સિવિલ હોસ્પિટલના નિર્માણની ચાલી રહેલી કામગીરીની આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ કરી સમીક્ષા

આણંદ, મંગળવાર:::: આણંદ ખાતે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ દ્વારા નિર્માણ પામી રહેલી ૩૫૦ બેડની અત્યાધુનિક સિવિલ હોસ્પિટલની મુલાકાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

મંત્રીશ્રીએ હોસ્પિટલના ચાલી રહેલા બાંધકામની કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ ત્યાં હાજર ડોક્ટરો સાથે ચર્ચા કરીને જરૂરી બાબતોથી માહિતગાર થયા હતા

આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો મુખ્ય હેતુ આટલું મોટું ભવન અને મોટો ખર્ચ કરીને અંત્યોદય સુધીના નાનામાં નાના વ્યક્તિ અને પરિવારને ઓપરેશન સહિત દવા વગેરેની શ્રેષ્ઠ સારવાર વિનામૂલ્યે અને સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
આ નવી સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના આધુનિક સાધનો, ઓપરેશન થિયેટર તેમજ ચાઈલ્ડ અને મધર માટેની સ્પેશિયલ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ હોસ્પિટલ સરકાર દ્વારા કરવામાં આવેલી લોકકલ્યાણની કામગીરીનું એક ઉત્તમ ડેસ્ટિનેશન બનશે, જેનાથી સામાન્ય જનતાને ખૂબ જ મોટો લાભ મળશે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ હોસ્પિટલના બાંધકામને વહેલામાં વહેલી તકે પૂર્ણ કરીને લોકાર્પણ કરવાની આશા વ્યક્ત કરી હતી. તેમણે મુખ્યમંત્રીશ્રીની સૂચના અનુસાર ચાલી રહેલા આ તમામ કન્સ્ટ્રક્શનના કાર્યો ઝડપભેર પૂર્ણ થાય અને જનતાના ઉપયોગમાં આવે તે માટે સરકારી સ્તરે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી હોવાનું પણ જણાવ્યું હતું.
આ સમયે મંત્રીશ્રીની સાથે સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી આર. એન. ડોડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, આણંદના પ્રાંત અધિકારી શ્રી અને મદદનીશ કલેકટર શ્રી અંજલી ઠાકુર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર માનસી રાઠવા આણંદ
















