Latest

મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને અમદાવાદમાં યોજાઈ વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ અમદાવાદ ઈવેન્‍ટ

અમદાવાદ, સંજીવ રાજપુટ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ ઇવેન્ટની સફળતા વર્ણવતા ગૌરવસહ કહ્યું કે, આવી રાજ્યવ્યાપી ઇવેન્ટની ફળશ્રુતિએ અત્યાર સુધીમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ૨,૫૯૦ MoU રૂ. ૨૫,૧૪૭ કરોડના રોકાણો માટે થયા છે. એટલું જ નહીં, આ સંભવિત રોકાણોને પરિણામે ૬૫ હજારથી વધુ રોજગારીની તકો આવનારા સમયમાં નિર્માણ થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ અમદાવાદ ઇવેન્ટના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. ઉદ્યોગમંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત તથા અમદાવાદના પ્રભારી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ આ અવસરના સાક્ષી બન્યા હતા.

અમદાવાદમાં આયોજીત આ ઈવે‍ન્ટમાં વિવિધ ક્ષેત્રે રૂ.૧૨,૫૭૧ કરોડનાં સંભવિત રોકાણો માટેના ૪૮૪ MoU થયા હતા. આનાં પરિણામે અંદાજે ૧૭ હજાર જેટલી રોજગારીની તકો ભવિષ્યમાં ઉભી થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ ૨૦૦૩માં શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતા અને વૈશ્વિક રોકાણકારોના બે દાયકાથી મળી રહેલા જબરદસ્ત પ્રતિસાદથી આજે નોલેજ શેરીંગ અને નેટવર્કિંગનું એક સક્ષમ પ્લેટફોર્મ બની ગઈ છે.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ વિશ્વની પાંચમી મોટી ઇકોનોમી બન્યો છે તેને ત્રીજા નંબરે લઈ જવામાં તથા ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવામાં વાઇબ્રન્ટ સમિટ અને વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ જેવા લાર્જ સ્કેલ આયોજનો ઉપયુક્ત બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

વાઇબ્રન્‍ટ ગુજરાત સમિટની સફળતાની ફળશ્રુતિને જિલ્લાસ્તરે વ્યાપક બનાવવાના ઉદ્દેશથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી આ વર્ષની વાઇબ્રન્ટ-૨૦૨૪માં વાઇબ્રન્ટ ગુજરાત – વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટની નવતર પહેલ શરૂ કરી છે તેની વિસ્તૃત ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યના દરેક જિલ્લાનું આગવું પોટેન્શિયલ અને સ્ટ્રેન્થ છે. તેને ગ્લોબલ પ્લેટફોર્મ આપવાનો આપણો નિર્ધાર છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત @૨૦૪૭નો જે ધ્યેય રાખ્યો છે તેમાં ગુજરાતનો દરેક જિલ્લો પોતાનું યોગદાન આપીને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં ખભે ખભો મિલાવી ઉભો રહેવા સજ્જ બનાવવો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આવી જિલ્લા સ્તરની ઇવેન્ટમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થી, MSME, સ્ટાર્ટ અપ, SHG, મહિલા ઉદ્યોગ સાહસિકોને સાંકળી લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, એક્ઝિબિશન, ક્રેડિટ લિંકેજ, સેમિનાર, વન ડીસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ બજાર, B2B, B2C, B2G મીટીંગ્સ પણ યોજવામાં આવે છે.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ અને ‘વોકલ ફોર લોકલ’ નો જે મંત્ર આપ્યો છે તે આવી જિલ્લા સ્તરીય મીટ સાકાર કરે છે તેમ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વાઇબ્રન્ટ સમિટની સફળતાને પગલે મોટા ઉદ્યોગો ગુજરાતમાં આવ્યા છે તેને અનુરૂપ ઉદ્યોગો જિલ્લા સ્તરે ઉપલબ્ધ બને તેવી એક આખી વેલ્યુચેઈન અને ઇકોસિસ્ટમ ઊભી થઈ રહી છે.

