વલ્લભીપુરની શાળામાં મેડિકલ વેસ્ટના ઇન્જેક્શન બન્યા બાળકોના રમકડાં
ઘોર બેદરકારી બાદ ડૉકટર પુત્ર વાલીઓ સામે લાજવાને બદલે ગાજયો
વલ્લભીપુર: વલભીપુર શહેરની શ્રી માનસ પ્રાથમિક શાળામાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા 7-8 વર્ષની ઉંમરના બાળકોની સ્કૂલ બેગમાંથી હોસ્પિટલમાં વપરાયેલા ઇન્જેક્શનનો જથ્થો મળી આવતા પ્રિન્સિપાલ, શિક્ષકો અને વાલીઓ ચોંકી ઉઠ્યા હતા. તપાસ કરતા સામે આવ્યું કે શાળા નજીક આવેલી એક ખાનગી ક્લિનિકના ઝોલછાપ ડૉકટરે મેડિકલ વેસ્ટ તરીકે ઓળખાતો આવા વપરાયેલા ઇન્જેક્શનનો જથ્થો શાળા નજીક ઠાલવી દેતા અણસમજુ બાળકોએ રમત રમવા માટે એ સ્કૂલ બેગમાં ભરી લીધા હતા. રીસેસમાં કે ઘેર પહોંચી આ બાળકો આવા મેડિકલ વેસ્ટથી રમત રમતા હોવાનું સામે આવતા કહેવાતા ડૉકટર સામે લોક રોષ ભભૂકી ઉઠ્યો છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર માનસ પ્રા. શાળામાં ધોરણ ત્રણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી ધોરણ ત્રણ માં અભ્યાસ કરતા એક છાત્ર પાસેથી વપરાયેલા ઇન્જેક્શનોની સીરિંજ, ઇન્જેક્શન દવાની ખાલી બોટલો, કાચના ઇન્જેક્શન વાયલ મળી આવ્યા હતા. સ્કૂલ બેગમાં ભરેલો મેડિકલ વેસ્ટ અકસ્માતે ક્લાસમાં પડીને ફૂટી જતા પ્રિન્સિપાલે સતર્કતા દાખવી વિદ્યાર્થીના વાલીને શાળાએ બોલાવ્યા હતા. જેની રૂબરૂમાં વિદ્યાર્થીએ ઇન્જેક્શન સહિતની મેડિકલ વેસ્ટનો જથ્થો શાળાની દીવાલ નજીકથી ઉઠાવીને રમત રમવા માટે રાખ્યો હોવાનું જણાવતા વાલી સહિત પ્રિન્સિપાલ અને શાળાનો સ્ટાફ વિદ્યાર્થીએ દર્શાવેલા સ્થળે દોડી ગયા હતા.જ્યાં મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ જોઈ ચોંકી ગયા હતા. વાલીએ મીડિયા, ચીફ ઓફિસર અને તાલુકા હેલ્થ સુપરવાઇઝરને ફોન કરીને સ્થળ બોલાવી આ ગંભીર બાબતે સત્વરે એક્શન લેવાનું જણાવ્યું હતું.
ઉક્ત સ્થળે મેડિકલ વેસ્ટ કોણ ઠાલવી ગયું એ બાબતે શાળાના પ્રિન્સપાલે અજાણ હોવાનું રટણ કર્યું હતું. જો કે પ્રાથમિક તપાસમાં જ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે શાળાની નજીક આવેલા વિનુભાઈ રાઠોડ નામના ઝોલાછાપ ડૉકટરના કહેવાતા ક્લિનિકમાંથી આ વેસ્ટ ફેંકવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાને ડૉકટર તરીકે ઓળખાવતા અને ઘણા સમયથી ઘરમાં જ ક્લિનિક ચલાવતા વિનુભાઈ પાસે ડૉકટરની કોઈ ડિગ્રી જ ન હોવાનું સામે આવતા તાલુકા હેલ્થ સુપરવાઈઝરને પણ જવાબ આપવો અઘરો થઈ પડ્યો હતો. બનાવ બાદ કહેવાતા ડૉકટરના પુત્ર કમલેશ રાઠોડે વાલીને ધમકી આપી હતી કે તમારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લેજો, તમે અમારું કશું બગાડી શકશો નહિ અને જો કઈ કાર્યવાહી કરશો તો ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહેજો. ડૉકટર પુત્રની લુખ્ખાગીરીથી વાલીઓએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાનું મન બનાવ્યું હતું. જો કે તાલુકા હેલ્થ ઓફિસર હાલ ડૉકટરોની ચાલી રહેલી હડતાલમાં વ્યસ્ત હોય બનાવની ગંભીરતા ઉચ્ચ કક્ષાએ પહોંચાડવા વાલીએ તજવીદ આદરી છે. આ બનાવને પગલે શહેરના વાલીઓમાં રોષ સાથે બાળકોની સુરક્ષાને લઈને ભય વ્યાપી ગયો છે. ત્યારે હવે જોવું રહ્યું કે ઘોડાછાપ ડૉકટરનું વહીવટી ઓપરેશન કોણ અને ક્યારે પાર પાડે છે.
મેડિકલ વેસ્ટનો અણઘડ નિકાલ મોટો ગુન્હો
હોસ્પિટલ, ક્લિનિકોમાંથી નીકળતો કચરો, ઇન્જેક્શન, સિરિન્જ, હાથના મોજા, માસ્ક, પાટા-રૂ, દવાની ખાલી બોટલો, એક્સપાયરી દવા સહિતની વસ્તુઓ મેડિકલ વેસ્ટની વ્યાખ્યામાં આવે છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે તેનો યોગ્ય નિકાલ કરવાની જે તે ડૉકટર કે ક્લિનિક, હોસ્પિટલ સંચાલકની ફરજ હોય છે. અન્ય કચરા સાથે મેડિકલ વેસ્ટ અને બાયોમેડિકલ વેસ્ટ એકઠો કરીને ગમે તે સ્થળે ફેંકી શકાતો નથી. પશુ કે માનવીની પહોંચથી દૂર મેડિકલ વેસ્ટનો નિકાલ કરવો ફરજીયાત છે. જો આમાં કસૂરવાર જણાય તો જવાબદારને મોટી રકમનો દંડ, સજા અને ડોકટરી લાયસન્સ રદ્દ કરવા સુધીના કડક કાયદા અમલમાં છે. ગ્રામીણ ક્ષેત્રોમાં આ નિયમનો સરેઆમ ઉલ્લાળિયો થતો હોય છે ત્યારે શહેરમાં ઘટેલી આ ઘટના બાદ આરોગ્ય શાખા જાગશે કે પછી કોઈ માસુમનો ભોગ લેવાય એની રાહ જોશે એ તો આવનારો સમય જ બતાવશે.
અહેવાલ ધમેન્દ્રસિંહ સોલંકી વલભીપુર