તોડબાજ અને ઉઘરાણા કરતા પત્રકારો માટે ચક્રવાત મીડિયા ગ્રુપ નાં દ્વાર બંધ છે : તાલીમ શિબિર માં જિજ્ઞેશ કાલાવડિયા ની સ્પષ્ટ વાત
ચક્રવાત મીડિયા ગ્રુપ નું ધ્યેય સંશોધનાત્મક પત્રકારત્વ ને ફરી જીવંત કરવાનું છે : જનહિત માટે પત્રકારત્વ કરવા ઈચ્છતા મિત્રો નું સ્વાગત છે
ચક્રવાત મીડિયા ગ્રુપ દ્વારા આયોજિત પત્રકારત્વ તાલીમ શિબિર માં 30 જેટલા પત્રકારોએ ઉપસ્થિત રહી “ચક્રવાત” ને ગુજરાત નાં ખૂણે ખૂણે પહોંચાડવાનો સંકલ્પ લીધો
ચોટીલા : ચોટીલા પાસે આવેલા શ્રી આપાગીગા ના ઓટલા ખાતે ચક્રવાત મીડિયા ગ્રુપ દ્વારા બે દિવસીય પત્રકારત્વ તાલીમ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી 30 જેટલા પત્રકારોએ ઉપસ્થિત રહીને ચક્રવાત મીડિયા ગ્રુપ સાથે જોડાવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
છેલ્લા દસ વર્ષથી મોરબી અને રાજકોટ જિલ્લામાં પોતાના જનલક્ષી પત્રકારત્વથી લોકોમાં વિખ્યાત બનેલ ચક્રવાત મીડિયા ગ્રુપ દ્વારા તા .24/25 જૂનનાં રોજ બે દિવસીય પત્રકારત્વ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત તારીખ 24 ના રોજ આ પત્રકારત્વ કાર્ય શાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં પત્રકારત્વ નાં વિવિધ આયામો પર વિસ્તૃત પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
ચક્રવાત મીડિયા ગ્રુપ નાં પ્રણેતા જિજ્ઞેશ કાલાવડિયા દ્વારા તેમનાં બે દાયકાની પત્રકારત્વ યાત્રા નો નિચોડ અહી તાલીમાર્થી પત્રકારો સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો. આ તકે તેઓએ જણાવ્યું હતું કે પત્રકારત્વ ક્ષેત્ર નો ઈતિહાસ માનવ જાતી ના ઈતિહાસ જેટલો જ પુરાણો છે. પત્રકારત્વ એ માનવીય સંવેદનાઓને ઝીલવાનું માધ્યમ છે. ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામ નાં મોટાભાગના મહાનુભાવો પત્રકારત્વ ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ત્યારે આજે આપણે પત્રકારત્વ ની એ ખોવાયેલી ગરિમા ને પુનઃ સ્થાપિત કરવાની છે.
તેઓ છેલ્લા દાયકાથી પત્રકારત્વ ક્ષેત્રમાં સક્રિય ભૂમિકામાં રહ્યા નથી પરંતુ હવે ફરી એકવાર સંપૂર્ણ લુપ્ત પ્રાયઃ થઈ રહેલ જનલક્ષી પત્રકારત્વ ને લોકો વચ્ચે લઇ જવા અને જાંબાઝ પત્રકારો ની ટીમ તૈયાર કરવા માટે પત્રકારત્વ ક્ષેત્રે સક્રીય ભૂમિકા નિભાવવા આગળ આવ્યા છે. તેઓએ હાલના સમયમાં પત્રકારત્વ એ પૈસા કમાવા માટેનું મધ્યમ બની ગયું છે ત્યારે ચક્રવાત દ્વારા પૈસા માટે નહીં પરંતુ લોકોના પ્રશ્નો માટે પત્રકારત્વ કરવા માંગતા પત્રકારોને ચક્રવાત મીડિયા ગ્રુપ સાથે જોડાવા માટે આહવાન કર્યું હતું.
તોડબાજ અને ઉઘરાણા કરતા પત્રકારો માટે ચક્રવાત મીડિયા ગ્રુપના દ્વાર સદંતર બંધ હોવાનું જણાવી તેઓએ પત્રકારત્વ તાલીમ શિબિરમાં ઉપસ્થિત રહેલા પત્રકાર મિત્રોને આવી પ્રવૃત્તિઓથી દૂર રહીને પત્રકારત્વ ક્ષેત્ર ની વ્યવસાયિક પવિત્રતાને જાળવવા માટે અનુરોધ કર્યો હતો. આગામી સમયમાં ચક્રવાત મીડિયા ગ્રુપ દ્વારા સંશોધનાત્મક પત્રકારત્વને ફરી જીવંત કરવાની તેમની મહેચ્છા હોવાનું જણાવી તેમણે આ માટે મહેનત કરવાની તૈયારી ધરાવતા નિષ્ઠાવાન પત્રકારોને તાલીમબધ્ધ કરવા ખાસ આ પ્રકારની કાર્યશાળાઓનાં આયોજન પર ભાર મૂક્યો હતો.
ચક્રવાત મીડિયા ગ્રુપ દ્વારા 300 જેટલા નિડર, ઝાંબાજ અને કાર્યક્ષમ પત્રકારો ની ટીમ તૈયાર કરી ગુજરાતમાં આગામી છ મહિનામાં 20 લાખ થી વધુ લોકો સુધી પહોંચવાનું તેમનું લક્ષ્ય હોવાનું આ તકે તેમણે જણાવ્યું હતું. ચક્રવાત મીડિયા ગ્રુપ આવનારા સમયની માંગ મુજબ પ્રિન્ટ મીડિયા ની સાથે સાથે ડિજિટલ મીડિયા પર સવિશેષ કામગીરી કરશે તેવો તેમણે નિર્દેશ આપ્યો હતો. ચક્રવાત એ મીડિયા સંસ્થાન માત્ર નથી પરંતુ એક પરિવાર છે ત્યારે તેમાં જોડાયેલા પત્રકારો ને એકબીજા નાં સુખ દુઃખ માં સાથે રહેવાની અને એકબીજા ને દરેક ક્ષેત્રમાં ઉપયોગી થવાની વાત પર તેમણે ભાર મૂક્યો હતો.
પત્રકારત્વ દ્વારા કોઈ અનૈતિક કાર્ય કર્યા વગર પણ યોગ્ય માધ્યમ થી આર્થિક ઉપાર્જન નાં અનેક રસ્તાઓ તેમણે પત્રકારો સમક્ષ વર્ણવ્યા હતા. બે દિવસની આ પત્રકાર તાલીમ શિબિરમાં પત્રકાર ક્ષેત્રના તજજ્ઞો ઉપરાંત લીગલ ક્ષેત્રના એક્સપર્ટ એવા મીતવર્ધન ચંદ્રબોદ્ધિએ પણ ઉપસ્થિત રહીને પત્રકાર મિત્રોનું માર્ગદર્શન કર્યું હતું.