જામનગર: , જામનગર શહેરની ઐતિહાસિક ધરોહર એવા ભૂજીયાકોઠા કે જેનું હાલમાં રેસ્ટોરેશન કામ ચાલી રહ્યું છે, અને મોટાભાગે ૬૫ ટકા જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા અંદાજે ૨૫ કરોડના ખર્ચ સાથે ભુજીયા કોઠા નું રેસ્ટોરેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
ભૂકંપ વખતે ભૂજીયાકોઠા નો ઉપરનો હિસ્સો ધસી પડ્યો હતો, અને ભારે નુકસાન થયું હતું. ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા જામનગરની ઐતિહાસિક ધરોહર ને પુનઃસ્થાપિત કરવા માટે રાજ્ય સરકાર પાસેથી ખાસ મંજૂરી માંગવામાં આવી હતી,
અને તે મુજબની ગ્રાન્ટ પણ મળી છે. જે સ્થળની જામનગરના ૭૯- દક્ષિણ વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને સમગ્ર કામગીરી અંગેની જાત માહિતી મેળવી હતી.
જેઓની સાથે જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા જોડાયા હતા, જેઓ સમગ્ર કામગીરી નું મોનિટરિંગ કરી રહ્યા છે. સાથો સાથ જામનગર મહાનગરપાલિકાના શાસક જૂથ ના દંડક કેતનભાઇ ગોસરાણી, જામનગર મહાનગરપાલિકાના પ્રોજેક્ટ પ્લાનિંગ વિભાગના અધિકારી રાજીવ જાની અને તેમની ટીમ પણ જોડાઈને સંપૂર્ણ માહિતી આપી હતી.
આગામી પાંચ મહિનામાં ભૂજિયા કોઠા નું રેસ્ટોરેશન કાર્ય પૂર્ણ કરી લેવાશે, અને લોકોના નિદર્શન માટે ખુલ્લો મૂકી દેવાય તેમ જાણવા મળી રહ્યું છે. ધારાસભ્ય દિવ્યેશભાઈ દ્વારા સમગ્ર રેસ્ટોરેશન કામ અને ભૂજિયા કોઠાની ઐતિહાસિક ધરોહર સંપૂર્ણ પણે જળવાયેલી રહે, તે બાબતે મહાનગરપાલિકાના અધિકારીઓને વિશેષ સૂચના આપી હતી.