Breaking NewsLatest

૧૯ વર્ષની વયના જુવાનો જેવા જુસ્સા સાથે કોરોનાને ધોબીપછાડ આપી ૯૧ વર્ષના વડીલ જિંદાદિલીનું પ્રતીક બન્યાં.

અમદાવાદ: દુનિયામાં ઘણાં લોકો એવા પણ હોય છે કે જે પોતે વિષમમાં વિષમ પરિસ્થિતિમાં હોવા છતાં પણ સૌના પથદર્શક બની જાય છે, પોતાના દુઃખને દેખાડતા નથી અને સૌને અખૂટ પ્રેરણા આપે છે. આવું જિંદાદિલીનું ઉદાહરણ અમદાવાદ સિવિલમાં કોરોનાની સારવારમાંથી સાજા થયેલા ૯૧ વર્ષની જૈફ વયના મધુકરભાઈએ પૂરું પાડ્યું છે.

કોરોનાનું સંક્રમણ ખાસ કરીને વયોવૃદ્ધ અને બાળ દર્દીઓ માટે ગંભીર સાબિત થાય છે કેમકે તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. વયોવૃદ્ધ દર્દીઓના કિસ્સામાં મોટી વય, અશક્તિ અને એકલાપણું પણ એક સમસ્યા હોય છે. તેમ છતાં અમદાવાદ સિવિલની કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૯૧ વર્ષના મધુકરભાઈ પંડ્યાએ ૧૭ દિવસની સારવાર દરમિયાન જુવાનોને પણ શરમાવે તેવા અદમ્ય ઉત્સાહ અને જિંદાદિલી સાથે કોરોનાને હરાવ્યો છે અને સાજાનરવા થઈને ઘરે પરત ફર્યાં છે.

જીવનની નવ નવ સદી જોઇ ચૂકેલા મધુકરભાઈ પંડ્યા પાંચમી ડિસેમ્બરના રોજ કોરોનાથી સંક્રમિત થઇને ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા. મધુકરદાદા પોતાના યુવાકાળમાં વિવિધ રમતો સાથે સંકળાયેલા હતાં. તેથી તેઓ જીવનમાં જિંદાદિલીનું મહત્વ કદાચ વધુ સારી રીતે સમજતા હતાં.

મધુકરભાઈ જે વોર્ડમાં સારવાર અર્થે દાખલ હતા તે આખા વોર્ડમાં એક ખુશહાલીનો માહોલ રહેતો હતો. મધુકરભાઈ સૌને આનંદ કરાવતા રહેતા. સામાન્ય રીતે અમદાવાદ સિવિલમાં દર્દીઓ ડર અને દહેશત સાથે દાખલ થતા હોય છે, પણ આ તો એક સમયના સ્પોર્ટસમેન મધુકરદાદા હતાં! અગાઉ દરેક રમતમાં જુસ્સા સાથે જીતના મુકામ સુધી પહોંચનારા મધુકર દાદા રમતના મેદાનની જેમ અમદાવાદ સિવિલમાં પણ ફક્ત જીતવા માટે જ આવ્યા હતા. હાર એમને મજુંર ન હતી. આખરે જીવનરસથી ભરપૂર ૯૧ વર્ષીય મધુકરદાદાએ માત્ર ૧૭ જ દિવસ કોરોના સામેની લડતમાં વિજયી બનીને ઊભર્યાં હતાં. રમતના મેદાનની જેમ કોરોનાએ પણ તેમની સાથે કપરી હરીફાઇ કરી પરંતુ આખરે વિજય મધુકરદાદાનો જ થયો.

૧૭ દિવસની સારવારમાં કોરોનાએ મધુકરદાદાને સામાન્ય લક્ષણોથી શરૂઆત કરીને તેમને મોડરેટ લક્ષણો સુધી ડરાવવાની કોશિશ કરી પરંતુ મધુકરદાદા કોનું નામ! એ પણ ક્યાં હાર માને તેમ હતા? તેઓ કોરોનાને જિંદાદિલી, હસીખુશી અને આધ્યાત્મના સહારે એકધારી કાંટે કી ટક્કર આપતા રહ્યાં. આખરે પોતાના જુસ્સા અને જિંદાદિલીથી તેમણે ધાર્યુ પરિણામ મેળવ્યું…. કોરોના હાર્યો અને મધુકરદાદાનો જુસ્સો જીત્યો!

સારવાર દરમિયાન મધુકરદાદા વોર્ડમાં દરરોજ ગાયત્રી મંત્રનો જાપ પણ કરતા. મધુકરદાદા કહે છે કે ગાયત્રી મંત્રમાં કોઇપણ પ્રકારની મુસીબતમાંથી માણસને ઉગારવાની શક્તિ રહેલી છે. જીવનની ગમે તેવી પરિસ્થિતિમાં આ ગાયત્રી મંત્ર સકારાત્મક ઉર્જાનો સંચાર જરૂરથી કરે છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવારનો પોતાનો અનુભવ વર્ણવતા મધુકરદાદા કહે છે કે સરકારી હોસ્પિટલમાં આટલી શ્રેષ્ઠ સારવાર મળવી તે મારા માટે અકલ્પનીય બાબત હતી. પરંતુ અહીં ૧૭ દિવસની સારવાર દરમિયાન તબીબોની સારવાર, નર્સિંગ સ્ટાફ અને અન્ય સફાઇકર્મીઓની સેવા-સુશ્રુષાથી હું ખુબ પ્રભાવિત થયો છું. મેં અહીં નવજીવન પ્રાપ્ત કર્યું છે જે સિવિલ હોસ્પિટલના સ્ટાફના મિત્રોને સમર્પિત છે, કેમકે તેમણે મને ફક્ત એક દર્દી સમજીને નહીં પરંતુ તેમનો પોતાનો સમજીને મારી સારવાર કરી છે.
સિવિલ સુપ્રિટેન્ડેન્ટ જેપી મોદી કહે છે કે વયસ્ક દર્દીઓની સારવાર અર્થે અમારી કોરોના ડેડીકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં દેશનો સૌપ્રથમ જીરા ટીક વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેના થકી વયસ્ક દર્દીઓને વધુ શ્રેષ્ઠ સારવાર મળી રહી છે જેનો તેઓ સંતોષ પણ વ્યક્ત કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલ સ્પષ્ટપણે કહી ચૂક્યાં છે કે કોઇ પણ પરિસ્થિતિમાં પ્રત્યેક ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીની સારવાર માટે ગુજરાતની સંવેદનશીલ સરકાર કૃતસંકલ્પ છે. સિવિલ હોસ્પિટલના ફરજનિષ્ઠ સ્ટાફે આ કિસ્સાથી વધુ એકવાર માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીની આ પ્રતિબદ્ધતાને મૂર્તિમંત કરી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *