ગુજરાતી ફિલ્મના ઈતિહાસમાં પ્રથમ વાર ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રીલિઝ કરાયું ટાઈટલ શેત્રુંજયની તળેટીમાં લહેરાતાં કેસરિયા ખેસ અને કેસરિયા સાફા વચ્ચે દશેરાના દિવસે ચર્ચામાં આવ્યું ફિલ્મનું ટાઈટલ
ભાવનગર: ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પોંખાઈ ચૂકેલી ’21મું ટિફિન , “મહોતું મોન્ટ્ની બિટ્ટુ અને ‘પ્રેમજી-પ રાઈઝ ઓફ વોરિયર જેવી હટકે ફિલ્મ્સ બનાવનાર ડિરેક્ટર વિજયગીરી બાવાની અપકમિંગ ફિલ્મના ટાઈટલની જાહેરાત પણ દશેરાના પવિત્ર દિવસે એકદમ અનોખી રીતે કરવામાં આવી છે. સંત, શુરા અને શૌર્યભર્યો સુવર્ણ ઈતિહાસ ધરાવતી ભૂમિ શેંત્રુજયની તળેટીમાંથી ફિલ્મના કલાકાર અને કસબીઓની હાજરીમાં વિજયગીરી ફિલ્મોસના બેનર હેઠળ અપકમિંગ ફિલ્મનું ટાઈટલ રીલિઝ કરવામાં આવ્યું છે. જે ફેસબૂક, ટ્વીટર સહિતના સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.
એતિહાસિક ફિલ્મના ટાઈટલ લોંચ સમયે સૌ પ્રથમ ડિરેક્ટર વિજયગીરી બાવા અને સમગ્ર ટીમે તળેટીમાં રહેલા “દાદુ બારોટ ના પવિત્ર સ્મારકને ફૂલહાર કરી નમન કર્યા હતાં. શેત્રુંજય તીર્થરક્ષક વિર શ્રી દાદુ બારોટ સ્મારક સમિતી તેમજ સમગ્ર ગ્રામજનોએ ફિલ્મના કલાકારો અને ટીમનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું અને કાળની ગર્તામાં ધકેલાઈ ગયેલી શેત્રુંજયની ધરાની વીરગાથા આલેખતી એતિહાસિક ફિલ્મનું નિરૂપણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં. તેમજ શેત્રુંજય પંથકની આવી ફિલ્મ બનાવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. જે પછી ફિલ્મની સમગ્ર ટીમે વીરોને વંદન શૌર્ય યાત્રા માં હાજરી આપી હતી.
શૌર્યયાત્રામાં પાલિતાણા અને આસપાસના લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કેસરિયા સાફા કેસરિયા ખેસ ધારણ કરી ભીડભંજન, ભૈરવ ચોક સહિતના સ્થળોએ આ યાત્રા ફરી હતી. આ યાત્રા દરમિયાન જ ગુજરાતી ફિલ્મના ઈતિહાસમાં પહેલી જ વાર અત્યાધુનિક ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરી અને ફિલ્મનું ટાઈટલ ‘કસૂંબો રીલિઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મનું ટાઈટલ રીલિઝ થતાં જ તેને અભૂતપૂર્વ આવકાર મળ્યો છે અને ટ્વીટર પર પણ ટ્રેન્ડિંગમાં રહી લોકો અભૂતપૂર્વ પ્રેમ વરસાવી રહ્યાં છે. આ ફિલ્મ 16 ફેબ્રુઆરી 2024ના દિવસે રીલિઝ થશે.
વિમલકુમાર ધામી દ્વારા લેખિત “અમર બલિદાન’ પરથી આ ફિલ્મનું કથાનક લેવામાં આવ્યું છે. ફિલ્મની સ્ક્રિપ્ટ લેખક રામ મોરી તેમજ વિજયગીરી બાવાએ સાથે લખી છે અને પ્રોડ્યુસર ટ્વિંકલ બાવા છે. ફિલ્મની વાર્તા 13મી સદીની આસપાસ છે. જ્યારે અલ્લાઉદ્દીન ખીલજી હિંદ પર આક્રમણ કરી આગેકૂચ કરી રહ્યો હતો
પાટણને ધમરોળીને સોમનાથ ભાંગવા આગળ વધતા શેત્રુંજયના જિનાલયોનો વૈભવ તેની આંખમાં વસી ગયો અને જ્યારે તેની કરડાતી નજર આ તીર્થ પર પડી ત્યારે શેત્રુજ્યની અને જિનાલયની રક્ષા કાજે તળેટીના ગામ આદિપુરના વીર પુરૂષ દાદુજી બારોટની આગેવાનીમાં બારોટ સમાજના સંખ્યાબંધ નવલોહિયાઓ અને કુમારીકાઓ પણ કમર કસીને આ આક્રમણ સામે નહોર ભરાવવા માટે સજ્જ થયા હતાં.
ઈ.સ.ની ૧૩મી સદીમાં વિધર્મી બાદશાહના ભયાનક આક્રમણ સમયે તીર્થની રક્ષા કાજે દાદુ બારોટ અને અન્ય નરબંકાઓની સામી છાતિએ લડી લેવાની બહાદુરી, જોમ અને જુસ્સાના કારણે જ સમગ્ર વિશ્વમાં આ જૈનતીર્થની સંસ્કૃતિ અને પ્રકાશ ફેલાઈ રહ્યો છે. કહેવાય છે કે ખીલજીનું આ અંતિમ યુદ્ધ હતું અને અહીંથી શૂરવીરોના મહાપરાક્રમ જોઈ એટલો હતપ્રભ થઈ ગયો હતો કે તેણે સોમનાથની દિશામાં આગળ વધવાનો મનસૂબો જ માંડી વાળ્યો હતો અને પારોઠના પગલા ભર્યા હતાં.
આ તકે, ફિલ્મના ડિરેક્ટર વિજયગીરી બાવાએ જણાવ્યું હતું કે, ગુજરાત માટે કહેવાય છે કે સાહસિકોની ભૂમિ. ઉપરાંત સૌરાષ્ટ્ર એટલે સંત અને શૂરાની ભૂમિ છે. ગુજરાતી ફિલ્મના ઉદયથી અત્યાર સુધી ઘણું કહેવાયું છે પરંતુ ગુજરાતનો ગૌરવ આલેખતી વાતોથી નવી પેઢી વંચિત ન રહી જાય તે માટે અમે સામા પ્રવાહે તરીને મોટા પડદે આ કથા આલેખવાનો પ્રયત્ન કર્યો છે અને ફિલ્મના ટાઈટલ રીલિઝને પાલિતાણામાં ખૂબ જ બહોળો પ્રતિસાદ સાંપડ્યો.
સનાતન એ માત્ર શબ્દ નથી એક બહોળી સંસ્કૃતિ પણ છે. આ સનાતન સંસ્કૃતિના ધ્વજવાહકો જેમણે પોતાના લોહીથી આ ધરતીને સીંચી છે અને વિદેશી આક્રાંતાઓને ભગાડ્યા છે. એવા શૂરવીરોને ફિલ્મ દ્વારા શૌર્યાંજલી અર્પી છે અને અમારી આ ફિલ્મ તમામ લોકો સુધી પહોંચે અને ગુજરાતની ખમીરવંતી ગાથા તમામ લોકો સુધી પહોંચે એવી અભિલાષા છે.
આ એતિહાસિક કથાનક પરથી બનેલી ફિલ્મમાં ધર્મેન્દ્ર ગોહિલ (દાદુ બારોટ), દર્શન પંડ્યા (અલ્લાઉદ્દીન ખીલજી), ફિરોઝ ઈરાની (વિસા ભા), શ્રદ્ધા ડાંગર (સુજન), ચેતન ધાનાણી (અર્જુન), રૌનક કામદાર (અમર), એમ મોનલ ગજ્જર (રોશન), કોમલ ઠક્કર (ઝુબૈદા), કલ્પના ગાગડેકર (મીઠી બા), જય ભટ્ટ (મેઘજી), મયુર સોનેજી (જાદવ ભા), વિશાલ વૈશ્ય (અલફ ખાન), વૃતાંત ગોરડિયા, કિન્નર બારોટ તેમજ હેતલ બારોટ સહિતના કલાકારો જોવા મળશે. દાદુ બારોટની મહાગાથાનું આલેખન કરતી આ એતિહાસિક ફિલ્મ 16 ફેબ્રુઆરી 2024ના દિવસે રીલિઝ થશે. કિ – પોઇન્ટ
– ફિલ્મ હિન્દી ભાષામાં પણ રિલિઝ થશે
– ફિલ્મમાં કુલ ૧૦૦થી વધુ કલાકારોએ કામ કર્યું છે
– ફિલ્મનો સેટ ૧૬ વિઘા ઉપર ઉભો કરવામાં આવ્યો હતો. જ્યાં પર્વત અને નદી પણ બનાવવામાં આવી હતી.
– ફિલ્મના નિર્માણ દરમિયાન ૧૦૦૦થી વધુ લોકો ૪૦ દિવસ સુધી દૈનિક કાર્ય કરતા હતા.
– ફિલ્મનો સેટ બનાવવા ૪૦૦ લોકોની ટીમ ખાસ મુંબઇથી આવી હતી.
– કસૂંબો શબ્દ, શોર્યનું પ્રતિક.