જામનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે તા. 23 જુલાઈના રોજ જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે છે તેઓ બપોરે 3.30 કલાકે જામનગર એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલ વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે.મુખ્યમંત્રીના આગમનને લઈ તમામ વ્યવસ્થાઓ સુચારૂ રીતે યોજાય તે માટે જિલ્લા કલેકટર બી.કે.પંડ્યાના અધ્યક્ષ સ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં કલેક્ટરએ મુખ્યમંત્રીના આગમનને આનુસંગિક તમામ વ્યવસ્થાઓ ત્વરિત હાથ ધરવા લગત અધિકારીઓને સૂચન કર્યું હતું તેમજ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ અને કોલેરા રોગની પ્રવર્તમાન પરિસ્થિતિ તથા જિલ્લાના ડેમો તથા માર્ગો વિશે પણ ઉપસ્થિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી જરૂરી સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, અધિક કલેકટર બી.એન.ખેર, નાયબ મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા પુરવઠા અધિકારી, જિલ્લા આરોગ્ય અધિકારી, કાર્યપાલક ઇજનેર સ્ટેટ તથા પંચાયત, પીજીવીસીએલ, એરપોર્ટ ઓથોરિટી, આર.ટી.ઓ., ફાયર વગેરે વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.