એબીએનએસ, એ.આર, પાટણ: ગ્રામ્ય સ્તરે લાખો પરિવારોને તેમના ઘરની માલિકીનો હક સુનિશ્ચિત કરી શકાય તે માટે ભારત સરકારની સ્વામિત્વ યોજના કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વામિત્વ યોજના અંતર્ગત દેશભરના ૫૦ હજાર ગામડાઓના કુલ ૫૮ લાખ જેટલા પ્રોપર્ટી કાર્ડનું ઈ-વિતરણ અને યોજનાના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો,જે અંતર્ગત કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂતના અઘ્યક્ષસ્થાનેહારીજ તાલુકાના ચાબખા ગામની પ્રાથમિક શાળામાં પ્રોપર્ટી કાર્ડ વિતરણ યોજનાના લાભાર્થીઓને કાર્ડ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે,ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જન જનને અધિકાર આપવા માટે સ્વામીત્વ યોજના અમલમાં મૂકી છે. દેશના વિકાસમાં સ્વામિત્વ યોજના મહત્વનો ભાગ ભજવશે. જેમાં દેશના તમામ વર્ગના સામૂહિક વિકાસને લક્ષમાં રાખવામાં આવ્યો છે. જેના લીધે આગામી સમયમાં ગામડાઓ આર્થિક રીતે મજબૂત બનશે. આજે 50000 ગામડાઓમાં 56 લાખથી વધારે પ્રોપર્ટી કાર્ડ બન્યા છે.
પ્રોપર્ટી કાર્ડ માટે સર્વે ઓફ ઇન્ડિયા, પંચાયત વિભાગ અને મહેસુલ વિભાગના સમન્વયથી કાર્ડ બની રહ્યા છે. આ કાર્ડ ની મદદથી લોકોનો સર્વાંગી વિકાસ થશે. સ્વામીત્વ કાર્ડ ની મદદથી મહિલાઓને હક મળશે ; એકત્રીકરણ થશે, બેંકમાંથી લોન લેવી સરળ બનશે ; પારદર્શક વ્યવસ્થાનું નિર્માણ થશે. જેથી ગર્વ સાથે કહેતા આનંદ થઈ રહ્યો છે કે ગુજરાત દેશમાં વિકાસના મોડલની સાથે સ્વામીત્વય યોજના અમલમાં પણ અગ્રેસર છે.
કાર્યક્રમના અંતે પ્રધાનમંત્રી મોદીના વિઝન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મિશન ‘એક પેડ માટે નામ અભિયાન’ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સ્વામિત્વ યોજના હેઠળ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગામડાઓના નકશા બનાવવામાં આવે છે અને દરેક ઘરની માલિકી નક્કી કરવામાં આવે છે. ત્યારબાદ મિલકત ધારકોને એક કાનૂની દસ્તાવેજ અપાય છે જેને પ્રોપર્ટી કાર્ડ અથવા માલિકીનો દસ્તાવેજ કહેવાય છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધ્યક્ષ હેતલબેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી બી.એમ.પ્રજાપતિ, સંગઠનના હોદ્દેદારો ડૉ. દશરથજી ઠાકોર,ભાવેશભાઈ પંચાલ, ગામના સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યા માં ગામ ના લોકો ઉપસ્થિત રહ્યા હતા.