Entertainment

જૂની રંગભૂમિનાં આખરી સિતારા આથમી ગયા. ‘સાબરકાંઠાની સુંદરી’ જયશંકર નાયકને ભાવભીની શ્રદ્ધાંજલિ

ગુજરાતી રંગભૂમિના ઇતિહાસમાં જ્યારે જ્યારે સ્ત્રી પાત્રોના અદભુત અભિનયની વાત થશે, ત્યારે ત્યારે એક નામ અચૂક યાદ આવશે — જયશંકર નાયક, જેમને ‘સાબરકાંઠાની સુંદરી’ તરીકે ઓળખવામાં આવતા હતા.

પૂજ્ય જયશંકરભાઈ માધવલાલ નાયક, મૂળ દરામલી, સાબરકાંઠાના આ વયોવૃદ્ધ કલાકારે 102 વર્ષ અને 10 મહિનાની લાંબી જીવનયાત્રા પૂર્ણ કરી પવિત્ર નવરાત્રિના પાવન પર્વમાં આ દુનિયામાંથી વિદાય લીધી છે.

🎭 અભિનયની અનોખી ઓળખ

જૂની ગુજરાતી રંગભૂમિના એવા કલાકાર, જેમણે પોતાના આગવા અભિનયથી રંગમંચને જીવંત બનાવ્યો હતો. સ્ત્રી પાત્રોને સહજતા, નજાકત અને અદભુત હાવભાવથી જીવંત કરવાની તેમની કળા અનોખી હતી.

તેમના અભિનયથી પ્રભાવિત થઈ ગુજરાતી ફિલ્મજગતના સુપરસ્ટાર સ્વ. ઉપેન્દ્રભાઈ ત્રિવેદીને પણ પ્રેરણા મળી હતી. રંગભૂમિ પ્રત્યેની તેમની નિષ્ઠા અને અભિનયપ્રતિભા તેમને વિશિષ્ટ સ્થાન અપાવતી હતી.

તેમણે ‘માલવપતિ મુંજ’માં મૃણાલવતી, ‘કુંવરબાઈનું મામેરું’માં કુંવરબાઈ, ‘હંસાકુમારી’માં હંસા, ‘ગરીબ કન્યા’માં લક્ષ્મી અને ‘સતી રેણુકા’માં રેણુકા સહિત અનેક નાટકોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી હતી.

‘શ્રી મહાલક્ષ્મી નાટક સમાજ’, ‘વિજય નાટક સમાજ’, ‘ભારત નાટક સમાજ’ સહિતની નાટક મંડળીઓ સાથે જોડાઈને તેમણે ગુજરાતી રંગભૂમિની સમૃદ્ધ પરંપરાને આગળ ધપાવી હતી.

🎬 વૃદ્ધાવસ્થામાં પણ અભિનય પ્રત્યેનો લગાવ

જીવનના અંતિમ પડાવમાં પણ તેઓ અભિનયથી દૂર થયા નહોતા. શ્રી વિજય નાટક કંપનીમાં ચરિત્ર અભિનેતા તરીકે તેમણે યાદગાર અભિનય આપ્યો હતો.

નાયક ભોજક સમાજની મહેસાણા સ્થિત કેળવણીની મધ્યસ્થ સંસ્થા દ્વારા તેમને ‘માસ્ટર ત્રિકમ એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પરંતુ અફસોસની વાત એ છે કે ગુજરાતી રંગભૂમિમાં આટલું મોટું યોગદાન આપનાર આવા ઉત્કૃષ્ટ કલાકારને ગુજરાત સરકારશ્રીની સંગીત નાટક અકાદમીના ગૌરવ પુરસ્કારથી વંચિત રહેવું પડ્યું.

💐 એક સાદગીભર્યા જીવનને અંતિમ વંદન

તેમના જીવનને યાદ કરતાં કવિના શબ્દો યાદ આવે છે:

“અમોને જીવતાં આ જીવનમાં કોણ પૂછે છે?
સીમાડે પાળિયા થઈને અમારે ઊભું પડશે.”

જયશંકર નાયક માત્ર એક કલાકાર નહોતા; તેઓ ગુજરાતી રંગભૂમિના એક જીવંત ઇતિહાસ હતા. તેમની કલા, તેમનો સંઘર્ષ, તેમની સાદગી અને તેમનું યોગદાન આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.

જૂની રંગભૂમિના આ અલમસ્ત ઓલિયા કલાકારના અવસાનથી ગુજરાતી નાટ્યજગતે એક અમૂલ્ય વારસો ગુમાવ્યો છે.

🙏 પરમ કૃપાળુ પરમાત્મા તેમના પવિત્ર આત્માને પરમ શાંતિ અને મોક્ષગતિ અર્પે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના.

ૐ શાંતિ… શાંતિ… શાંતિ…🙏🙏🙏

રિપોર્ટર ધારા નાયક હિંમતનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 36

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *