અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજય સરકારે મેલેરિયા નાબૂદી અભિયાન અંતર્ગત વર્ષ ૨૦૨૭ સુધી જિલ્લામાં મેલેરિયાના કેસ સ્થાનિક કક્ષાએ શૂન્ય સુધી લઇ જવા તથા વર્ષ ૨૦૩૦ સુધીમાં મેલેરિયા રોગનું નિર્મૂલન કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. આ લક્ષ્યાંક અંતર્ગત અમદાવાદ જિલ્લામાં વાહકજન્ય રોગ સામે તમામ અટકાયતી પગલાં ભરરવામાં આવી રહ્યાં છે, જેના પરિણામે અમદાવાદ જિલ્લામાં છેલ્લાં પાંચ વર્ષની પરિસ્થિતિ જોતાં મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
અમદાવાદ જિલ્લા પંચાયત સંલગ્ન જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા મેલેરિયા શાખા દ્વારા મેલેરિયા નાબૂદી અભિયાન અંતર્ગત ખાસ એક્શન પ્લાન અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્લાન હેઠળ વિવિધ તાલુકા આરોગ્ય કચેરીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પેટા આરોગ્ય કેન્દ્રોના સંયુક્ત પ્રયાસોથી વર્ષ ૨૦૨૭ સુધીમાં અમદાવાદ જિલ્લામાં મેલેરિયાના ૦ (શૂન્ય) કેસનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. આ લક્ષ્યાંકની પૂર્તિ માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે તે પછીના ત્રણ વર્ષ દરમિયાન જિલ્લાને મેલેરિયામુક્તિ તરફ લઈ જવાનો પણ ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે.
અમદાવાદ જિલ્લામાં વર્ષ ૨૦૧૯ દરમિયાન ૫૮ કેસ, ૨૦૨૦માં ૨૦ કેસ, ૨૦૨૧માં ૫ કેસ, ૨૦૨૨માં ૫ કેસ, ૨૦૨૩માં ૨ કેસ અને ૨૦૨૪માં ૬ મેલેરિયા પોઝિટિવ કેસ નોંધાયા હતા. એટલું જ નહીં, ચાલું વર્ષે મેલેરિયાના એક પણ કેસ અત્યારસુધીમાં નોંધાયો નથી. આમ, વર્ષ ૨૦૨૧થી મેલેરિયાના કેસો સિંગલ ડિઝિટમાં નોંધાઇ રહ્યા છે. સતત ત્રણ વર્ષથી નેગેટિવ ગામો તથા સતત ત્રણ વર્ષથી પોઝિટિવ ગામોમાં નિયમિત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં છેલ્લાં ૫ વર્ષમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કારણે એક પણ મૃત્યુ થયેલું નથી, એ મોટી સિદ્ધિ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લા કલેક્ટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમારના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના સુપરવિઝન હેઠળ અમદાવાદ જિલ્લાને મેલેરિયા મુક્તિ તરફ લઈ જવા ખાસ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. પાછલા વર્ષોમાં જે તાલુકા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં મેલેરિયાના કેસ નોંધાયા હતા ત્યાં વર્ષ ૨૦૨૭ સુધી મેલેરિયા પોઝિટિવ ૦ કેસ કરવા સઘન સર્વેલન્સ સહિતના આદેશ આપવામાં આવ્યા છે.
વર્ષ ૨૦૩૦ સુધી અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા તમામ વિસ્તારોને મેલેરિયામુક્ત રાખવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જે લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સઘન સર્વેલન્સ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે, તેમ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું.
મચ્છર ઉત્પત્તિ સ્થાનોની નિયમિત ચકાસણી થકી મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો
તમામ ગામોમાં ફિવર સર્વેલન્સ, પોરાનાશક કામગીરી, ફોગિંગ કામગીરી, આઇ.ઇ.સી. પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ અમદાવાદ જિલ્લામાં ટ્રાન્સમિશન સીઝન પહેલા માર્ચ, એપ્રિલ, મે માસમાં તમામ ગામોમાં એક માસમાં બે રાઉન્ડ એવા કુલ ૬ રાઉન્ડ સર્વેલન્સ અને પોરાનાશક કામગીરીના હાથ ધરવામાં આવી રહ્યા છે. જિલ્લાની તમામ જી.આઇ.ડી.સી., એસ.ટી. ડેપો, ટાયર પંકચરની દુકાન, તમામ સરકારી સંસ્થા, શાળામાં મચ્છર ઉત્પત્તિ સ્થાનોની નિયમિત ચકાસણી કરવામાં આવે છે.
પ્રાઇવેટ હોસ્પિટલ અને પ્રાઇવેટ લેબોરેટરીની નિયમિત મુલાકાત કરવામાં આવે છે. મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનીયા જેવા વાહકજન્ય રોગોની માહિતી મેળવી તમામ કેસોમાં રોગ અટકાયતી પગલાં હાથ ધરવામાં આવે છે, જેના પરિણામે અમદાવાદ જિલ્લામાં મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે
મચ્છર ઉત્પત્તિ સ્થાનો શોધવા AI આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ
AI આધારિત ડ્રોન ટેકનોલોજીની મદદથી મચ્છર ઉત્પત્તિસ્થાનો શોધવા અને લાર્વીસાઇડ છંટકાવ બાબતની કામગીરીનો પ્રોજેકટ અમદાવાદ જિલ્લાના ચાંગોદર GIDC અને સાણંદ GIDCના સનાથલ, નવાપુરા, ચાંગોદર, મોરૈયા, ચા.વાસણા, બોળ, શિયાવાડા, છારોડી વિસ્તારોમાં વર્ષ ૨૦૨૪માં નવેમ્બરથી પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ પ્રોજેક્ટના ઉપયોગ થકી ૫૪૧ જેટલા મચ્છર ઉત્પત્તિ સ્થાનો જોવા મળ્યા હતા અને તમામને નોટિસ પણ આપવામાં આવી છે. ઉક્ત GIDC વિસ્તારમાં ડ્રોનથી દવા છંટકાવ બાદ અત્યાર સુધી વાહકજન્ય રોગનો એકપણ કેસ બન્યો નથી. અત્યારે ચાલુ વર્ષે મેલેરિયાનો એકપણ કેસ નથી અને આ શૂન્ય કેસને જાળવી રાખવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
AI આધારિત ડ્રોન ટેકનોલોજીની મદદથી મચ્છર ઉત્પત્તિ સ્થાનો શોધવા અને લાર્વીસાઇડ છંટકાવ બાબતને લઇને અમદાવાદ જિલ્લા મલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડને ગ્રીપ એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે.