રીપોર્ટ અનુજ ઠાકર
‘અલા ભઈ… લગનનું બીજું નામ જ લેટ ગો છે! વધારે મોડું કરશો તો પીઠી ચોળવાનો સમય જતો રહેશે અને હેર કલર કરવાનો ટાઇમ આવી જશે!’
આવી ટકોર અને સલાહો આજના લગભગ દરેક અપરણિત યુવાને ક્યારેક ને ક્યારેક સાંભળી જ હશે. આવી જ વાતોને હળવી, રમુજી અને લાગણીસભર શૈલીમાં રજૂ કરતી નવી ગુજરાતી ફિલ્મ ‘બિચારો બેચલર’ નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે.
ટ્રેલરની શરૂઆતમાં જ ફિલ્મના મુખ્ય પાત્ર અનુજ (તુષાર સાધુ)ને ઘરના વડીલો ઝડપથી લગ્ન કરવા દબાણ કરે છે. પછી શરૂ થાય છે ‘પરફેક્ટ દુલ્હન’ શોધવાની મિશન. ક્યારે આંખો બહુ જીણી લાગે, ક્યારે હાઇટ ઓછી પડે, તો ક્યારે રંગ થોડો શ્યામ લાગતો હોય – આવી નાની-નાની ટિપ્પણીઓ વચ્ચે અનુજ અને તેનો પરિવાર 9 અલગ-અલગ સ્વભાવ અને વિચારો ધરાવતી યુવતીઓ સાથે મળે છે. અને અહીંથી જન્મે છે હાસ્યની એક પછી એક પરિસ્થિતિ.
ફિલ્મ માત્ર હસાવતી નથી, પણ એ પણ બતાવે છે કે જ્યારે એક યુવકના લગ્ન ન થતા હોય ત્યારે માત્ર તે જ નહીં, પરંતુ આખું પરિવાર કેવી માનસિક પરિસ્થિતિમાંથી પસાર થાય છે. સમાજના પ્રશ્નો, સંબંધીઓની ટકોર અને આસપાસ લગ્નની ભરમાર – આ બધું એક યુવાન પર કેવી અસર કરે છે, તે વાતને ફિલ્મ અસરકારક રીતે રજૂ કરે છે.
ફિલ્મમાં તુષાર સાધુ સાથે 9 અભિનેત્રીઓ – ટ્વિંકલ પટેલ (કચ્છડિયા), રિદ્ધિ ડાંગર, શિવાની પંચોલી, માધવી પટેલ, તીર્થા, ક્રિના પાઠક, શિવાંગી નાયક, ખુશ્બુ ત્રિવેદી અને આંચલ શાહ મુખ્ય ભૂમિકામાં છે. ઉપરાંત પ્રશાંત બારોટ, જય પંડ્યા, જૈમિની ત્રિવેદી, સાહિલ પટેલ, અંશુ જોશી, હિરવ ત્રિવેદી, ભૂમિકા પટેલ, દીપેન રાવલ, કૃણાલ ભટ્ટ અને કૃણાલ સુથાર પણ મહત્વની ભૂમિકાઓ ભજવે છે.
એક્ટર તુષાર સાધુ કહે છે, “જ્યારે કોઈ પુરુષ 26-27 વર્ષની ઉંમરે પહોંચે અને હજી અપરિણિત હોય, ત્યારે પહેલા દબાણ માતા-પિતાને થાય છે અને પછી એ દબાણ ધીમે-ધીમે તે વ્યક્તિ સુધી પહોંચે છે. મિત્રો પરણીને બાળકોના પિતા બની જાય છે અને સમાજ સતત એક જ પ્રશ્ન પૂછે છે – ‘તું ક્યારે પરણીશ?’ આ માનસિક દબાણને અમે ફિલ્મમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે.”
ડિરેક્ટર વિપુલ શર્મા ઉમેરે છે, “આ પરિસ્થિતિ માત્ર પુરુષો પૂરતી સીમિત નથી. યુવતીઓ પણ એટલાં જ દબાણમાંથી પસાર થાય છે. ‘બિચારો બેચલર’ એક સાર્વત્રિક સત્ય રજૂ કરે છે – સમાજનું દબાણ પરિવાર અને યુવાનોના જીવનને કેવી રીતે અસર કરે છે. એટલે જ આ ફિલ્મ દરેક દર્શકને પોતાની જ કહાની જેવી લાગશે.”
હાસ્ય, લાગણી અને આજના સમયની હકીકતને એકસાથે રજૂ કરતી ‘બિચારો બેચલર’ અપરણિત યુવાનોની વ્યથાને મજેદાર અંદાજમાં પડદા પર લાવે છે.
















