વેળાવદર/ભાવનગર
વાર્તાકલા સંવાદ મણકા -૨ને સંબોધિત કરતાં જાણીતા વાર્તાકાર સુશ્રી ગિરીમા ધારેખાને જણાવ્યું હતું કે ઘટના કે પ્રસંગ લખી દેવાથી તે વાર્તાના સ્વરૂપમાં આવતું નથી. પરંતુ વાર્તાના ઘટક તત્વો જેમ કે સંવાદો, પાત્રો, વર્ણન કલા, ભાષાશૈલી અને વિષયવસ્તુ આ બધાનું યોગ્ય રીતે સંયોજન થાય અને વાર્તા તેના યોગ્ય સ્વરૂપમાં ઉતરી આવી હોય તો તેને વાર્તા ગણી શકાય. કોઈ પણ સર્જક વાર્તાને પ્રકાશિત કરવા ઉતાવળ કરે પરંતુ તેને પક્વ થવાં દેવી જોઈએ. તેનાં વારંવાર વાંચન અને મનનથી તે પૂરતું કલાનું સ્વરૂપ ધારણ કરે છે.તા. 23-1-22 ને રવિવારના રોજ યોજાયેલાં વેબિનારમાં ગુજરાતી ભાષાનાં નવોદિત સર્જકો ભારત ઉપરાંત બ્રિટનથી પણ જોડાયાં હતાં. વાર્તાકાર સર્જક શ્રી તખુભાઈ સાંડસુરે સમગ્ર કાર્યક્રમની ભૂમિકા અને મહત્વની પ્રસ્તુતિ કરતાં કહ્યું કે આજે આ પ્રકારના કાર્યક્રમોની વિશેષ જરૂરિયાત છે કારણકે પ્રસારણ અને પ્રકાશનના બહુ આયામી વિકલ્પો સૌને પ્રાપ્ત થયાં છે.ત્યારે વાર્તાકલાની ગુણવત્તા પર સવાલો હાવી થયાં છે. જેથી તેને સમાયોજિત કરવાની ખૂબ આવશ્યકતા છે.
વેબિનારમાં ડો. મહેશભાઈ ઠાકર, સુરેશભાઈ ઠક્કર હેતલબેન મહેતા, જયશ્રીબેન પટેલ અને ગાંધીનગર સાહિત્ય સભાના પ્રમુખ ગુલાબચંદ પટેલ વગેરે જોડાયાં હતાં.આ વેબિનારમા લગભગ 147 લોકોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.સૌએ એકી અવાજે આવાં કાયૅક્રમોની ઉપયોગીતા માટે એકમતી વ્યકત કરી હતી.