“ગુજરાત રાજ્ય વૈવિધ્યસભર કૃષિ અને બાગાયતી પાકોના ઉત્પાદનનોની વિશાળ શ્રેણી અને કનેક્ટિવિટીની દ્રષ્ટિએ મજબૂત સાનુકૂળ પરિસ્થિતિઓ પ્રદાન કરે છે. રાજ્ય ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની બાબતમાં ઉચ્ચ ક્રમાંકિત રાજ્યોમાંનું એક છે.” – મંત્રી શ્રી રાઘવજી પટેલ
ગાંધીનગર, 05 ડિસેમ્બર, 2023: 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધરૂપે ‘એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટર માટે ગુજરાતની લોજિસ્ટિક સ્ટ્રેન્થનો લાભ’ વિષય પર 7 ડિસેમ્બર, 2023ના રોજ આણંદમાં અમૂલના સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે પ્રિ-વાયબ્રન્ટ સેમિનાર આયોજિત થશે.
આ સેમિનારનું આયોજન ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અને માનનીય કૃષિ, પશુપાલન, ગાય સંવર્ધન અને મત્સ્યોદ્યોગના મંત્રી શ્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે. માનનીય રાજ્યમંત્રી (સહકાર)- સ્વતંત્ર હવાલો શ્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) અને માનનીય કૃષિ રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ પણ આ સેમિનારમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ સરકાર અને ખાનગી ક્ષેત્ર માટે રાજ્યની માળખાકીય અને લોજિસ્ટિકલ ક્ષમતાઓ અંગે સહયોગ અને ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે.
આ ક્ષમતાઓએ 30,000થી વધુ ફૂડ પ્રોસેસિંગ એકમોની સ્થાપનામાં યોગદાન આપ્યું છે અને સરપ્લસ ઉત્પાદનોમાં મૂલ્યવર્ધનના અવકાશને વિસ્તરિત કર્યો છે, જેનો શ્રેય એક્સપોર્ટ્સ માટેની સુધરેલી કનેક્ટિવિટીને જાય છે. આ કાર્યક્રમ આણંદમાં અમૂલ ઓડિટોરિયમના સહયોગથી યોજાશે.
આ કાર્યક્રમની શરૂઆત GAICL મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ડી એચ શાહ (IAS) દ્વારા સ્વાગત પ્રવચન સાથે કરવામાં આવશે. ત્યારબાદ ગુજરાત સરકાર પર એક ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવશે.
ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન, ગાય સંવર્ધન અને મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ; રાજ્ય મંત્રી (સહકાર)- સ્વતંત્ર હવાલો શ્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ); ગુજરાત સરકારના રાજ્ય કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ; કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ.કે. રાકેશ (IAS); નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. મીનેશ શાહ; રસના પ્રા.લિ. ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પિરુઝ ખંભાતા અને IIM-A ના વિઝિટિંગ પ્રોફેસર શ્રી વસંત ગાંધી આ કાર્યક્રમમાં સંબોધન કરશે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જયેન મહેતા આભારવિધિ કરશે.
આ પ્રિ-વાયબ્રન્ટ સમિટમાં ત્રણ સત્રો યોજાશે, જેમાં ઇન્ડસ્ટ્રી અને શિક્ષણ જગતના પેનલિસ્ટ્સ જોડાશે અને નીચે જણાવેલા વિષયોને આવરી લેશે:
1. વાયબ્રન્ટ ગુજરાત: જ્યાં વિકાસ એક સ્વાભાવિક પ્રક્રિયા છે
2. ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ માટે ફૂડ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ
3. હરિત, શ્વેત અને વાદળી (ગ્રીન, વ્હાઇટ અને બ્લૂ)ની મદદથી ગુજરાત ગ્લોબલ ફૂડ પ્લેટરને મજબૂત બનાવશે
પેનલ ચર્ચામાં નવા સ્ટાર્ટઅપ્સ માટે ઇન્ક્યુબેશન સપોર્ટ, ક્લસ્ટર-સેન્ટ્રિક એક્સપોર્ટ, ફૂડ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ માટે બ્લોકચેઇન સુધીના વિવિધ વિષયોનો સમાવેશ થશે. NDDB, રસના, UPL, IBM, કન્સલ્ટિંગ, ટાટા સોલફુલ, APEDA, IIMR, નેડસ્પાઇસ ઇન્ડિયા અને હેરિસન્સ વેન્ચર્સ જેવી સંસ્થાઓના પ્રતિષ્ઠિત વક્તાઓ તેમના મંતવ્યો રજૂ કરશે.
માનનીય રાજ્યમંત્રી (સહકાર) શ્રી જગદીશ વિશ્વકર્માએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, “ગુજરાતમાં કૃષિ અને સહકારી ડેરીઓનું મંડળ મજબૂત છે, જ્યારે આણંદ સહકારી ચળવળનું કેન્દ્ર છે.
એગ્રી અને ફૂડ પ્રોસેસિંગમાં તકનીકી પ્રગતિ સાથે મૂલ્યવર્ધન એ જ ભવિષ્યનો માર્ગ છે.”
કાર્યક્રમ દરમિયાન કેટલાક એમઓયુ પર સાઇન થવાની અપેક્ષા છે. આ સમિટમાં દેશભરમાંથી 1500 થી વધુ પ્રતિભાગીઓની સહભાગિતાની અપેક્ષા છે, જેઓ ઉદ્યોગ, શિક્ષણ અને સરકારનું પ્રતિનિધિત્વ કરે છે.
GAICના MD એ જણાવ્યું કે, “વિકસિત ભારત @2047 ને સાકાર કરવાની અમારી યાત્રામાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટર પ્રમુખ યોગદાન આપવા માટે સજ્જ છે.
ભારત સરકાર દ્વારા આ ક્ષેત્રને આપવામાં આવેલા ઇનપુટને અનુરૂપ, ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ 2022 માં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટરને એક મહત્વના સેક્ટર તરીકે ઓળખ્યું છે. અમે આ પ્રી-વાઈબ્રન્ટ ઈવેન્ટ દ્વારા ઉદ્યોગોને આમંત્રિત કરીએ છીએ કે તેઓ તેમાં સહભાગી થાય અને તેનો લાભ ઉઠાવે.”
એસોચેમ ગુજરાત કાઉન્સિલની એગ્રો-ફૂડ પ્રોસેસિંગ કમિટીના અધ્યક્ષ શ્રી ધવલ રાવલ દ્વારા આભાર વિધિ સાથે સેમિનારનું સમાપન થશે.
રિપોર્ટ ભૂમિકા પંડ્યા