પપ્પાજી(સસરાશ્રી)ને સ્વર્ગે ગયે ત્રણ વર્ષ વીતી જવા આવ્યા.. સમયનું વહેણ ક્યાં ચાલ્યું જાય છે કઈ ખબર જ નથી પડતી. પણ મિત્રો એટલું ખરું કે માણસ જાય છે પણ તેની યાદો તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મૂકીને જાય છે અને તે યાદો અચાનક હાથમાં આવી જતા આંસુઓનું ઘોડાપુર આવી જાય છે.પપ્પાજીને વાંચવાનો ખૂબ જ શોખ હતો
તેમની આજુ બાજુ જોઈએ તો નીતનવા પુસ્તકો જ પડ્યા હોય અને તેમાંથી કઈક નવું જાણ્યું હોય તો, તરત જ મને કહેવા આવે સુચિતા આ વાંચો આ વાંચવા જેવું છે, તમારે આ બુક વાંચવી જોઈએ તમારા લખાણમાં પ્રગતિ થશે.અને હું પણ તેટલા જ ભાવથી તે વાંચતી.ઘણું ખરું વાંચન મે તેમની પાસેથી જ શીખેલું.મારું શબ્દભંડોળ વિકસવામાં તેમનો સિંહફાળો છે.
અત્યારે તે નથી મને તેમની દરેક રીતે ખોટ પડે છે. તેમના ધામમાં ગયા ને એક મહિનો થયો ને મને ખબર પડી કે મારે સારા સમાચાર(બાળક અવતરવાનું ) હતા. ઘરમાં બધા ખુશ હતા અને હું રડતી હતી કે અરે રે કેવા મારા નસીબ? ખુશીના દિવસો ઘરમાં આવ્યા અને તે ખુશી માણવા એ પપ્પાજી ના રહ્યા.તે હોત તો સૌથી વધુ ખુશ તે જ થાત.
તેમને મને કેટલીયે સારી વાતો શીખવી હોત, સારા પુસ્તકોનું રસપાન કરાવ્યું હોત,તે બધા જ સંસ્કાર મારા બાળકમાં અવતર્યા હોત.પરંતુ કુદરતની મરજી આગળ કોનું ચાલ્યું છે તે તો મારો સારો સમય ચાલી રહ્યો છે તે જાણવા પણ ના રોકાયા.તેનો મને ભારોભાર અફસોસ હતો…તે સમયે હું એવુ વિચારતી હતી ત્યાં જ અચાનક કુદરતી રીતે તેમના રૂમમાંથી મને એક ધાર્મિક પુસ્તક મળ્યું.
જાણે તે પુસ્તક થકી તે મને આશીર્વાદ આપતા હોય તેવું લાગ્યું.મે આખું પુસ્તક વાંચેલું. જયારે મે તે પુસ્તક પૂરું કર્યું તે જ દિવસે આશીર્વાદરૂપે છેલ્લા પેજ પર મને આ બીજી આશીર્વાદરૂપી દક્ષિણા મળેલી.. 220 રોકડ રૂપિયા.. બે સો સો ની નોટ અને એક (વીસની) નોટ.તેમને કેટલાય સમયથી સાચવીને મૂકી હશે?ખબર નહી પણ મારી જોડે સાચા સમયે આશીર્વાદ સ્વરૂપે પાસે આવેલી તેનો મને અનહદ આનંદ હતો. અને આંખમાં આંસુની ધાર..
તે મને હંમેશા કહેતા બેટા એક ખૂણામાં થોડું તો થોડું તો સંઘરી રાખવું તે અણી ના સમયે કામ આવે છે.. આ પુસ્તકમાં પડેલા રૂપિયા તેનો દસ્તાવેજ છે.. અને આ શીખ મેં મારા જીવનમાં ઉતારી દીધી છે. પપ્પાજી દરેક જન્મમાં ઈશ્વર મને તમારી જ પુત્રવધુ બનવાનો અવસર આપે તેવી પ્રાર્થના કરું છું.. તમે જ્યાં હોવ ત્યાં ખુશ રહો અને તમારા આશીર્વાદની ધ્વજા હંમેશા મારા, મારી દીકરી અને પરિવાર પર ફરકતી રહે તેવી પ્રાર્થના કરું છુ.
આ લેખમાંથી એટલું જ સમજવાનું છે કે વ્યક્તિ ગમે તેટલું નજીક હોય પ્રિય હોય તે જેટલું ઋણ હશે તેટલું જ તમારી પાસે રહેવાનું છે એનો સમય પૂરો થતા જ તે ગમે ત્યારે તમને અલવિદા કહી શકે છે,પરંતુ તેનું ઋણાનુબંધ તે ગયા પછી પણ કોઈ પણ સ્વરૂપે ચૂકવી શકે છે.
અને માણસ ગયા પછી તે ઈશ્વર થઇ જાય છે.તેના આશિષથી તમારા ધાર્યા કામ થઇ શકે છે. હું તો એકવાર પ્રાર્થના કરું અને હૃદયથી યાદ કરું તો તે ગમે ત્યાંથી મને પરચો આપે જ છે અને મારી ઈચ્છા પૂરી કરે જ છે.. બસ તેમને યાદ કરતા રહો.. એ તમને ઘણુંય આપશે..
(સ્વ અનુભવની ડાયરીમાંથી)
સુચિતા ભટ્ટ પંડ્યા “કલ્પનાના સુર”