રિપોર્ટ અનુજ ઠાકર
૧૯૫૦ના રોજ, રાષ્ટ્રલોકપ્રિય નેતા સરદાર વલ્લભભાઈ પટેલનો અવસાન થયો હતો. આજે, તેમના નિધનને સાત દાયકા પૂર્ણ થતાં, રાષ્ટ્રને એકતાની સુવર્ણ ડોરથી બાંધનાર આ મહાન યોદ્ધાના જીવનને નવી દ્રષ્ટિથી પ્રસ્તુત કરતી ગુજરાતી ફિલ્મ “મેન ઓફ સ્ટીલ – સરદાર” પ્રેક્ષકો સમક્ષ આવી છે.
સરદારની ભૂમિકામાં વેદિષ ઝવેરી
સરદાર પટેલનું દમદાર અને સંવેદનશીલ વ્યક્તિત્વ પડદા પર જીવંત કરવા અભિનેતા વેદિષ ઝવેરી આગળ આવ્યા છે. અગાઉ “ઓલ ધ બેસ્ટ પંડ્યા”માં એડવોકેટની ભૂમિકાથી ઓળખાયેલા વેદિષે આ વખતે સરદારના લોખંડી સંકલ્પ, મજબૂત નેતૃત્વ અને કોમળ હૃદયને નિભાવવાની ગહન તૈયારી કરી છે.
ટ્રેલર રિલીઝ થયા બાદ તેમની પ્રસ્તુતિએ લોકપ્રશંસા મેળવી છે. આ ફિલ્મ ૩૧ ઑક્ટોબરે રિલીઝ થઈને રાષ્ટ્રપ્રેમ, એકતા અને અડગ સંકલ્પની પ્રેરણા આપશે તેવી અપેક્ષા છે.
ભારતના આયર્ન મેનને સમર્પિત પ્રથમ ગુજરાતી ફિલ્મ
પેન સ્ટુડિયોઝ અને ડૉ. જયંતિલાલ ગડા દ્વારા રજૂ થયેલી આ ફિલ્મ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી સરદાર પટેલના જીવન પર આધારિત પ્રથમ ગુજરાતી બાયોપિક તરીકે ઇતિહાસ રચશે. ફિલ્મ ગુજરાતી ભાષામાં રજૂ થઈ.
ફિલ્મમાં મુખ્ય ભૂમિકાઓમાં વેદિષ ઝવેરી, અજય જયારામ, ચિરાગ વોરા, જિમિત ત્રિવેદી, ચેતન ધનાણી અને અમી ત્રિવેદી જોવા મળશે, જ્યારે હિતેન કુમાર વિશેષ હાજરી સાથે ફિલ્મમાં પ્રભાવશાળી ઉપસ્થિતિ આપે છે. આ ફિલ્મનું દિગ્દર્શન મિહિર ભૂતાએ કર્યું છે અને તેનું નિર્માણ મયુર કે. બારોટ દ્વારા કરવામાં આવ્યું છે. સંગીત અમર ખાંધાએ સંકલિત કર્યું છે અને સિનેમેટોગ્રાફીનો જવાબદારી સેબેસ્ટિયન સંભાળે છે. ફિલ્મના સંપાદનનું કાર્ય ધર્મેશ પટેલ અને કોમલ વર્માએ સંભાળ્યું છે,
જ્યારે આર્ટ ડિઝાઇન રામકાંત મહાજનની છે. પ્રોમો બનાવવાનું કાર્ય પાર્થ વાય. ભટ્ટે કર્યું છે અને બિઝનેસ હેડ તરીકે અભિલાષ ઘોડા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ફિલ્મના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર ધર્મેન્દ્ર સિંહ રાજ છે. ખાસ ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનો વિશેષ શો તિહાઈ ગ્રુપના અભિલાષ ઘોડા દ્વારા સફળતાપૂર્વક સંચાલિત કરવામાં આવ્યો હતો.
સરદારનું અવિસ્મરણીય યોગદાન
સરદાર પટેલએ આઝાદી પછીના ભારતને એકતાની માળા પહેરાવવા ૫૦૦થી વધુ રજવાડાંઓને એકત્રિત કર્યા — અને ખરેખર “આયર્ન મેન” તરીકે પોતાનું અમર સ્થાન બનાવ્યું.
આ ફિલ્મ માત્ર એક બાયોપિક નથી, પરંતુ નવી પેઢીને સ્વતંત્રતાના સેનાપતિના ત્યાગ, દૃઢનિશ્ચય અને રાષ્ટ્રપ્રેમનું સંદેશ આપતી પ્રેરણાદાયી ગાથા છે.
















