બનાસકાંઠા, સંજીવ રાજપૂત: બનાસકાંઠા જિલ્લાના ભારત-પાકિસ્તાન સરહદ નજીક આવેલા ગામોમાં સુરક્ષા વધુ સુનિશ્ચિત કરાઈ છે. રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સરહદી વિસ્તારના નાગરિકોની સલામતી માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ છે.
રાજ્ય સરકારના નિર્દેશોના પગલે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરહદી ગામોમાં આધુનિક સાયરન એલર્ટ સિસ્ટમ સ્થાપિત કરાઈ છે, જેનાથી ગામ લોકોની સુરક્ષા વધુ મજબૂત બની છે.
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલએ જણાવ્યું કે, તાજેતરની પરિસ્થિતિઓને ધ્યાને લઈને વાવ અને સુઈગામ તાલુકાના આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા ગામડાઓમાં સિવિલ ડિફેન્સ સાયરન સિસ્ટમ લગાવામાં આવી હતી.
આ સાયરન સાડા ત્રણ કિલોમીટરની રેન્જ ધરાવે છે. શરૂઆતમાં વાવ – સૂઇગામના સરહદી વિસ્તાર ધરાવતા ૨૨ ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ હતી. જ્યારે હવે વાવ – સુઈગામના તમામ ૧૨૨ ગામોમાં સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ છે.
વાવના ૪૩ જ્યારે સુઈગામના ૭૯ ગામોમાં ગ્રામ પંચાયત, ડેરી, શાળા વગેરે સ્થળોએ સાયરન સિસ્ટમ સ્થાપિત કરાઈ છે. કોઈપણ પરિસ્થિત ઊભી થાય તો આગમચેતીના ભાગરૂપે જિલ્લાના પોલીસ સ્ટેશન ખાતે પણ સાયરનની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ સાથે તમામ તાલુકાઓના હેડક્વાર્ટર ખાતે આઠ કિલોમીટરની રેન્જ ધરાવતા સાયરન લગાવવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકોને અગાઉથી ચેતવણી આપવા માટે સાયરન ઇન્સ્ટોલ કરાયા છે.
સુઈગામ પ્રાંત અધિકારી ડૉ.અરવિંદ કુમાર પ્રજાપતિએ જણાવ્યું કે, સરહદી વિસ્તારમાં સાયરન સિસ્ટમ અગત્યનો ભાગ ભજવે છે. વાવ સુઈગામ વિસ્તારના તમામ ગામોમાં સાયરન સિસ્ટમ લગાવતા હવે નાગરિકોની સુરક્ષા વધુ મજબૂત કરી શકાઈ છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ સાયરન માટે મોક ડ્રીલ અને તાલીમનું પણ આયોજન કરાયું હતું.
તત્કાલિક નાગરિક પ્રતિભાવ માટે સાયરન સિસ્ટમ અગત્યનો ભાગ ભજવે છે. સરહદી વિસ્તારના લોકો કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વેલ ટ્રેઈન બન્યા છે. નવી ટેકનોલોજી થકી છેવાડાના સરહદી તાલુકાના નાગરિકોની ચિંતા કરવા બદલ તેઓ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો નાગરિકો વતી આભાર વ્યક્ત કરે છે.
સરહદી વિસ્તાર દુધાસણ ગામના ગૌસ્વામી ગૌતમપુરી જણાવે છે કે, મારું ગામ આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલું ગામ છે. અમારા ગામમાં સરકાર દ્વારા સાયરન સિસ્ટમ લગાવામાં આવી છે. જ્યારે પણ સાયરન વાગે ત્યારે અમે સાવચેત થઈ જઈએ છીએ તથા ગામની વીજળીની લાઇટ બંધ કરીએ છીએ. તેઓ રાજ્ય સરકાર, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કરે છે.
દુધાસણ ગામના ઠાકોર રક્ષીસભાઈ જણાવે છે કે, પાકિસ્તાન સરહદે આવેલા અમારા ગામમાં અફવાઓ ફેલાતી હતી તેનાથી અમે લોકો ડરતા હતા પરંતુ રાજ્ય સરકારએ અમારા ગામમાં સાયરન સિસ્ટમ લગાવી છે જેનાથી અમોને વધુ સુરક્ષાઓ પ્રદાન થઈ છે. તેઓ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરે છે.
સરહદી વિસ્તાર બોરુ ગામના જગદીશભાઈએ જણાવ્યું કે, તાજેતરમાં તંગદિલી પરિસ્થિતિમાં સોશિયલ મીડિયામાં ચાલતી વિવિધ અફવાઓથી અમે ડરતા હતા પરંતુ રાજ્ય સરકારે અમારી સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગામમાં સાયરન સિસ્ટમ લગાવી છે. હવે અમે સુરક્ષિત સ્થળોએ તત્કાલિક પહોંચી શકીશું. તેઓ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારશ્રી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરહદી વિસ્તારોમાં શાંતિ, સુરક્ષા અને વિકાસ એકસાથે આગળ વધે તે માટે અનેક પગલાં લીધા છે. રાજ્ય સરકારે સરહદી વિસ્તારના નાગરિકોની ચિંતા કરીને સાયરન સિસ્ટમ સ્થાપિત કરતા નાગરિકો વધુ સુરક્ષિત બન્યા છે. આ સિસ્ટમ થકી કોઈપણ આપત્તિ કે અચાનક હુમલાની સ્થિતિમાં તરત જ ગામ લોકોને એલર્ટ કરી શકાય છે. સાયરનના અવાજથી લોકો તરત જ સલામત સ્થળે પહોંચવાનું શરૂ કરી શકે છે, જે તેમનું જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.