ગારીયાધાર
ગારીયાધાર નગરમાં અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. વિશ્વ કલ્યાણ અને વિશ્વ શાંતિના શુભ હેતુથી છેલ્લાં 70 વર્ષથી ગારીયાધાર મધ્યે બિરાજતા સંત શિરોમણી 1008 પૂ. સીતારામ બાપુએ 108 કુંડી મારુતિ મહાયજ્ઞનું આયોજન કરેલ છે.
આ અંગેની વિગતો આપતા સીતારામ બાપુના આશ્રમના સેવક શ્રી હરજીભાઈ વાઘાણીએ જણાવ્યું કે યજ્ઞનો પ્રારંભ ૩ એપ્રિલથી થશે પરંતુ દેહશુધ્ધિ 2 એપ્રિલના રોજ કરવામાં આવશે.યજ્ઞની પુર્ણાહુતી 7એપ્રિલના રોજ થશે.જેમા તમામ જ્ઞાતિના લોકો યજ્ઞના યજમાન બનવાનો લાભ મેળવી રહ્યાં છે. આ યજ્ઞમાં 3000 કિલો જેટલું ગાયનું શુદ્ધ ઘી આહુત કરવામાં આવશે. યજ્ઞમાં આવતા તમામ ભાવિક ભક્તજનોને બે સમય ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામા આવી છે.
પુજ્ય સીતારામ બાપુ અનેક પ્રકારના સામાજિક-ધાર્મિક પ્રકલ્પોથી ખરા અર્થમાં સંતજન તરીકે સમગ્ર વિસ્તારમાં પોતાની આભા ઉભી કરી શક્યાં છે. સીતારામ ટ્રસ્ટ હોસ્પિટલનું નિર્માણ હોય કે પછી અહીંયા ચાલતા ભોજનાલયની વ્યવસ્થા હોય અને નર્મદા કિનારે રાજપીપળા પાસે નર્મદા પરિક્રમાર્થીઓની અવિરત સેવા હોય. પૂજ્ય સીતારામબાપુએ દિવસ-રાત જોયાં વગર આમ સમાજની બહુમૂલ્ય સેવા કરી છે. તેઓ વિરલ 108 વર્ષની આયુ ધરાવતી નિર્માની મુર્તિ છે.સતત કોઈ ને કેવી રીતે ઉપયોગી થ ઈ શકાય તેવી ઉમદા ભાવનાએ તેમના તરફ પૂજ્ય ભાવ પ્રગટાવ્યો છે.
આ યજ્ઞની વિશેષતાએ છે કે તેમાં નિમંત્રક તરીકે માત્ર પૂજ્ય બાપુ છે .અહીં સૌ કોઈ પછી તે લાખોનો દાન આપનાર દાતા હોય કે સામાન્ય વ્યક્તિ હોય બધાંને સમાન ગણીને નામ મહિમાનો લોપ કરવામાં આવ્યો છે..

ગારિયાધાર શહેરના નાની વાવડી રોડ ઉપર આવેલા સીતારામબાપુ આશ્રમની પાછળ આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે ગામના નગરજનો અને સર્વ ધર્મના લોકો આયોજનને સફળ બનાવવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે સમગ્ર આયોજન પાછળ 35 લાખથી વધુનો ખર્ચ થવાની સંભાવના છે. સને 1981માં આ પ્રકારનું આયોજન કરવામાં આવેલું અને હવે લગભગ 40 વર્ષ પછી આવું ભવ્ય આયોજન ગારીયાધાર શહેરમાં થઈ રહ્યું છે. તેથી સૌ કોઈમાના આયોજનને પાર પાડવા પ્રયત્નશીલ છે.
















