Breaking NewsLatest

અમદાવાદ સિવિલની વધુ એક તબીબી સિદ્ધિ : ૪૩૦ ગ્રામના વજન સાથે જન્મેલી દિકરીનો જીવ બચાવ્યો. રાજ્યનો પ્રથમ કિસ્સો

અમદાવાદ: જન્મથી જ મોત સામે ઝઝૂમનારી બાળકીએ અમદાવાદ સિવિલના તબીબોની કોશિશ અને કાળજીના લીધે મોત પર જીત મેળવી છે. એક રચનાકારે સાચું જ કહ્યું છે કે “કોશિશ કરને વાલો કી કભી હાર નહિ હોતી…” જો મનમાં કંઈક સારું કરવાનો, કોઇની મદદ કરવાનો જુસ્સો હોય તો કોઇ જ કામ અશક્ય નથી હોતું. આ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ તાજેતરમાં જ અમદાવાદ સિવિલમાં જોવા મળ્યું. મધ્યપ્રદેશના ગરીબ શ્રમિક દંપતીની ૪૩૦ ગ્રામ વજન સાથે જન્મેલી એક બાળકીનો જીવ બચાવવાની વિરલ સિદ્ધિ અમદાવાદ સિવિલના તબીબોએ મેળવી છે. અમદાવાદ સિવિલના ઇતિહાસમાં છેલ્લે ૬૫૦ ગ્રામ વજનનું બાળક સર્વાઇવ થયાનું નોંધાયું છે, પરંતુ આટલા ઓછા વજન સાથે જન્મેલું બાળક માત્ર ડોક્ટર્સની મહેનત અને કોશિશથી સર્વાઇવ થયાનો આ સૌપ્રથમ કિસ્સો છે.

આ કિસ્સો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેત્તૃવ હેઠળની ગરીબ દર્દીઓ પ્રત્યેના ગુજરાત સરકારના સંવેદનશીલ અભિગમ અને અમદાવાદ સિવિલના તબીબોની કોશિશ અને કાળજીનો પરિચાયક છે, કારણકે તેના લીધે જ જ ઇન્દોરના ગરીબ માતા-પિતાની આ બાળકીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે ઇલાજ પામીને મોત પર જીત મેળવી છે.

વર્ષ ૨૦૨૦નું વર્ષ સમગ્ર દુનિયા માટે કોરોનાની આફત લઇને આવ્યું હતું પરંતુ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરના નજીકના વિસ્તારમાં રહેતા અને કડિયાકામ કરીને રોજીરોટી રળનારા દંપતી શ્રી જિતેન્દ્ર અંજાને અને શ્રીમતી રેણુ અંજાને માટે આ વર્ષ એક અલગ જ સમસ્યા લઇને આવ્યું હતું. ૨૦૨૦ના વર્ષમાં સમગ્ર દુનિયાના લોકો પોતાના જીવની ચિંતા કરવા મજબૂર બન્યા હતાં, જ્યારે આ ગરીબ અંજાને દંપતી જેણે હજુ જન્મ પણ નથી લીધો તેવા પોતાના સંતાનના જીવની ચિંતામાં ધકેલાયું હતું.

વર્ષ ૨૦૨૦ના એપ્રિલ મહિનામાં રેણુબહેનને તેમની ગર્ભાવસ્થાની જાણ થઈ. દંપતીઆને ઇશ્વરના આશિષ સમજીને રાજીખુશીથી સમય પસાર કરી રહ્યું હતું. માત્ર બે મહિનાની ગર્ભાવસ્થા બાદ રેણુબહેનને લીવરની ગંભીર સમસ્યા હોવાનું નિદાન થયું. રેણુબહેનને પોતાના કરતા પોતાના પેટમાં ઉછરી રહેલા નાનકડા જીવની વધુ ચિંતા હતી. આ દંપતી ઇન્દોરમાં તબીબોને મળ્યું પણ કોઇ સંતોષજનક પરિણામ ન આવ્યું. આ ગરીબ દંપતી લગભગ બધી જ આશા છોડી ચૂક્યું હતું, ત્યારે જ અંધકારમાં એક આશાનું કિરણ દેખાય એવી રીતે એક સ્વજને તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બતાવવાની સલાહ આપી.

