આમ આદમી પાર્ટીના મહિલા મોરચા વતી હું ભાજપના 156 ધારાસભ્યોને રાખડી સાથે એક પત્ર લખીને મોકલીશ: રેશમાબેન પટેલ
ભાજપના 156 ધારાસભ્યો સમક્ષ મોંઘવારી ઘટાડવાની માંગને બુલંદ રાખીશું અને રક્ષાબંધનની ભેટરૂપે તેની માંગણી કરીશું: રેશમાબેન પટેલ
ટામેટા અને અન્ય શાકભાજી બાદ હવે કઠોળના ભાવમાં પણ તોતિંગ વધારો થઈ રહ્યો છે: રેશમાબેન પટેલ
મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે: રેશમાબેન પટેલ
અમદાવાદ/ગુજરાત
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલે વીડિયોના માધ્યમથી એક ગંભીર મુદ્દા પર વાત કરતા જણાવ્યું કે, હું સરકારશ્રી સુધી વાત પહોંચાડવા માગું છું કે, જે રીતે મોંઘવારી વધી રહી છે તે ગૃહિણીઓના બજેટને ખૂબ જ વેરવિખેર કરી નાખે છે. મોંઘવારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગની ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. ટામેટા અને અન્ય શાકભાજી બાદ હવે કઠોળના ભાવમાં પણ તોતિંગ વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે સરકાર ચૂપ બેઠે તે ખૂબ જ શરમજનક બાબત છે. હવે અમારું માનવું છે કે અમારો આ અવાજ ફક્ત રોડ રસ્તા સુધી જ કે મીડિયા સુધી સીમિત ન રહેવો જોઈએ. હવે આ અવાજ વિધાનસભામાં પણ ગૂંચવો જોઈએ.
એટલા માટે અમે નક્કી કર્યું છે કે આમ આદમી પાર્ટીના મહિલા મોરચા વતી હું ભાજપના 156 ધારાસભ્યોને રાખડી સાથે એક પત્ર લખીને મોકલીશ. જેમાં હું કહીશ કે ગુજરાતની મહિલાઓની પીડા છે તેને વાચા આપો અને સરકારના બહેરા કાન ખોલો. સાથે સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને પણ રાખડી અને પત્ર મોકલવામાં આવશે અને અન્ય પાર્ટીના લોકોને પણ રાખડી અને પત્ર મોકલવામાં આવશે. અમે આ મોંઘવારી ઘટાડવાની માંગને બુલંદ રાખીશું અને રક્ષાબંધનની ભેટરૂપે તેની માંગણી કરીશું.