22મી જાન્યુઆરીએ અમદાવાદમાં એક વિરલ ઘટના બની ગઈ.
ધર્મજાગૃતિ કેન્દ્ર ના ઉપક્રમે આજે સવારે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે આવેલ એચ.ટી.પારેખ હોલમાં શાસન સમ્રાટ સમુદાયના જૈનાચાર્ય પરમ પૂજ્ય શ્રી નંદીઘોષ સુરી મહારાજ સાહેબ ની શુભનિશ્રા માં અને વિશ્વના જાણીતા વૈજ્ઞાનિક ડૉ.પંકજભાઈ જોશી ના મુખ્ય મહેમાન પદે તથા શેઠ હઠીસિંગ કેસરીસિંહ ટ્રસ્ટના ટ્રસ્ટી ગૌરવભાઈ શેઠના અતિથિ વિશેષ પદે સૌ પ્રથમવાર એક સાથે વીસ વૈજ્ઞાનિકોનું સન્માન. આ કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી ધર્મ જાગૃતિ કેન્દ્રએ મને સોંપી હતી. તેઓનું લિસ્ટ નીચે પ્રમાણે હતું.
ડૉ. પંકજભાઈ જોશી, ડૉ.રાજમલ જૈન , ડૉ. નરેન્દ્રભાઈ ભંડારી ,ડૉ.પ્રભુદાસ ઠક્કર,ડૉ.સુરેન્દ્રસિંહ પોખરાણા, ડૉ.સુધીર શાહ , ડૉ.જે જે રાવલ, ડૉ.વિઠ્ઠલભાઈ પટેલ ,ડૉ.પદ્મનાથ જોશી ,ડૉ.સુશ્રુત પટેલ ,ડૉ.દિલીપ ભટ્ટ , શ્રી ધનંજયભાઈ રાવલ, ડૉ.કિશોર પંડ્યા , ડૉ.સુરીલ શાહ ,
ડૉ.સંજય પંડ્યા ,ડૉ.દર્શન વ્યાસ , ડૉ.મનીષ ગુપ્તા , ડૉ.મેઘા ભટ્ટ,અને ડૉ.સી.એમ.નાગરાની.
આટલા બધા વૈજ્ઞાનિકોને એક જ તારીખે એક જ જગ્યાએ ભેગા કરવા અઘરા હતા. પરંતુ મારા પ્રત્યે એ સૌનો વિશ્વાસ અને તેમની સરળતાને કારણે મારા એક ફોન કોલ થી આ કાર્યક્રમમાં હાજર રહેવાની સંમતિ આપી.
કાર્યક્રમનો હેતુ વિજ્ઞાનીઓનો સન્માન કરવાનું તો હતો. પરંતુ સાથે સાથે આટલા બધા વૈજ્ઞાનિકો એકબીજાને મળી શકે, એકબીજાની નવી નવી ઉપલબ્ધીઓ જણાવી શકે, તેમ જ કાર્યક્રમમાં હાજરી આપનાર વિજ્ઞાનમાં રસ ધરાવનાર લોકો પણ આ બધા જ વૈજ્ઞાનિકોને સરળતાથી મળી શકે, વાતચીત કરી શકે, ફોટોગ્રાફ લઈ શકે, ઓટોગ્રાફ લઈ શકે,સેલ્ફી લઈ શકે તેવો હેતુ હતો. એટલા માટે અમે કાર્યક્રમની શરૂઆત પહેલા સવારે ટી પાર્ટીનું આયોજન કર્યું. આ કાર્યક્રમમાં સૌએ ઉલ્લાસભેર ભાગ લીધો. ત્યારબાદ બરાબર દસ વાગે કાર્યક્રમની શરૂઆત થઈ. જૈનાચાર્ય પરમ પૂજ્ય શ્રી નંદીઘોષ સુરી મહારાજ સાહેબનું મંગલાચરણ પછી પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું. ત્યાર બાદ તેમણે ધર્મ અને વિજ્ઞાન તેમજ ધર્મનું ખરો અર્થ સમજાવ્યો. તેમણે ડોક્ટર પી.સી. વૈદ્ય, ડો. જયંત નાર્લિકર ડોક્ટર, એ.પી.જે. અબ્દુલ કલામ, ડો. જે જે રાવલ અને ડો. પંકજ જોશી વિશે ઘણી બધી વાતો કરી.
ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા ડોક્ટર પંકજ જોશી એ પ્રસંગિક પ્રવચન આપ્યું. તેમણે ભારતમાં ઉચ્ચ અભ્યાસ અને રિસર્ચ વર્કનું યોગ્ય વાતાવરણ નહીં હોવાની ચિંતા વ્યક્ત કરી. તેઓ ભારતમાં રહીને જ વિદ્યાર્થીઓ ખગોળશાસ્ત્રમાં આગળ કઈ રીતે વધે તેના ઉપર પ્રકાશ પાડ્યો. આ કામમાં તેઓ કઈ રીતે મદદ કરી શકે તેની વાત પણ જણાવી.
ત્યારબાદ વૈજ્ઞાનિકોના સન્માનનો કાર્યક્રમ શરૂ થયો. આ કાર્યક્રમનું સંચાલન મારા હાથમાં હતું એટલે દરેક વૈજ્ઞાનિકના સન્માન વખતે તેમની સાથે બનેલી વિચિત્ર ઘટના અથવા તેમની ઉપલબ્ધિઓના મહત્વના મુદ્દા ભાગ લેનાર સૌને જણાવ્યા. જે નીચે પ્રમાણે છે.
૧. અહીં એવા વૈજ્ઞાનિકો બેઠા છે કે જેમને પાગલ સમજીને મેન્ટલ હોસ્પિટલ ભેગા કરી દીધા હોય.
૨. અહીં એવા ગણિતશાસ્ત્રી બેઠા છે કે જેમણે સમગ્ર જીવન વિદેશોમાં કાર્ય કર્યું હોય અને નિવૃત્તિ પછી પોતાના ગામમાં જાજરૂ બાથરૂમ સાફ કરીને ગામના ગાંધીજી તરીકે ઓળખાયા હોય.
૩. અહીં એવા વૈજ્ઞાનિકો બેઠા છે કે જેઓ ભારતની સંસ્કૃતિ, ધર્મ અને અહિંસાનો સંદેશો સમગ્ર દુનિયામાં ફેલાવ્યો હોય. છેક યુનો સુધી.
૪. અહીં એવા વૈજ્ઞાનિકો બેઠા છે કે જેઓ કામ અર્થે કોઈના ઘરે રોકાયા હોય ત્યારે જેમ તેમ સમય બગાડ્યા વગર તેમના બાળકોને કવોન્ટમ ફિઝિક્સ અને અંગ્રેજી શીખવાડવા બેસી જતા હોય.
૫. અહીં એવા વૈજ્ઞાનિકો બેઠા છે કે જેમણે જગવિખ્યાત સ્ટીફન હોકિન્સની થિયરીના ચેલેન્જ આપી હોય. તેઓ દુનિયાના ગણ્યા ગાંઠિયા વૈજ્ઞાનિકોમાંના એક હોય.
૬. અહીં એવા વૈજ્ઞાનિકો બેઠા હોય કે જેમણે તેમને તૈયાર કરેલા ઉપગ્રહ દ્વારા સૌ પ્રથમ વખત સૌર કોરાનામાં આર્યન અને નિકલ શોધી કાઢ્યા હોય.
૭. અહીં એવા વૈજ્ઞાનિકો બેઠા છે કે જેમણે શનિ અને યુરોનસ ની બહારના વલયો, નેપ્ચ્યુન ની રીંગ, ગુરુ ગ્રહના નવા ઉપગ્રહોની આગાહી કરી હોય અને વર્ષો પછી નાસાએ તેનું સમર્થન કર્યું હોય.
૮. અહીં એવા વૈજ્ઞાનિકો પણ બેઠા છે કે જેઓ પોતાની યુવાનીમાં મોજશોખ કરવાને બદલે વિદ્યાર્થીઓને વિજ્ઞાનના શિક્ષણમાં રચ્યા પર્ચા રહેતા હોય.
કાર્યક્રમને અંતે ભવ્ય ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વ્યક્તિઓ વિજ્ઞાનના વિચારોની આપ લે કરતા જોવા મળ્યા, દરેક વૈજ્ઞાનિકોના મુખેથી એક જ વાત હતી કે આટલા બધા વૈજ્ઞાનિકો કોઈ કોન્ફરન્સમાં પણ ભેગા થતા નથી જે આજના કાર્યક્રમમાં ભેગા થયા છે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે મેં એક ફેસબુક પોસ્ટ મૂકી હતી.ત્યારબાદ ઘણા બધા વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રેમીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. અહીં અમારી અપેક્ષા કરતાં પણ વધારે વ્યક્તિઓએ હાજરી આપી હતી. તેનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે આજે પણ લોકોને વિજ્ઞાન પ્રત્યે એટલો જ પ્રેમ છે.
એવું નક્કી કરવામાં આવ્યું કે હવે પછી આવા કાર્યક્રમ નિયમિતપણે યોજવામાં આવે તો ઘણા બધા યુવાનો ભારતમાં રહીને પણ રિસર્ચ વર્ક કરી શકશે આ પ્રસંગે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેકનું હું ખૂબ ખૂબ આભાર માનું છું.