Breaking NewsLatest

૩૨ દિવસ આઈસીયુમાં, 100થી વધુ રિપોર્ટ છતાં ઉમરાના કેતનભાઈ ઉમરીગરે ૯૭ દિવસની લાંબી લડત બાદ કોરોનાને મ્હાત આપી

સુરત:શનિવાર: છેલ્લાં સાત મહિનાથી નવી સિવિલ હોસ્પિટલમાં કોરોના પીડિત દર્દીઓની સારવારમાં વ્યસ્ત તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરા મેડિકલ સ્ટાફે દર્દીઓને કોરોનામુક્ત કરવામાં મોટું યોગદાન આપ્યું છે, જેમાં વધુ એક સિદ્ધિનો ઉમેરો થયો છે. ઉમરા ગામના ૪૧ વર્ષિય કેતનભાઈ ઉમરીગરને ૯૭ દિવસની લાંબી અને જહેમતભરી સારવાર બાદ સ્વસ્થ કરવામાં સફળતા મળી છે. કેતનભાઈનું સ્વસ્થ થવું એ ચમત્કારથી કમ નથી. તેમના મજબૂત ઈરાદા અને સિવિલના તબીબોની મહેનતના પરિણામે આખરે તેઓ કોરોનાને શિકસ્ત આપી ઘરે પરત ફર્યા છે. પરિવાર સાથે પુન: મિલન થવાની ખુશી ઉમરીગર પરિવાર કરતા નવી સિવિલના તબીબી સ્ટાફને વધુ હતી.

નવી સિવિલ હોસ્પિટલના નોડલ ઓફિસર ડો. અમિત ગામિતે જણાવ્યું કે, કેતનભાઈ ૨૭ જુલાઈએ તાવ સાથે શ્વાસ લેવામાં તકલીફ થતા સિવિલ હોસ્પિટલ દાખલ થયા હતા. તપાસમાં આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યો. એચઆરસિટીમાં ૫૦થી ૬૦ ટકા જેટલું ફેફસામાં કોરોનાનું ઈન્ફેક્શન જણાયું. તેઓ જ્યારે દાખલ થયા ત્યારે હાલત અત્યંત ગંભીર હતી, અને ઓક્સિજન લેવલ ઘટીને ૪૮ ટકા જેટલું થઈ જતા તાત્કાલિક આઈસીયુમાં બાયપેપ પર ૧૦૦ ટકા ઓક્સિજન પર સારવાર શરૂ કરી. તા.૧૧ ઓગસ્ટે શ્વાસ લેવામાં વધુ તકલીફ થતા કેતનભાઈને નળી દ્વારા ઓક્સિજન એટલે કે ઈન્વાઝિવ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા. કુલ મળીને પહેલા ૩૨ દિવસ આઈસીયુમાં સારવાર દરમ્યાન ICMR અને કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ બે ડોઝ ટોસિલીઝુમાબ અને પ્લાઝમા પણ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ તબિયતમાં સુધાર જણાતા જનરલ વોર્ડમાં શિફ્ટ કર્યા.

ડો. ગામિતે વધુમાં કહ્યું કે, કેતનભાઈની સારવાર દરમ્યાન ફેફસામાં બેકટેરીયાનું ઈન્ફેક્શન થતા કોવિડની સાથે ઇન્ફેક્શનની સારવાર શરૂ કરી. સામાન્ય રીતે ઈન્ફેક્શનની સારવાર માટે ત્રણથી ચાર સપ્તાહનો સમય લાગે છે. તેમનું ઓક્સિજન લેવલ મેઈન્ટેઈન રહેતું ન હતું, એટલે સતત મોનિટીરિંગ હેઠળ ૧૦ લીટર ઓક્સિજન પર શિફ્ટ કર્યા. ૫૦ દિવસથી પણ વધુ સમય ઓક્સિજન સપોર્ટ પર રાખ્યા.