ભૂપેન્દ્ર પટેલે ૨૦મી સદીના પ્રારંભથી જ ગુજરાત અને ભારતના અગ્રણી ઔદ્યોગિક શહેર તરીકે ખ્યાતિ પ્રાપ્ત અમદાવાદના ઔદ્યોગિક, આર્થિક વિકાસને સ્પીડ અને સ્કેલ સાથે આગળ ધપાવવામાં વાઇબ્રન્ટ ડીસ્ટ્રીક્ટ સમિટના રોકાણો બળ આપશે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં એકવીસમી સદીના નવા ભારતનું પ્રભાત ગુજરાતથી થયું હતું. વડાપ્રધાનશ્રીના વિશાળ વિઝનના પરિણામે 2003થી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટ એટલી સફળ રહી છે કે અન્ય રાજ્યો પણ તેનું અનુકરણ કરી ગુજરાતના ઉદ્યોગકારોને તેમના રાજ્યમાં રોકાણ કરવા આમંત્રણ આપી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું.

આ પ્રસંગે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યને વૈશ્વિક વિકાસની દિશામાં લઈ જવા વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો પ્રારંભ કર્યો હતો. અનેક ઉદ્યોગકારોને જોડવા માટે વાઇબ્રન્ટ ગુજરાત મહત્વનું પ્લેટફોર્મ બન્યું છે.આજે સમગ્ર દેશની કુલ નિકાસમાં ગુજરાત 33% નિકાસ કરી રહ્યું છે, જ્યારે કુલ ઉત્પાદનમાં 18% ઉત્પાદન ગુજરાત કરી રહ્યું છે. આ ઉપરાંત સ્ટાર્ટ અપમાં પણ ગુજરાત અવ્વલ છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય ગુજરાત છે.

આ પ્રસંગે વિવિધ ઉદ્યોગ અગ્રણીઓ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા જેમાં GCCIના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સંદિપ એન્જિનિયર, CII ચેરમેન શ્રી દર્શન શાહ, ASSOCHAM ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેરમેન ચિંતન ઠાકર અને FICCIના ચેરમેન રાજીવ ગાંધીએ પોતાના વિચારો વ્યક્ત કરતા કહ્યું હતું કે, રાજ્યમાં ઉધોગોને સરકાર તરફથી હંમેશા સાથ સહકાર સાંપડ્યો છે. બે દાયકા પહેલા રાજ્યનાં તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્‍દ્રભાઈ મોદીના આગવા વિઝનથી શરૂ થયેલી વાઇબ્રન્‍ટ સમિટ આજે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જેવી મોટી ઈવેન્‍ટ બની ગઈ છે.

આજના પ્રસંગે સાંસદ નરહરિ અમીન, ધારાસભ્ય સર્વશ્રીઓ અમૂલ ભટ્ટ, જીતેન્દ્ર પટેલ, દીનેશસિંહ કુશવાહા, હર્ષદ પટેલ, અમિત ઠાકર, કૌશિક જૈન, પાયલ કુકરાણી, દર્શનાબેન વાઘેલા, કંચનબેન રાદડિયા, અમદાવાદ શહેર મેયર પ્રતિભા જૈન તેમજ ખાણ અને ખનીજ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદર, પ્રભારી સચિવ મુકેશ કુમાર, અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવીણા ડી. કે., અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર એમ.થેન્નારસન સહિતના અધિકારીશ્રીઓ તથા અમદાવાદ મહાનગરપાલિકાના હોદ્દેદારો અને જિલ્લાના ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ગુજરાત અને જાપાનના શિઝુઓકા પ્રીફેક્ચર વચ્ચે મૈત્રીનો નવો સેતુ રચાયો

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત અને…

કુંભમેળાને હરીત કુંભ બનાવવા એક થાળી એક થેલા અભિયાનમાં પાલીતાણાથી 1100 થાળી અને 1100 થેલા મોકલવામાં આવશે

આગામી 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ ખાતે કુંભ મેળો શરૂ થનારા છે ત્યારે પાલીતાણાથી એક…

સાવરકુંડલા ગાધકડા તેમજ ગણેશગઢ ગામના ખેડૂતોના પ્રશ્નોનું સુખદ સમાધાન કરાવતા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાછડીયા

અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે સુમેળ ભર્યું સમાધાન કરાવી વિકાસને વેગ અપાવતા શ્રી જીતુ…

1 of 568

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *