Latest

18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય

ગાંધીનગર, સંજીવ રાજપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્ર સાથે 2047 સુધીમાં એક વિકસિત દેશ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે આ વિઝનને સાકાર કરવામાં ગુજરાત અમૂલ્ય યોગદાન આપી રહ્યું છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે સક્રિયપણે કાર્ય કરી રહી છે. આ પ્રતિબદ્ધતાનું શ્રેષ્ઠ ઉદાહરણ અનંત અનાદિ વડનગરમાં આવેલું આર્કિયોલોજીકલ એક્સપિરીયન્સ મ્યુઝિયમ (પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય) છે.

ઉલ્લેખનીય છે કે, 18 એપ્રિલે વિશ્વ વારસા દિનની ઉજવણી કરવામાં આવે છે ત્યારે વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બની ગયું છે.

75 દિવસમાં 32,000 લોકોએ વડનગરના પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયની મુલાકાત લીધી

આજે ગુજરાતનું વડનગર તેના ઐતિહાસિક વારસાને પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયના રૂપમાં સાચવીને બેઠું છે તેનો શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જાય છે. ‘વિકાસ ભી, વિરાસત ભી’ના ધ્યેયને સાકાર કરતું ભારતનું આ પ્રકારનું પ્રથમ મ્યુઝિયમ છે, જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેક્ટોરેટ ઓફ આર્કિયોલોજી અને મ્યુઝિયમના સહયોગથી તૈયાર કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના જન્મસ્થળ વડનગરમાં સ્થિત આ સંગ્રહાલયનું ઉદ્ઘાટન 16 જાન્યુઆરી 2025ના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 1 ફેબ્રુઆરીથી મ્યુઝિયમ ખૂલતાં જ માત્ર 75 દિવસમાં કુલ 32,000 લોકોએ તેની મુલાકાત લીધી હતી, જે સાંસ્કૃતિક પ્રવાસન માટે દ્રષ્ટાંતરૂપ છે.

આ મુલાકાતીઓમાં લગભગ 28% વિદ્યાર્થીઓ અને વિદેશી પ્રવાસીઓ છે. બાકીના મુલાકાતીઓમાં બાળકો, વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગ વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે, જે દરેક વ્યક્તિ માટે સુલભતા પ્રત્યેની પ્રતિબદ્ધતા સૂચવે છે.

પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય: વડનગરની 2500 વર્ષોની ઐતિહાસિક યાત્રાનો અનુભવ

આ સંગ્રહાલય વડનગરના 2500 વર્ષ જૂના વારસાનું પ્રતિબિંબ છે જેમાં કલા, સ્થાપત્ય, વેપાર, શહેરી આયોજન અને શાસનનું મિશ્રણ છે. મુખ્ય વ્યાપારી માર્ગ પર સ્થિત હોવાને લીધે વડનગર હિંદુ, બૌદ્ધ, જૈન અને ઇસ્લામ ધર્મોના સંગમનું એક જીવંત કેન્દ્ર હતું. આ તમામ ઐતિહાસિક ખાસિયતોને ધ્યાનમાં રાખીને આર્કિયોલૉજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે.

₹298 કરોડના ખર્ચે નિર્મિત આ ચાર માળનું મ્યુઝિયમ લગભગ 12,500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. પ્રવાસીઓને વડનગરના પુરાતત્વીય ખોદકામમાંથી મળેલા અવશેષોનો અનુભવ પૂરો પાડવા માટે એક કાયમી શેડ બનાવવામાં આવ્યો છે

તેમજ અન્ય પ્રવાસન સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. મ્યુઝિયમમાં વિવિધ સમયગાળાની કલાઓ, શિલ્પો અને આ વિસ્તારની ભાષાને પ્રદર્શિત કરતી 9 થીમેટિક ગેલેરીઓ પણ બનાવવામાં આવી છે. ઑડિયો-વિઝ્યુઅલ ફિલ્મો અને પ્રદર્શનો ધરાવતું આ આર્કિયોલૉજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ઇતિહાસના શોખીનો માટે એક ખાસ ભેટ છે.

વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય એ આંતરરાષ્ટ્રીય વારસા દિવસની ભાવના સાથે સુસંગત છે, જે ભારતના સમૃદ્ધ પુરાતત્વીય અને સાંસ્કૃતિક વારસા તરફ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચે છે. ટેક્નોલૉજી, વારસા અને શિક્ષણનો સમન્વય ધરાવતું આ સંગ્રહાલય સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ સાથે ભાવિ પેઢીઓને શિક્ષિત પણ કરશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

પાટણ માર્કેટ યાર્ડમાં વિવિધ જણશોની બંમ્પર આવક સાથે તમાકુયાડૅમાં પણ ૪૦ હજારથી વધુ બોરીઓની આવક થઈ

પાટણ: એ.આર,એબીએનએસ : રવિવાર સહિત તહેવારોની રજા મળી ત્રણેક દિવસ બાદ મંગળવારે શરૂ…

રાધનપુરના અરજણસર ગ્રામ પંચાયત કચેરી ખાતે તલાટીની મનમાની આવી સામે..લોકો ધક્કા ખાવા બન્યા મજબૂર…

પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમા…

1 of 592

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *