ગાંધીનગર: ગાંધીનગર જિલ્લા અને શહેરમાં કોરોનાની મહમારીમાં તેનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે રાજયના રેન્જ આઈજીપી અભય ચુડાસમા અને જિલ્લા એસપી મયુર ચાવડા દ્વારા પોલીસને કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા છે ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા પણ કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને માસ્ક નહીં પહેરનાર લોકોને દંડ ફટકારવા આવ્યો હતો. જિલ્લા પોલીસ દ્વારા અત્યાર સુધી 78060 વ્યક્તિઓ પાસેથી માસ્ક નહીં પહેરવા બાબતે કુલ 2 કરોડ 36 લાખ 1 હજાર 200 રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વિવિધ કલમ હેઠળ 2199 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત ડિસેમ્બરના 11 દિવસમાં જ 2091 વ્યક્તિઓ પાસેથી 20 લાખ 91 હજાર માસ્ક નહીં પહેરવા બદલ નો દંડ પોલીસ દ્વારા વસુલ કરવામાં આવ્યો છે.

















