Breaking NewsLatest

આજે વર્લ્ડ કેન્સર ડે: ભારતમાં દર એક લાખની વસ્તીએ ૭૦ થી ૯૦ જેટલા કેન્સરના દર્દીઓ જોવા મળે છે. (ભાગ-1)

અમદાવાદ: (લેખક: અમિત ચૌહાણ):  દુનિયાભરમાં કેન્સર રોગનો વ્યાપ વધી રહ્યો છે. કેન્સર જેવા ભયાવહ રોગ સામે જનજાગૃતિ લાવવા અને વિશ્વમાં કેન્સરનું પ્રમાણ ઘટાડવાના હેતુથી ૪ ફેબ્રુઆરીના દિવસને વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO) ના તાજેતરના આંકડા પ્રમાણે સમગ્ર વિશ્વમાં વર્ષ ૨૦૨૦માં ૧ કરોડ ૯૩ લાખ કેન્સરના નવા કેસ નોંધાયા છે.જેમાં ૯૯ લાખ જેટલા દર્દીઓનું મૃત્યુ પણ થયું છે. ગ્લોબોકેનના એક અંદાજ પ્રમાણે ૨૦૩૦ સુધીમાં અંદાજે ૨ કરોડ ૧૫ લાખ જેટલા કેસ નોંધાશે.
ભારતમાં દર એક લાખની વસ્તીએ ૭૦ થી ૯૦ જેટલા કેન્સરના દર્દીઓ જોવા મળે છે. ગ્લોબોકેન ના વર્ષ ૨૦૨૦ ના આંકડા પ્રમાણે ભારતમાં ૧૩ લાખ કેસ જોવા મળ્યા. જે આંકડો ૨૦૩૦ માં વધીને ૧૫ લાખે પહોંચશે તેમ ગ્લોબોકેન રીસર્ચનું માનવું છે.
આ વર્ષે “ક્લોઝ ધ કેર ગેપ” એટલે કે કેન્સરની સારવારમાં અંતર ઘટાડીએ થીમ આધારીત કેન્સર દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે.

ક્લોઝ ધ કેર ગેપ કેમ્પેઇનનો હેતુ વિશ્વભરમાં કેન્સરની સારસંભાળમાં રહેલી અસમાનતાઓને સમજવા માટેનો છે.જેમાં લોકો કેન્સરના પડકારને ખુલ્લા મને સ્વીકારીને તેની હકીકતો તરફ ધ્યાન કેન્દ્રીત કરીને સારવાર કરાવી શકે.

કેન્સરની સારવાર દરમિયાન આવક, શિક્ષણ, સ્થળ અને વંશીયતા, લિંગ, જાતીય અભિગમ, ઉંમર, વિકલાંગતા અને જીવનશૈલી પર આધારિત ભેદભાવ જેવા પરિબળો કેન્સરની સારસંભાળને નકારાત્મક રીતે અસર કરી શકે છે.આ અંતર કેન્સરગ્રસ્ત દર્દી અને તેના પરિવારજનો સહિત દરેકને અસર કરે છે.

આ વર્ષની થીમ પ્રવર્તમાન સ્થિતિમાં બદલાવ લાવવા અને કેન્સર પ્રત્યેની ગેરમાન્યતા દૂર કરવામાં મદદરૂપ થવા માટે છે.કેન્સર સાથે જીવતા લોકોના દ્રષ્ટિકોણને સાંભળવા અને તે જીવંત અનુભવોને લોકસમક્ષ મૂકીને પ્રોત્સાહિત કરવા માટે છે.

અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના ડૉ. આનંદ શાહ જણાવે છે કે, વિશ્વ કેન્સર દિવસના થીમનો ઉદ્દેશ લોકોમાં કેન્સર પ્રત્યેની જાગૃકતા લાવીને કેન્સરના સ્ક્રીનીંગ, ગ્રામ્ય સ્તર સુધીની સારવાર,માળખાકીય સુવિધાઓ, અત્યાધુનિક મશીનરીની ઉપલબ્ધતા અને સારવારમા રહેલી વિસંગતતાને દૂર કરવાનો છે.

કેન્સર સ્ક્રીનીંગ એટલે શું ?
પ્રાથમિક તબક્કે કેન્સરના લક્ષણોની તપાસ કરવાને સ્ક્રીનીંગ કહે છે. ઓરલ કેન્સર,બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરનું સ્ક્રીનીંગ શક્ય છે.

તમાકુ, ધુમ્રપાન કે અન્ય પ્રકારનું વ્યસન કરતા વ્યક્તિના મોઢાની તપાસ કરીને ઓરલ કેન્સરનું નિદાન કરી શકાય છે.
સ્ત્રીઓમાં સ્તનના કેન્સરનું પ્રમાણ વધતુ જોવા મળી રહ્યું છે. જેનુ વહેલી તકે પ્રારંભીક તબક્કે નિદાન કરીને સારવાર કરવામાં આવે તો તેને રોકી શકાય છે. જેના માટે મેમોગ્રાફી અને સોનોગ્રાફી જેવા ટેસ્ટ ઉપલબ્ધ છે. સ્તન કેન્સરના નિદાન માટે ઘરે બેઠા પણ જાત તપાસ કરી શકાય છે.

સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સર. જે કેન્સરના નિદાન માટે પેપ ટેસ્ટ કરાવી શકાય છે. આ ટેસ્ટના આધારે તેનું વહેલી તકે નિદાન કરી શકાય છે. ગુજરાતમાં નોંધાતા કુલ કેન્સરના દર્દીઓના ૫૦ ટકા દર્દીઓમાં આ ત્રણ પ્રકારના કેન્સરનો વ્યાપ વધુ જોવા મળે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ડી-કેબિન ખાતે નવનિર્મિત રોડ અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

અમદાવાદ, સંજીવ રાજપૂત: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મેયર શ્રીમતી…

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા દ્વારા પ્રથમ થ્રી ફેસ ઇલેક્ટ્રિક લોકોનું ટીઓએચ મુખ્ય શેડ્યૂલ સફળતાપૂર્વક થયું પૂર્ણ

અમદાવાદ, સંજીવ રાજપૂત: પશ્ચિમ રેલવે ના અમદાવાદ રેલવે મંડળ ના ઇલેક્ટ્રિક લોકો શેડ…

ધોળકાના કેલીયા વાસણા ગામનાં મહિલા સરપંચ દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વિશિષ્ટ અતિથિ બનશે

અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કેલીયા વાસણા ગ્રામ…

1 of 688

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *