અમદાવાદ, સંજીવ રાજપૂત; અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઇ કાલે તા. ૧૮ મે ના રોજ ૧૯૩ મું અંગદાન થયું છે. વધુ વિગતો જોઈએ તો, અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય હેમંત સોનીને તા. 16.05.25 ના રોજ ખેંચ આવતા પ્રથમ નજીકમાં આવેલી પ્રાર્થના હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે પરીવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ આવવામાં આવ્યા.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લગભગ ૪૮ કલાકની સઘન સારવાર અને તબીબોના પ્રયત્નો છતા આખરે તેઓને તબીબો દ્વારા તા. 18.05.25 ના રોજ બ્રેઇન ડેડ જાહેર કર્યા. બ્રેઇનડેડ જાહેર કરાયા બાદ સિવિલ હોસ્પિટલની અંગદાનની ટીમ , કાઉન્સેલર્સ દ્વારા હેમંતભાઇના પરિવારજનોને અંગદાનના મહાત્મય વિશેની સમજણ આપવામાં આવી. પરોપકાર ભાવ સાથે હેમંતભાઈના માતા શારદાબહેને કઠણ કાળજે પુત્રના અંગોનું દાન કરવા માટેની સંમતિ આપી.
સંમતિ મળ્યા બાદ બ્રેઇનડેડ હેમંત સોનીના અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયા આરંભવામાં આવી. સમગ્ર પ્રક્રિયા ના અંતે બે કિડની, લીવરનું દાન મળ્યું. જેને સિવિલ કેમ્પસમાં જ આવેલી કિડની હોસ્પિટલના જરૂરીયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.
આ સાથે હેમંતભાઈની બંને આંખો તેમજ ત્વચાનું પણ દાન મળ્યું. જેમાંથી બે આંખો સિવિલ કેમ્પસમાં જ આવેલી એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવી તેમજ મળેલ ચામડીનું દાન સિવિલ હોસ્પિટલની સ્કીન બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું જેને જરૂરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે.
આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 193 અંગદાતાઓ થકી કુલ 635 અંગોનું દાન મળ્યું છે જેના થકી 616 વ્યક્તિઓમાં નવા જીવન નો પ્રકાશ આપણે ફેલાવી શક્યા છીએ. તેમ ડો. રાકેશ જોશીએ વધુમાં જણાવ્યુ હતું.