જામનગર, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગરના હેઠળની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રાજય કલા સ્પર્ધામાં ચિત્રકામ વિભાગમાં વિજેતા થયેલ કલાકારોના ચિત્રોનું શહેરના ટાઉન હોલ ખાતે પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું.તા.22 તથા 23 માર્ચ સુધી યોજાયેલ આ પ્રદર્શનનો જામનગરવાસીઓએ બહોળી સંખ્યામાં લાભ લઈ કલાકારોની કલાને બિરદાવી હતી.
ચાર દિવસના આ વર્કશોપમાં ચિત્રકારોએ તૈયાર કરેલા ચિત્રોનું પ્રદર્શન રિલાયન્સના જનસંપર્ક અધિકારી આશિષભાઈ ખારોડના હસ્તે ટાઉનહોલ આર્ટ ગેલેરી ખાતે ખુલ્લુ મુકાયું હતું.આ પ્રસંગે જયેશભાઈ વાઘેલા તથા પ્રબુદ્ધ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉદ્ઘાટક આશિષભાઈ ખારોડે રાજ્ય સરકાર દ્વારા સાહિત્ય કલા અને સંસ્કૃતિના સંવર્ધન માટે થતી પ્રવૃત્તિઓની આ તકે સરાહના કરી હતી અને નવોદિત ચિત્રકારોને તજજ્ઞો પાસેથી આ કાર્ય શાળા દરમિયાન મેળવેલ જ્ઞાનથી પોતાની કલાને સમૃદ્ધ બનાવવા અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે આ કલાકારો પૈકીના કેટલાક ચિત્રકારોએ નગરના પંચેશ્વર ટાવર, રણમલ તળાવ અને મ્યુઝિયમ, જામ રાવળની પ્રતિમા, પેલેસ, સૈફી ટાવર ખંભાળિયા ગેટ વગેરે સ્થાપત્યોને પોતાની રંગરેખાઓથી કેનવાસ પર જીવંત કર્યા હતા.સાથે જ આયોજક સંસ્થા વતી જિલ્લા યુવા વિકાસ અધિકારી મોહસીન પઠાણે સૌનું આભાર દર્શન કર્યું હતું.