એક જ જન્મમાં, એક સાથે અને એક જ જગ્યાએ ૫૧ શક્તિપીઠના દર્શન કરવાનો અમૂલ્ય અવસર એટલે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા
વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ધર્મ અને સંસ્કૃતિના સમન્વયને ઉજાગર કરતા શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની સફળતા બાદ દેશના જુદા જુદા રાજ્યના શ્રધ્ધાળુઓ ૫૧ શક્તિપીઠની પરિક્રમા કરવા પધારી રહ્યા છે ત્યારે ભારત-ભારતી સંસ્થા દ્વારા પરપ્રાંતીય લોકો માટે અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું સૌપ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે. પરિક્રમામાં જવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેક્ટરશ્રી વરૂણ બરનવાલ અને ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકરે પાલનપુર ગુરૂનાનક ચોક ખાતેથી બસનું પ્રસ્થાન કરાવ્યું હતું. ગુજરાત સહિત રાજસ્થાન, હરિયાણા, પંજાબ વગેરે રાજ્યના લોકો ૫૧ શક્તિપીઠની પરિક્રમામાં જોડાય તે માટે ભારત- ભારતી સંસ્થા દ્વારા પ્રવાસનું આયોજન કરવામાં આવે છે.
આ પ્રસંગે કલેક્ટરશ્રી વરૂણ બરનવાલે શ્રધ્ધાળુઓને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, પાલનપુર ખાતે રહેતા દેશના વિવિધ પ્રાંતના લોકો માટે ભારત-ભારતી સંસ્થા દ્વારા અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. દેશના જુદા જુદા રાજ્યના લોકો પોતાના તહેવારો અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠના મંદિરો પર મનાવી શકે તેવી જાગૃતતા આવે તે માટે આ પ્રવાસનું આયોજન કરાયું છે.
પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઇ ઠાકરે જણાવ્યું કે, આપણે ખુબ નસીબદાર છીએ કે મા અંબાનું ધામ અને ૫૧ શક્તિપીઠની ખુબ નજીકમાં પાલનપુર શહેર આવેલું છે. આપણા આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લોકોની આધ્યાત્મિક અને ધાર્મિક લાગણીને માન આપી અંબાજી ખાતે ૫૧ શક્તિપીઠોનું નિર્માણ કરાવ્યું છે. દેશના વિવિધ રાજ્યના લોકોની કુળદેવીના મંદિરો અંબાજીમાં આવેલા છે.
તેમણે કહ્યું કે, બંગાળના રહેવાસીઓ માટે છેક બંગાળ સુધી ન જવું પડે તેવી સરસ વ્યવસ્થા અંબાજી ખાતે કરવામાં આવેલી છે. આજે પાલનપુર શહેરથી આ નવી શરૂઆત થઇ રહી છે ત્યારે આયોજક મિત્રોને અભિનંદન પાઠવું છું.
ભારત-ભારતી સંસ્થાના શ્રી અભિષેકભાઇ મહેશ્વરીએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે, વિવિધ રાજ્યો અને વિદેશમાં આવેલા ૫૧ શક્તિપીઠોનું નિર્માણ સરકાર દ્વારા એક જ જગ્યાએ કરવામાં આવેલું છે તેનાથી તમામ શક્તિપીઠોના દર્શનનો લ્હાવો અહીંયા મળે છે. જ્યારે આકાંક્ષા મહેશ્વરીએ જણાવ્યું કે, આજે અમે ૫૧ શક્તિપીઠના દર્શન કરી માતા રાનીના આશીર્વાદ મેળવીશું.
એક જ જન્મમાં, એક સાથે, એક જ જગ્યાએ ૫૧ શક્તિપીઠના દર્શન કરવાનો અમૂલ્ય અવસર એટલે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા. વિશ્વભરમાં બિરાજમાન ૫૧ શક્તિપીઠો પૈકી માઁ નું હૃદય અવલ્લીની ગિરિમાળામાં ધબકે છે. ભારત ઉપરાંત નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, તિબેટ અને બાંગ્લાદેશમાં તથા ભારતના વિભિન્ન રાજ્યો જેવા કે, પશ્ચિમ બંગાળ, બિહાર, ત્રિપૂરા, મેઘાલય, તામિલનાડુ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આસામ, હિમાચલપ્રદેશ, હરિયાણા, પંજાબ, ઓરિસ્સા, રાજસ્થાન, કાશ્મીર જેવા રાજ્યોમાં સ્થિત મૂળ શક્તિપીઠોની આબેહૂબ પ્રતિકૃતિઓનું અંબાજી ગબ્બર ખાતે ૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગમાં નિર્માણ કરવામાં આવેલું છે. વિશ્વભરમાં બિરાજમાન ૫૧ શક્તિપીઠના એક સાથે દર્શન કરવા એ જીવનનો એક લ્હાવો છે.
અંબાજી પ્રહલાદ પૂજારી