વહી જાય..
મારી મા ઘરના બે છેડા ભેગા કરવા કેટલું મથતી હતી.. એક જ રૂમનુ અમારું મકાન અને રહેનારા અમે ચાર.ઘણી સંવેદના અને વેદના સાથે તેણે અમને મોટા કરેલા..ઘરમાં તેલની અછત હોય ત્યારે પાણીમાં રાઈ નાખી ને છમ અવાજ આવે એટલે શાક વઘારી દેવાય બેટા પણ ક્યારેય કોઈની પાસે હાથ લાંબો ના કરાય આ વાક્ય તેણે મારા મગજમાં નાખી દીધેલું.
અભાવ વચ્ચે મહેનત કરીને ભાવથી જીવતા જીવતા અમને તેણે ભણતર અને ઘડતર આપ્યું..તે ખૂબ જ હોશિયાર હતી.. અમને ઘરે જ ભણાવતી. બંન્ને ભાઈ બહેનને ઉચ્ચ શિક્ષણ આપવામાં મારી મા નો સિંહફાળો છે. સમય વહેતો ગયો તેમ અમે બંન્ને ભાઈ બહેન મોટા થઇ ગયા.. હું પણ લગ્ન કરીને મારા ઘરે ઠરીઠામ થઇ ગઈ.. ભાઈ એ પણ ca નો ઉચ્ચ અભ્યાસ કર્યો..
મને ભાભી પણ સમજદાર, ઠરેલ, ભાઈના જેવો જ ca નો અભ્યાસ કરેલા મળ્યા.ઘરની પરિસ્થિતિમાં સુધારો થઇ ગયો.. હવે મા કંઈ પણ ન કરે તો ચાલે એવુ છે. હવે તેના જીવનમા પરમ શાંતિ છે.. પણ અટકે એ મારી મા ખરી? અમે નાના હતા ત્યારથી ઘરની બાજુમા ખોડિયાર મંદિર હતું ત્યારે તો ફક્ત દેરી હતી ત્યાં રોજ કચરો વાળતી અને સાફસુફ રાખતી . અને ત્યાં દેરીની આગળ રેતીમા અમને બંન્ને ભાઈ બહેનોને લખવાનું શીખવતી.સામે જ અમારી શાળા હતી..
હવે ત્યાં ભવ્ય મંદિર થઇ ગયું છે.ત્રીસ વર્ષ મારી મા એ નિસ્વાર્થ એકપણ પૈસો લીધા વગર માતાજીના મંદિરમા સેવા પૂજા કરી અને સાફસૂફી કરી.. અને આજે પણ તે સેવા અવિરત ચાલુ જ છે..મા મારી હજુ નિવૃત્ત નથી થઇ સવારે ચાર વાગે મમ્મી પપ્પા સાથે ઉઠે છે અને માતાજીના સાનિધ્યમાં સાંજે આઠ વાગ્યાં સુધી સેવા આપે છે.અમારા ઘરે આજે પણ કામવાળા નથી..
મારી મા મંદિરના કામની સાથે ઘરનુ કામ પણ એ જ હિંમત અને ઉત્સાહથી કરે છે..મારા ભાભીને દીકરીની જેમ રાખે છે. હું પિયર જાઉં ત્યારે મારા ભાભી અચૂક કહે છે બેન મને મા ની યાદ નથી આવતી તે જ મારી મા નુ પ્રમાણપત્ર. તેણે હંમેશા બીજા માટે જ વિચાર્યું છે એટલે માતાજીએ તેને લીલીછમ રાખી છે…આમ તો લખવાં માટે મારી મા વિશે ઘણું છે પણ ફરી ક્યારેક..
આજના દિવસે માતાજીને પ્રાર્થના કરું કે મારી મા ને અને જગતની સર્વે માતાઓને હંમેશા હસતી, ખેલતી અને સ્વસ્થ અને લીલીછમ રાખજો 🙏
આજે મારા વ્યક્તિત્વમા આપ કંઈ પણ સારુ જોઈ શકો છો તે બધું જ મારી મા ના પરતાપે છે …
સૂચિતા ભટ્ટ “કલ્પનાના સૂર “