અંજાને દંપતી નસીબને અજમાવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ આવ્યાં. માત્ર એક જ સપ્તાહની સારવાર બાદ રેણુબહેનની તબિયત સુધરી. સ્વાસ્થ્યમાં થોડી રાહત થઈ એટલે રેણુબહેને પોતાની ગર્ભાવસ્થા આગળ વધારવાનું નક્કી કર્યું. પરંતુ વધુ એક સમસ્યા આ દંપતીની પ્રતીક્ષા કરી રહી હતી. સાડા છ મહિનાની ગર્ભાવસ્થા બાદ રેણુબહેનની તબિયત ફરી એકવાર બગડી. દંપતીએ ફરી સિવિલ હોસ્પિટલ અમદાવાદનો આશરો લીધો. આ વખતે રેણુબહેનના ગર્ભમાં રહેલા ૪૦૦ ગ્રામના બાળકના જીવનો પણ સવાલ હતો. રેણુબહેનની આરોગ્યની સમસ્યાઓના લીધે તેમના ગર્ભમાં રહેલા બાળકને પણ તકલીફ થઈ રહી હતી. ડોક્ટર્સ માટે કોઇ નિર્ણય લેવો જ પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.

સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના પ્રોફેસર શ્રી બેલા શાહે જણાવ્યું હતું કે, તબીબી વિજ્ઞાન અનુભવ અનુસારના આટલા વહેલા જન્મનાર બાળકના જીવવાની સંભાવના ખુબ જ ઓછી હોય છે.
તેઓએ જણાવ્યું કે રેણુબહેનના કિસ્સામાં જો ગર્ભાવસ્થા ચાલુ રાખવામાં આવે અને બીજો કોઇ નિર્ણય ન લેવાય તો મા અને બાળક બંનેના જીવન પર જોખમ સર્જાય તેમ હતું. ગર્ભાવસ્થા ટર્મિનૅટ કરવા સિવાય કોઇ જ વિકલ્પ નહોતો. આટલા ઓછાં વજન અને આટલું વહેલું જન્મેલું બાળક જીવી શકે નહીં તેવુ જાણ્યા બાદ આ દંપતીએ પણ દિલ પર પથ્થર મૂકીને ગર્ભાવસ્થા સમાપ્ત કરવા સ્વીકૃતિ આપી દીધી હતી.

છેવટે ઓક્ટોબરમાં રેણુબહેને ૪૩૬ ગ્રામના વજનની અને ૩૬ સે.મી. લંબાઇની બાળકીને જન્મ આપ્યો.
બાળરોગ વિભાગના આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સોનુ અખાણી એ જણાવ્યું કે પ્રથમ શ્વાસથી જ આ બાળકી મોત સામે સંઘર્ષ કરી રહી હતી. ઑપરેશન થિયેટરમાં રહેલી દરેક વ્યક્તિની ધારણા હતી કે આ બાળકી થોડી મિનિટો કરતા વધુ નહીં જીવે. ઑપરેશન થિયેટરમાં ઉદાસીનો માહોલ વ્યાપી ગયો હતો. પરંતુ વિધાતા કોનું નામ!?? વિધાતાએ તો આ બાળકી માટે સાવ જુદા જ લેખ લખી રાખ્યા હતાં!

તેઓ ઉમેરે છે કે તબીબી વિજ્ઞાન અનુસાર જ્યારે બાળક આટલું નાનું હોય, વજન આટલું ઓછું હોય ત્યારે ડગલે ને પગલે સમસ્યા સર્જાય છે. આ બાળકીના પણ ફેફસા અને હૃદય નબળા હતાં. શારીરિક સ્વાસ્થ્યના મહત્વના પૅરામીટર્સ જાળવવાનું કામ પણ પડકારજનક હતું. જોકે આ નાની બાળકીને ઓક્સિજનના સપોર્ટની બહુ ઓછી આવશ્યક્તા પડતી હતી. આ જ વાતે અમારા બાળરોગ વિભાગના રેસિડેન્ટ તબીબોને આ બાળકીને જીવાડવા માટે પ્રયત્નો કરવાની વધુ પ્રેરણા આપી. હવે શરૂ થયો બાળકીના મૃત્યુ અને તબીબોના પ્રયત્નો વચ્ચેનો તુમુલ જંગ!!!

આ બાળકીની લોહીની નળીઓ કાગળ ઉપર પેન વડે દોરેલી લીટી કરતા પણ પાતળી હતી. બાળકીના અતિ નાજુક શરીર પર IV માટેની એક સુરક્ષિત લાઇન શોધવી એ પણ તલવારની ધાર પર ચાલવા જેવું કપરું કાર્ય હતું. આટઆટલી કઠીન પરિસ્થિતિ હોવા છતાં અમારી તબીબોની ટીમે કોશિશ ચાલુ રાખી. એક તબક્કે આ બાળકીને ઇન્ફેક્શન પણ લાગ્યું, પણ તેના પર પણ અમારા તબીબોએ સફળતાપૂર્વક કાબુ મેળવી લીધો. તબીબોની ચોક્કસાઇ, કાળજી અને ત્વરિત સારવારના લીધે આખરે આ બાળકી મોત સામેનો જંગ જીતી.

તબીબી વિજ્ઞાન અનુસાર આટલા નાના બાળકના અંગો ઓછાં વિકસ્યા હોય તેવી શક્યતા રહેલી હોય છે. તેથી આ બાળકીનું ગહન પરીક્ષણ કરવામાં આવ્યું.બધી સંભાવનાઓ પચાવીને પણ પરિવારજનોએ મોત સામેના જંગમાં આ બાળકીની પડખે રહેવાનો નિર્ણય કર્યો. બાળકીને કાંગારૂ મધર કૅર અને ઓઇલ મસાજ આપવાના મુદ્દે સ્વજનોએ તબીબોની દરેક સલાહનું ચુસ્ત પાલન કર્યું. NICUમાં સતત પ્રેમાળ કાળજી અને સુશ્રુષા ધીરે ધીરે રંગ લાવી અને આ બાળકીની હાલતમાં સુધારો થવા લાગ્યો. ધીરે ધીરે જરૂર ન રહેતા ઓક્સિજન અને એન્ટિબાયોટિક્સનો સહારો પણ હટાવી લેવાયો. બાળકીએ ફીડિંગ ટ્યૂબથી ખોરાક લેવાનું પણ શરૂ કર્યું અને ક્રમિકપણે તેનું વજન વધવા લાગ્યું. હવે આ બાળકી માતાના દૂધનું પાન કરી શકે છે.૫૪ દિવસ એન.આઇ.સી.યુ. મેળવેલી સારવાર બાદ બાળકીનું વજન પણ વધીને ૯૩૦ ગ્રામ થયું છે. હવે આ બાળકી એક સ્વસ્થ જીવન જીવવા માટે સજ્જ છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ બાળકીને જે સારવાર મળી તેનો ખર્ચ અન્યત્ર રૂ. ૧૦ થી ૧૨ લાખ થયો હોત, જે કદાચ આ ગરીબ દંપતીને આર્થિક રીતે ન પરવડ્યો હોત. પરંતુ ગરીબ દર્દીઓ પ્રત્યેના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેત્તૃવ હેઠળની ગુજરાત સરકારના સંવેદનશીલ અભિગમના લીધે ઇન્દોરના આ પરિવારની બાળકીનો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિનામૂલ્યે ઇલાજ થયો છે અને બાળકી અત્યારે હેમખેમ પણ છે.

આ અંગે જ્યારે દંપતી સાથે વાત કરવામાં આવી ત્યારે તે દંપતી ભાવવિભોર થઈ ઊઠ્યું હતું અને તેમના સ્વરમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારના સંવેદનશીલ અભિગમ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબો પ્રત્યેની આભારની લાગણી ભારોભાર છલકાતી હતી. આ બાળકીને માતાપિતાએ ‘દક્ષિતા’ નામ આપ્યું છે. દંપતીના કહેવા મુજબ ગુજરાત સરકારની ગરીબ દર્દીઓ પ્રત્યેની સંવેદનશીલતાના કારણે મધ્યપ્રદેશના હોવા છતાંય અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આ બાળકીને સારી સારવાર મળી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.જે.પી.મોદી જણાવે છે કે સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગ દ્વારા કોરોના કાળમાં કોવિડ, નોન કોવિડના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી હોવાનું આ શ્રેષ્ઠતમ ઉદાહરણ છે. રાજ્ય ક્ષેત્રે ૪૦૦ ગ્રામ વજન ધરાવતા બાળક નવજીવન મળી જવું સમગ્ર સિવિલ હોસ્પિટલ માટે ગૌરવવંતી બાબત છે તેમ તેઓએ ઉમેર્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *