Breaking NewsLatest

ધન્ય છે ડોક્ટર્સ ટીમને..કોરોના પોઝીટીવ નવજાત શિશુની જટિલ ગણાતી સર્જરી કરી અને નવજાત બાળકીએ ૧૧ માં દિવસે માતાનું સ્તનપાન કર્યું.

ઓગસ્ટ મહિનાની ૨૭મી તારીખે ભાવનગરના હીરા ઉધોગમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા દંપતિ પિન્ટુભાઇ અને નયનાબેનના ત્યાં બાળકીનો જન્મ થયો. પરિવારમાં ચોમેર ખુશીનું વાતાવરણ હતુ. પરંતુ આ હર્ષની પળો ક્ષણિક હતી.. નવજાત દિકરીને સ્તનપાન કરવામાં તકલીફ પડી રહી હતી. નવજાત દિકરી માટે જન્મની ૩૦ મીનીટમાં મળેલું સ્તનપાન શ્રેષ્ઠ માનવામાં આવ્યુ પરંતુ તે મેળવવા આ દીકરી નસીબદાર ન હતી.

આ સમસ્યાના નિદાન માટે પરીવારજનો સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા જ્યાં એક્સરે કરવામા આવતા નવજાત બાળકીને ટ્રાચેયો-એસોફેજલ ફિસ્ટુલા હોવાનું જણાઇ આવ્યુ. ટ્રાચેયોસોફેજલ ફિસ્ટ્યુલા એ ઇસોફેગસ (ગળાથી પેટ તરફ દોરી જતા નળી) અને ટ્રેકિયા (ગળાથી શ્વાસનળી અને ફેફસાં તરફ દોરી જતા નળી) વચ્ચે એક અથવા વધુ જગ્યાએ અસામાન્ય જોડાણ છે. સામાન્ય રીતે, ઇસોફેગસ અને ટ્રેચિયા બે અલગ નળીઓ હોય છે જે જોડાયેલ હોતી નથી. નવજાત બાળકીની કોરોના પોઝીટીવ સર્જરી ની ગંભીરતા ૯૦ વર્ષીય વૃધ્ધમાં રહેલી ગંભીરતા જેટલી જ હોય છે. આવી ગંભીર સમસ્યાના કારણે ખાનગી હોસ્પિટલના તબીબોએ આ દંપતીને દિકરીનું નિદાન માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવા કહ્યુ ત્યારે 30 ઓગસ્ટના રોજ બાળકીને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી.

સિવિલ હોસ્પિટલમાં જ્યારે નવજાત બાળકી આવી ત્યારે ખૂબ જ બીમાર પણ હતી. જેથી તેને પુનર્વસન આપવામાં આવ્યું હતું અને કોવિડ 19 ની તપાસ પણ કરવામાં આવી હતી.જેનો બીજા દિવસે રીપોર્ટ પોઝીટીવ આવ્યો. નવજાત શિશુને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા સમગ્ર પરિવાર પર જાણે આભ તૂટી પડ્યુ હોય તેવું વાતાવરણ સર્જાયુ. પરંતુ સિવિલ બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ દંપતી અને તેના પરિવારજનો માનસિક રીતે કાઉન્સેલીંગ કર્યુ.દિકરી સંપૂર્ણ પણે સાજી થઇ જશે તેનું આસ્વાસન પણ આપ્યુ. પીડિયાટ્રિક સર્જરી વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી અને તેમની ટીમ દ્વારા બાળકીને પીડામુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. એનેસ્થેસિયા વિભાગના ડૉ. ચિરાગ પટેલ અને બાળરોગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. દિપ્તી શાહના નેતૃત્વમાં બાળકીની સર્જરી અને સર્જરી બાદની વેન્ટીલેટર ની સંપૂર્ણ સારવાર અને દેખરેખ શ્રેષ્ઠ રીતે મળી રહી.

કોરોના ડેડીકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં બાળકીને એક દિવસ માટે વેન્ટિલેટર પર રાખવામાં આવી. સ્વાસ્થય સ્થિતિ સુધરતા વેન્ટીલેટર પરથી તેને ઓક્સિજન પર રાખવામાં આવી. અને ધીમે ધીમે સ્વાસ્થ્ય સ્થિતી સારી જણાઇ આવતા સમય જતા ઓક્સિજન દૂર કરવામાં આવ્યો. બીજા દિવસથી ધીમે ધીમે તેને ટ્યૂબ ફીડિંગ શરૂ કરવામાં આવ્યું અને ફીડ વધારવામાં આવ્યું.સમગ્ર સર્જરી અને કોરોનાની સારવારના સાતમાં દીવસે બાળકીનો ફરી વખત કોરોના રીપોર્ટ કરાવવામાં આવ્યો જે નેગેટીવ આવ્યો.

આ સર્જરીની નવીનતા વિશે પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડો. જયશ્રી રામજી કહે છે કે બાળકીની સ્વાસ્થય ગંભીરતા કોરોના સાથેની વધુ હોવાથી આ સર્જરી રેર બની રહી હતી. આ સંપૂર્ણ સર્જરીમાં એક ડાઈ નો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો જે સામાન્ય આવ્યા બાદ જ સ્તનપાન શરૂ કરાવવામાં આવ્યું હતુ.ત્યારબાદ તમામ ટ્યૂબિંગ દૂર કરવામાં આવ્યા. આજે દર્દી અન્ય સામાન્ય નિયોનેટની જેમ સ્તનપાન લે છે અને ઘરે જવા માટે તૈયાર છે.

બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી કહે છે કે કોરોનાગ્રસ્ત નવજાત શિશુમાં કોઇપણ પ્રકારની સર્જરી કરવાની જટિલતા વધારે રહેલી હોય છે. પરંતુ અમારા વિભાગના તબીબી નિષ્ણાંતો દ્વારા પાર પાડવામાં આવી.રાજય સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી શ્રેષ્ઠ અને અત્યાધુનિક મશીનરીના કારણે આવા બાળકોની જટિલ સર્જરી સામાન્ય રીતે પાર પાડવામાં અમે સફળ રહ્યા છીએ. આજે જ્યારે બાળકીને તેની માતાનું પ્રથમ ધાવણ મળ્યુ તે વખતે માતાના ચહેરા પરનું સ્મિત અમને સંતોષ આપે તેવું હતુ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *