જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના વાડીનાર ખાતે કેન્દ્રીય સંરક્ષણ રાજયમંત્રી અજય ભટ્ટ દ્વારા ભારતીય તટ રક્ષક દળની નવનિર્મિત જેટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં આઇસીજીના ડીજી રાકેશ પાલ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરના વાડીનાર ખાતે દિન દયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા 74 કરોડના ખર્ચે નિર્મિત ભારતીય તટ રક્ષક દળની ડિપોઝીટ વર્ક તરીકે બંધાવેલ નવીન જેટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે આઇસીજીની તેની જવાબદારીના ક્ષેત્રોમાં દરિયાઈ હિતોની સુરક્ષામાં ભાગ ભજવવા બદલ પ્રશંસા કરવામાં આવી હતી.
આઇસીજી એટલે કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ જેનું મુખ્યાલય દિલ્હી ખાતે આવેલું છે. જેનું પ્રાદેશિક મુખ્યાલય ગાંધીનગર ખાતે છે.જે ગુજરાત, દમણ અને દીવના દરિયાઈ વિસ્તારોમાં ICG ના ફરજિયાત ચાર્ટરનો અમલ કરે છે.જેના થકી દરિયાઈ સલામતી અને સુરક્ષા, વિશિષ્ટ આર્થિક ક્ષેત્રમાં દેખરેખ સહિત વિવિધ ફરજિયાત કાર્યો કરવામાં આવે છે.
ગુજરાત રાજ્ય 1215 કિમીનો દરિયાકિનારો ધરાવે છે, જે દેશના કુલ દરિયાકિનારાનો છઠ્ઠો ભાગ છે અને પાકિસ્તાન સાથે અંદાજિત IMBL વહેંચે છે. પ્રાદેશિક મુખ્યમથક (ઉત્તર પશ્ચિમ), દરિયામાં સુરક્ષા, દેખરેખ અને સતત દેખરેખ જાળવવા માટે દરરોજ સરેરાશ 10/12 જહાજો અને 2/3 વિમાન તૈનાત કરે છે.
વાડીનાર ખાતે ICG જેટી ઉપરાંત, ICG પોરબંદર ખાતે 100 મીટર જેટી એક્સ્ટેંશન, ઓખા ખાતે 200 મીટર જેટી અને મુન્દ્રા ખાતે 125 મીટર જેટીનું પણ નિર્માણ કરી રહી છે. આ ઇવેન્ટના ડાયરેક્ટર જનરલ રાકેશ પાલ, AVSM, PTM, TM અને ઇન્સ્પેક્ટર જનરલ એકે હરબોલા, TM, કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ મહાનુભાવો સાથે જોવા મળ્યા હતા.