છેલ્લા પંદર દિવસથી વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં નહિ મળતા ઘઉંના પાકને છેલ્લું પિયત આપી શકાયું નથી જેથી પાકને નુકશાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહયા છે.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી
મોડાસા તાલુકાના ખેતરોમાં લહેરાતો દેખાતો આ ઘઉંનો પાક આગામી દિવસોમાં વીજ વિભાગની બેદરકારીને કારણે મુરજાઈ જાય તો નવાઈ નહિ. તાલુકાના ઉમેદપુર ,જીવનપુર , ઈસરોલ ,દધાલિયા સહિતના 15 ગામોમાં છેલ્લા પંદર દિવસથી ખેડૂતોને સિંચાઈ માટે આપવામાં આવતો વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં નહિ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે એક તરફ ઘઉંનો પાક તૈયાર થઇ ગયો છે અને છેલ્લું પાંચમું પાણી આપવાનું બાકી છે તેવામાં લોડશેડિંગના નામે દિવસ કે રાત્રી દરમિયાન 8 કલાક ને બદલે માત્ર 4 થી 5 કલાક
જ વીજ પુરવઠો આપવામાં આવતા ખેડૂતો પૂરતું પિયત પણ કરી શકતા નથી જેની અસર ખેડૂતોના ઘઉં મકાઈ અને ઉનાળુ લીલારાના પાક ઉપર પડી રહી છે. બીજી તરફ ઘઉંના પાકમાં છેલ્લું પિયત બાકી હોવાના કારણે ઘઉંના ઉત્પાદન ઉપર પણ મોટી અસર થવાની ભીતિ ખેડૂતો સેવી રહયા છે.
ખાસ કરીને હાલ આ પંથકમાં વીજ પુરવઠાનો સમય રાત્રિ ના 12.30 વાગ્યાનો ચાલી રહ્યો છે જેથી ખેડૂતો અડધી રાત્રે જાગી ઉજાગરા કરી પાણી પિયત કરવા જાય છે પરંતુ વીજ પુરવઠો નહિ હોવાના કારણે રાત્રીના ઉજાગરા કરી આખી રાત ખેતરમાં વીજળી આવવાની રાહ જોઈ બેસી રહેવું પડે છે તેમ છતાં પિયત થઇ શકતું નથી માત્ર ચારથી પાંચ કલાક વીજ પુરવઠો મળતા વાવેતર વિસ્તારમાં પાણી પિયત થઇ શકતું નથી જેથી આ વિસ્તારના ખેડૂતો પૂરતા પ્રમાણમાં વીજ પુરવઠો આપવામાં આવે તેવી માંગ કરી રહયા છે