અમદાવાદ, સંજીવ રાજપૂત: વૈશ્વિકસ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોની ફ્લેગશિપ ઈન્ક્યુબેટર અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડની પેટાકંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે બર્ડ સ્ટ્રાઈક ઘટાડવા અનેક અગ્રણી પહેલો હાથ ધરી છે. દેશમાં સૌપ્રથમ વાર થઈ રહેલી કેટલીક પહેલોથી પક્ષીઓના હુમલામાં નોંધપાત્ર ઘટાડો થાય છે. મુસાફરો અને વિમાન બંનેની સુરક્ષામાં તેનાથી વધારો થાય છે.
બર્ડ સ્ટ્રાઈકને અગાઉથી સમજવી બર્ડ હીટ ઉડ્ડયન સુરક્ષા માટે ગંભીર જોખમ ઊભું કરે છે. જ્યારે પક્ષીઓ વિમાન સાથે અથડાય છે, ત્યારે તેઓ એન્જિન, વિન્ડશિલ્ડ અને અન્ય મહત્વપૂર્ણ ઘટકોને નુકસાન પહોંચાડી શકે છે, જે સંભવિત ગંભીર અકસ્માતો સર્જે છે. આ જોખમને ઘટાડવા SVPI એરપોર્ટે વ્યાપક પક્ષી વ્યવસ્થાપન કાર્યક્રમ અમલમાં મૂક્યો છે.
ભારતમાં એરપોર્ટ પર પ્રથમ વખત શરૂ કરાયેલી પહેલોમાં સમાવેશ થાય છે:ટાર્ગેટેડ વનસ્પતિ વ્યવસ્થાપન: પક્ષીઓ માટે એરપોર્ટનું આકર્ષણ ઘટાડવા ખાસ પ્રકારના ઘાસ વૃદ્ધિચક્રની વ્યવસ્થાપન વ્યૂહરચના લાગુ કરવામાં આવી છે. યોગ્ય છોડ વૃદ્ધિ નિયમનકારો અને પક્ષી અવરોધકોનો ઉપયોગ કરી SVPI એરપોર્ટ વનસ્પતિના વિકાસને નિયંત્રિત કરવામાં અને પક્ષીઓને ચારો લેવાથી નિરુત્સાહિત કરવામાં સક્ષમ બન્યું છે. પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર્સે ઘાસની ઊંચાઈ અને જંતુઓનો ઉપદ્રવ ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
જંતુ નિયંત્રણ: પક્ષીઓ માટે જંતુના શિકારની ઉપલબ્ધતા ઘટાડવા એરપોર્ટે જંતુઓના ઉપદ્રવને દૂર કરવા માટે વ્યાપક સોઈલ ટ્રીટમેન્ટ હાથ ધરી છે. તેમાં ખાસ કરીને સમડીને આકર્ષતી પાંખવાળી ઉધઈનો સમાવેશ થાય છે. અદ્યતન જંતુ આકર્ષણ તકનીકોમાં ફેરોસ લાઇટ ટ્રેપ અને બ્લેક લાઇટ ટ્રેપનો ઉપયોગ જંતુઓને મોટી માત્રામાં પકડવા માટે કરવામાં આવે છે, જે પક્ષીઓના ખોરાકના સ્ત્રોતોને વધુ ઘટાડે છે.
ભૌતિક અટકાવ: પક્ષીઓને એરપોર્ટ સ્ટ્રક્ચર્સ પર બેસતા અટકાવવા હાયપર અર્બન બર્ડ મેનેજમેન્ટ ટેક્નોલોજીને અનુરૂપ કસ્ટમાઇઝ્ડ એન્ટી-પર્ચિંગ ડિવાઇસ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. કબૂતરોની અવરજવર મર્યાદિત કરવા માટે તે પેટન્ટ ટેક્નોલોજી છે; જેનાથી એરપોર્ટની ઇમારતોમાં પક્ષીઓનો ઉપદ્રવ 95% થી વધુ ઘટ્યો છે.
વન્યજીવ વ્યવસ્થાપન: સમસ્યારૂપ વન્યજીવ પ્રજાતિઓની એરપોર્ટ કામગીરીમાં અસર ઘટાડવા માટે નિયુક્ત વિસ્તારોમાં સુરક્ષિત રીતે સ્થાનાંતરિત કરવામાં આવે છે. SVPIA પક્ષીઓની પાંચ પ્રજાતિઓ સહિત વન્યજીવોના વૈજ્ઞાનિક સ્થાનાંતરણ માટે દેશમાં આ પ્રકારનો પ્રથમ કાર્યક્રમ ચલાવે છે.
એકોસ્ટિક ડિટરન્સ: પક્ષીઓને રોકવા માટે એરપોર્ટ વાહનો પર અને રનવેની પેરિફેરી પર કસ્ટમાઇઝ્ડ બાયોકોસ્ટિક્સ સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવામાં આવી છે.
સામુદાયિક જોડાણ: એરપોર્ટની આસપાસના વિસ્તારમાં પક્ષીઓના ખોરાક અને કચરાને ટાળવાના મહત્વ વિશે લોકોને શિક્ષિત કરવા એરપોર્ટ નિયમિતપણે સ્થાનિક સમુદાયો સાથે જોડાય છે.
સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ- અમદાવાદ સલામતીના ધોરણોને વધારવા અને તમામ મુસાફરોને સલામત અને સીમલેસ મુસાફરીનો અનુભવ પ્રદાન કરવા અદ્યતન અને ઉદ્યોગ-અગ્રણી સોલ્યુશન્સનો અમલ કરવા માટે પ્રતિબદ્ધ છે.
નોંધ: પક્ષી સંકટ વ્યવસ્થાપન માટે અપનાવવામાં આવેલ તમામ મોડ્યુલો અને તકનીકો નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા પ્રદાન કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર બનાવવામાં આવી છે.