વલ્લભીપુરના કોંગી નેતાની ગેંગે ગેરકાયદે ખડકેલી દુકાનો પર બુલડોઝર ત્રાટકશે
ગેરકાયદે દુકાનો તોડી પાડવા ભુમાફિયાને વલ્લભીપુર તાલુકા પંચાયતે નોટિસ ફટકારી
વલ્લભીપુર :
વલ્લભીપુર શહેરમાં ઘણા સમયથી અનેક કહેવાતા રાજકીય આગેવાનો દ્વારા સરકારી જમીનો ઉપર દબાણો કરી ગેરકાયદે કબ્જો જમાવવામાં આવી રહ્યો હોવાની ઉચ્ચકક્ષાએ ફરિયાદો થતી હતી. જો કે છેલ્લા સપ્તાહ દરમ્યાન પ્રિન્ટ-ઇલેક્ટ્રોનિક માધ્યમો અને સોશિયલ મીડિયામાં વલ્લભીપુરની ધર્મશાળા (પથિકાશ્રમ)ની જગ્યા પર ગેરકાયદે કબ્જા અંગે અધારપુરાવા સાથેના અહેવાલો-વિગતો સાર્વજનિક થતા જ વલ્લભીપુર તાલુકા પંચાયત કુંભકરણની નિંદ્રામાંથી સફાળી જાગી છે અને ધર્મશાળા ટ્રસ્ટની અતિ મોકાની જગ્યા પર દુકાનો ખડકી દેનારા સ્થાનિક કોંગી આગેવાન વીનું વઘાસિયાને 7 દિવસમાં ગેરકાયદે બાંધકામ જાતે દૂર કરવા નોટિસ ફટકારી છે, અન્યથા પાલિકા આ બાંધકામ પર બુલડોઝર ફેરવી દેશે જેનો તમામ ખર્ચ અને અત્યાર સુધી ભોગવટામાં રહેલી અન્ય મિલકતોનો ટેક્સ પણ વસુલશે એ મતલબની નોટિસ ફટકારતા ભુમાફિયા ગેંગમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
સમગ્ર પ્રકરણની વિગત જોઈએ તો વલ્લભીપુર જકાતનાકા પાસે કોંગ્રેસના પીઢ આગેવાન અને શાસક પક્ષના અમુક આગેવાનો સાથે સારા સબંધો ધરાવતા વિનુભાઈ વઘાસીયાએ સાર્વજનિક ધર્મશાળા ટ્રસ્ટના નામે સરકારી મિલકતમાં ગેરકાયદે રીતે બે મોટી દુકાનો બનાવી નાંખી હતી. જેને લઇને તાલુકા પંચાયતના જવાબદારો આંખ આડા કરી રહયા હતા, પરંતુ વલ્લભીપુરના એક જાગૃત નાગરિકે આ ભૂમાફિયા વિરુધ્ધ દબાણની લેખીત ફરિયાદ કરતા જવાબદાર તંત્રને કાર્યવાહી કરવાની ફરજ પડી છે. તાલુકા પંચાયતના અધિકારીઓએ રૂબરૂ આવી આ ગેરકાયદે દબાણ દૂર કરી જમીનનો કબ્જો છોડવા નોટીસ બજાવી હતી જે ભૂમાફિયાએ રૂબરૂ ન સ્વીકારતા ગેરકાયદેસર બે દુકાનો ઉપર નોટીસ લગાડી નિયમાનુસાર કાર્યવાહી પુરી કરવામાં આવી હતી.
શું છે સમગ્ર મામલો?