કેતનભાઈના જુદા જુદા ૧૦૦ થી પણ વધારે રિપોર્ટ કરવામાં આવ્યા હતા. લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ માપવા દરરોજ બે ABGના રિપોર્ટ કરવામાં આવતા. આ સમયે કેતનભાઈ બ્લડ પ્રેશરની બિમારી જણાઈ આવી હતી. ધીરે ધીરે સારવાર બાદ તબિયતમાં સુધાર આવતા બાહ્ય ઓક્સિજનની માત્રા ઘટાડતા ગયા. છેલ્લા ૭ દિવસ નોર્મલ રૂમ એર પર રખાયા અંતે આજે ૯૭ દિવસની સંઘર્ષમય સારવારના અંતે સિવિલ તંત્રને ખુશી છે કે તેઓ કોરોનામુક્ત થયા છે. તબીબી સ્ટાફ હંમેશા તેમનો ઉત્સાહ વધારી કહેતા કે, ‘તમે જલ્દી સ્વસ્થ થઈને ઘરે પરત ફરશો’.

અનેક દર્દીઓની સારવારમાં મહત્વની ભૂમિકા નિભાવનારા દ.ગુજરાતના નોડલ ઓફિસર ડો. અશ્વિન વસાવાએ ખુશીની લાગણી વ્યક્ત કરતા કહ્યું કે, કેતનભાઈ એક એવા દર્દી છે કે જેમની અમે કોવિડની સૌથી લાંબી સારવાર કરી છે. મારા મતે ગુજરાતના પહેલા એવા દર્દી હશે કે જેમની સૌથી લાંબી સારવાર ચાલી હોય. રાજ્યના આરોગ્ય વિભાગના સહકારથી સુરતના આરોગ્ય તંત્રએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં સિવિલની સંનિષ્ઠ તબીબોની સાથે નર્સિંગ સ્ટાફનો પણ એટલો જ ફાળો રહ્યો હોવાનું તેઓ જણાવે છે.

ઉમરાના નવસાર મહોલ્લામાં રહેતાં કેતનભાઈના પત્ની મિથિલાબેન ઉમરીગર પતિને સ્વસ્થ થયેલા જોઈને ખુશીના આંસુ રોકી શકતા નથી. તેમણે ભાવસભર લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘તા.૨૭ જુલાઈનો દિવસ અમારા માટે સંકટભર્યો હતો. ઓક્સિજન ખૂબ ઓછું થઈ જતા મારા પતિની સ્થિતિ ગંભીર થઈ હતી. આવા કપરા સમયમાં સિવિલના તબીબો અમારા આધારરૂપ બન્યા. પતિની તબિયત વિષે તબીબો મને દરરોજ ફોન કરી માહિતી આપતા હતા. તેમના આશ્વાસનથી ખૂબ હિંમત મળી. ૯૭ દિવસની સારવારનો એક એક દિવસ અમારા માટે મુશ્કેલ હતો, પરંતુ પતિ કોરોનામુક્ત થયા એનો આનંદ વર્ણવી શકાય તેમ નથી. સિવિલના તબીબોએ જીવનદાન આપ્યું છે , એમના જીવનભર ઋણી રહીશું.

કોરોનામુક્ત કેતનભાઈ આંખમાં હર્ષાશ્રુ સાથે કહે છે કે, ‘સિવિલ હોસ્પિટલમા વિતાવેલા ૯૭ દિવસ ક્યારેય ભુલાશે નહિ. આ સમયમાં સિવિલનો કોવિડ વોર્ડ મારૂ બીજું ઘર બન્યું હતું. અહીં તમામ કર્મચારીઓએ મને પરિવાર જેવો પ્રેમ સાથે સેવા સારવાર આપી છે. એક સમયે મને કોઈ સાથે વાત કરવાનું પણ ગમતું ન હતું, હું ક્યારે સાજો થઈને ઘરે જઇશ, સાજો થઈશ કે નહિ એ પણ જાણ ન હતી. પરિવાર સાથે વિડિયો કોલ પર વાત પણ કરાવતા ત્યારે ખૂબ સારૂ લાગતું. સિવિલની સારવારથી હું મૃત્યુના મુખમાંથી ઉગર્યો છું એમ તેઓ ઉમેરે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના…

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 681

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *