શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર અરવલ્લીની ગિરિમાળાઓમાં પહાડો ની વચ્ચે આવેલું શક્તિપીઠ છે. અંબાજી ખાતે મા અંબા ના મંદિર સિવાય વિવિધ ભગવાનના મંદિર આવેલા છે.
અંબાજી ખાતે દેશ વિદેશમાંથી માતાજીના ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે. આગામી દિવસોમાં 12 થી 16 ફેબ્રુઆરીના રોજ ગબ્બર ખાતે ગબ્બર પરિક્રમા યોજાવા જઈ રહી છે ત્યારે દેશ વિદેશમાંથી ભક્તો અંબાજી ખાતે દર્શન કરવા આવતા હોય છે.
અંબાજીના સ્થાનિક લોકો પણ ફેબ્રુઆરી મહિનાના પ્રથમ ગુરુવારે અંબાજી થી આબુરોડ પગપાળા ચાલતા જાય છે અને આબુરોડ માનપુર ખાતે આવેલા સાઈધામ મંદિર પર ધજા અર્પણ કરે છે.
સાઈ મિત્ર મંડળ અંબાજી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજી થી આબુરોડ માનપુર ખાતે પગપાળા સંઘ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો પગપાળા ચાલતા આબુરોડ પહોંચ્યા હતા. સાઈ મિત્ર મંડળ દ્વારા પગપાળા આવતા ભક્તો માટે સિયાવા ગામે વિશાળ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
ભંડારામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ત્યારબાદ રથ અને ધજા સાથે ભક્તો ઓમ સાઈ રામ ઓમ સાઈ રામ કરતા કરતા આબુરોડ માનપુર ખાતે પહોંચીને સાઈધામ મંદિરના દર્શન કર્યા હતા અને ત્યારબાદ તેમને મંદિર પર ધજા પણ ચઢાવી હતી.દાંતા તાલુકાના લોકો મોટી સંખ્યામાં આબુરોડ માનપુર ખાતે મહિનામાં ઘણી વખત ગુરુવારે સાઈબાબા ના દર્શન કરવા વાહનો દ્રારા કરવામાં જતા હોય છે.
પરંતુ ફેબ્રુઆરી મહિનાના પ્રથમ ગુરુવારે સાઈ મિત્ર મંડળ દ્વારા છેલ્લા 20 વર્ષથી આ સાઈ યાત્રા શરૂ કરાઈ છે જે આજ દિન સુધી ચાલુ છે. અંબાજીના સ્વ.મુરલી ભાઈ સિંધી અને સ્વ.કનુભાઈ પટેલ દ્વારા વર્ષો પહેલા અંબાજી થી સાઈબાબા મંદિરની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાઈ મિત્ર મંડળના રાજુભાઈ મોદી, લોકેશભાઈ સેઠી, વિજય ભાઈ દવે, કિશોરભાઈ જોશી સહીત સાઈ મિત્ર મંડળના સભ્યો હાજર રહ્યા હતા.
:- અંબાજીના ભક્તો પણ વર્ષમાં એકવાર આબુરોડ ચાલતા જાય છે :-
અંબાજી ખાતે દેશભરમાંથી ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે પરંતુ અંબાજીના લોકો પણ વર્ષમાં એકવાર અંબાજી થી આબુરોડ માનપુર ખાતે પગપાળા ચાલતા આબુરોડ જાય છે અને રસ્તામાં વિવિધ ખાનગી દાતા દ્વારા નાસ્તા અને પેકેટની વ્યવસ્થા કરવામાં આવે છે અને સીયાવા ખાતે વિશાળ ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે.
અને સાંજે આબુરોડ માનપુર ખાતે આવેલા સાઇધામ મંદિર પર દર્શન કરીને મંદિર પર ધજા પણ ભક્તો ચઢાવે છે. ભક્તો સાઈ બાબાના દર્શન કર્યા બાદ દ્વારકા માઈ ની પણ ફેરી લગાવે છે.
અંબાજી પ્રહલાદ પૂજારી