ભાવનગર જીલ્લા પંચાયતની ઓન પેપર માલિકીની પથિકાશ્રમની જમીનમાં વીનું વઘાસિયાએ સાર્વજનિક ધર્મશાળાના નામે થોડા વર્ષો પૂર્વે ટ્રસ્ટ ઉભું કર્યું હતું. આ ટ્રસ્ટમાં ઘરના ભુવા અને ઘરના ડાકલા વગાડવાવાળાઓને ટ્રસ્ટી મંડળમાં સામેલ કર્યા હતા. વર્ષો પૂર્વે પથિકાશ્રમ કાર્યરત હતો ત્યારે બે રૂમ રાજકીય અગ્રણીઓ-સરકારી અધિકારીઓ માટે અને 4 રૂમ આમ જનતા માટે વપરાશમાં હતા. આ રૂમમાં હાલ વઘાસિયા ગેંગે કબ્જો કરી ભાડે આપી દીધા છે. બે રૂમમાં દુકાનો કરી પોતે સ્વયં મંડપનો સમાન વગેરે રાખે છે. આટલેથી સંતોષ ન થતા ધર્મશાળાની સીટ નંબર 25 અને સિટી સર્વે નંબર 346ની કુલ 950.68 ચોરસ મીટર જગ્યા પૈકીની અમુક જમીન પર ગેરકાયદે દુકાન થોડા વર્ષો પહેલા ખડકી હતી. અધિક કલેકટરે આ બાબતે નોટિસ આપતા બાંધકામ દૂર કરવાને બદલે દુકાન પર બીજો માળ ખડકી દીધો હતો. ત્યારબાદ અન્ય એક દુકાનનું બાંધકામ પણ પાલિકાની મંજૂરી સાથે શરૂ કર્યું હતું. જો કે આમાં કાચું કપાયું હોવાનું જણાતા પાલિકાએ બાંધકામ મંજૂરી તાત્કાલિક અસરથી રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. નવા ચીફ ઓફિસરે હોદ્દો સંભાળતા ફરી એકવાર બાંધકામ મંજૂરી મેળવાઈ હતી. જો કે એ સમયે પણ નિયમ વિરુદ્ધ મંજૂરી અપાઈ હોવાનું અને ઉક્ત જમીનનો કબ્જો જિલ્લા પંચાયત મારફત તાલુકા પંચાયત પાસે હોવાનો દસ્તાવેજી પુરાવો મળતા મંજૂરી રદ્દ કરાઈ હતી. આમ છતાં યેનકેન પ્રકારે સાર્વજનિક ધર્મશાળા ટ્રસ્ટ (રજીસ્ટ્રેશન નંબર. ઈ 578)ના નામે કબ્જો ભોગવતા વઘાસિયાએ રાતોરાત બાંધકામ ખડકી દીધું હતું. જે અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત થતા અને માધ્યમોમાં પ્રકરણ ચગતા તાલુકા પંચાયતે અંતે બાંધકામ દૂર કરવાની અન્યથા ડીમોલેશન કરવાની નોટિસ ઠપકારી છે.
કોંગી-ભાજપી ભ્રષ્ટાચાર મામલે ભાઈ-ભાઈ
જે તે સમયે ધર્મશાળાની જગ્યામાં દુકાન બાંધકામની મંજૂરી અપાઈ ત્યારે અને વર્તમાન સમયે મંજૂરી અપાઈ ત્યારે પણ વલ્લભીપુર નગરપાલિકામાં ભાજપ શાસિત બોડી કાર્યરત હતી. આમ છતાં કોંગ્રેસના અગ્રણીને ગેરકાયદે જમીન હડપવાનો પીળો પરવાનો આપનાર ભાજપના સભ્યો, હોદ્દેદારોની વરવી ભૂમિકા સમગ્ર પ્રકરણમાં સ્પષ્ટ થાય છે.
જવાબદારો સામે કાનૂની કાર્યવાહીની ઉઠતી માંગ
ગેરકાયદે સરકારી કબ્જાવાળી જમીન હડપવાના મામલે માત્ર બાંધકામ દૂર કરવાથી પ્રકરણ પૂરું થઈ જતું નથી. જે તે સમયે આ બાંધકામની ઉતાવળે મંજૂરી આપનાર અને પગ હેઠે રેલો આવતા મંજૂરી રદ્દ કરનાર પાલિકાના પૂર્વ અને વર્તમાન તમામ જવાબદારો સામે લેન્ડગ્રેબિંગ ગેંગને સાથ સહકાર આપવા બદલ સખ્ત કાર્યવાહી થવી જોઈએ એવી લોક લાગણી પ્રબળ બની છે. સરકારી કબ્જા વાળી અને નિશ્ચિત હેતુ માટે રિઝર્વ રખાયેલી જમીન હડપવી એ મોટો ગુન્હો બને છે. જ્યારે હવે તો લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ આવા ભુમાફિયાઓ સામે સખ્ત કાર્યવાહીની જોગવાઈ છે ત્યારે સમગ્ર પ્રકરણમાં કુલડીમાં ગોળ ભાંગનાર સામે ઉચ્ચ કક્ષાએ સી.એમ., ગૃહમંત્રી, મહેસુલ મંત્રી અને છેક પી.એમ ઓફીસ દિલ્હી સુધી આધાર પુરાવા સાથે રજુઆત કરવાનો તખ્તો ઘડાઈ રહ્યો હોવાનું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળે છે.
એહવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર