મહેસાણા, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા અને સાબરકાંઠાની સરહદ પર આવેલા પ્રસિદ્ધ ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નો શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ એડવેન્ચર ઝોનનું ઉદઘાટન કર્યુ હતું અને સ્પીડ બોટ રાઈડનો આનંદ પણ માણ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરા અને મહાનુભાવો સાથે એડવેન્ચર ઍક્ટિવિટી સ્થળની મુલાકાત લઈને પેરા મોટરીંગ સહિતની રાઇડસ પણ નિહાળી હતી અને ટેન્ટસિટીનું ઉદ્દઘાટન કરીને તેની મુલાકાત લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ધરોઈ ડેમ વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સબસ્ટેનેબલ ટુરિઝમ પિલગ્રીમેજ ડેસ્ટિનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે.
ધરોઈ ડેમ રિજીયન ડેવલપમેન્ટ સમગ્રતયા ત્રણ ફેઈઝમાં સાકાર થશે અને સ્પિરીચ્યુઅલ, એડવેન્ચર્સ, ઇકો અને રિક્રિએશનલ એક્ટિવિટીઝથી પ્રવાસન પ્રવૃત્તિને વેગ તેમજ સ્થાનિક રોજગાર અવસર સાથે વોકલ ફોર લોકલનો ધ્યેય પણ પાર પડી શકશે.
ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળની જેમ ધરોઈને પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં ‘આઈકોનિક પ્લેસ’ તરીકે વિકસાવવામાં આવશે. એટલું જ નહિ, પોળો ફોરેસ્ટ, તારંગા, વડનગર, અંબાજી સહિતના ઉત્તર ગુજરાતનાં પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ દ્વારા ટુરિઝમ સર્કિટ વિકસાવવાના ભવિષ્યલક્ષી આયોજન માટે પણ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર કાર્યરત છે.
પ્રવાસન વિભાગના સચિવ ડૉ. રાજેન્દ્ર કુમારે મીડિયા સાથે એડવેન્ચર ફેસ્ટ અંગેની વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ અંદાજિત ૪૫ દિવસ સુધી ચાલશે અને ફેસ્ટિવલમાં લેન્ડ બેઝડ, વોટર બેઝડ, એર બેઝડ એડવેન્ચર એક્ટિવિટીઝ પ્રવાસીઓને માણવા મળશે.
પ્રવાસીઓને રહેવા માટે ધરોઈ ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. તેમાં કુલ ૨૧ વિવિઘ પ્રકારના ટેન્ટ તેમજ અંદાજિત ૧૦૦થી વધુ બેડની એસી ડોર્મિટરી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમ પ્રવાસન સચિવે જણાવ્યું હતું.
આ ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’ના ઉદ્ઘાટન પ્રસંગે અરવલ્લી-સાબરકાંઠાના સાંસદ શોભનાબહેન બારૈયા, મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ, પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, પૂર્વ મંત્રી અને ઇડરના ધારાસભ્ય રમણલાલ વોરા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના એમ. ડી. એસ.છાકછુઆક, સાબરકાંઠાના કલેકટર લલિત નારાયણ સંધુ, મહેસાણાના કલેકટર એસ.કે. પ્રજાપતિ, સાબરકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસવડા વિજય પટેલ, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી ક્રિષ્ના વાઘેલા, સાબરકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબહેન પટેલ સહિત સામાજિક અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
એડ્વેન્ચર ફેસ્ટનાં આકર્ષણો જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની ૧૦થી વધુ એક્ટિવિટીઝ
રહેવા માટે અતિઆધુનિક સુવિધાઓયુક્ત AC ટેન્ટ સહિત ૨૧ ટેન્ટ સાથેનું ટેન્ટસિટી – સાંસ્કૃતિક કાર્યક્રમો પાવર બોટ અને પેરાસેઇલિંગ જેવી પાણીમાં થતી એક્ટિવિટીઝ
પેરામોટરિંગ, હોટ એર બલૂન જેવી એક્ટીવિટી જમીન પર રોક ક્લાઈમ્બિંગ અને બોલ્ડરિંગ, ટ્રેકિંગ અને હાઈકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઈકિંગ, સાઈકલિંગ, કેમ્પિન્ગ જેવી પ્રવૃત્તિઓ
સ્ટાર ગેઝિંગ અને ખગોળશાસ્ત્ર શિબિર, નેચર વોક અને ફોટોગ્રાફી ટૂરઅંદાજિત ૧૦૦થી વધુ બેડની AC ડોર્મિટરી તેમજ જમવા માટે આધુનિક ડાઈનિંગ હૉલની સુવિધાઓ તાત્કાલિક આરોગ્ય સુવિધાઓ, સર્ટિફાઇડ રાઈડ, આકસ્મિક આગ સામે સુરક્ષા વ્યવસ્થાની ઉપલબ્ધતા