Latest

વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

આણંદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન કૃષિ ઉત્પાદન વધારીને ખેડૂતોની આત્મનિર્ભરતા અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારી આગવી પહેલ બનશે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશના ખેડૂતોને સમય અનુરૂપ ટેક્નોલોજીનો કૃષિમાં ઉપયોગ કરીને વેલ્યુ એડીશન, ફાર્મ મિકેનિઝમ, નેચરલ ફાર્મિંગ વગેરેના સંકલીત પ્રયાસો સાથે એકિકૃત દિશામાં કામ કરીને કૃષિમાં ક્રાંતિકારી પરિવર્તનની દિશા આપવામાં આ અભિયાન મહત્વપૂર્ણ બનવાનું છે.

ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ICAR અને રાજ્યના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના વૈજ્ઞાનિકો, કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞોના સહયોગથી આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન તા. ૨૯મી મે થી ૧૨ જૂન સુધી દેશભરમાં યોજાવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં આ અભિયાનનો પ્રારંભ આણંદ કૃષિ યિનિવર્સિટીથી કરાવ્યો હતો.

ગુજરાતમાં આ અભિયાન અંતર્ગત ૨૩૫ તાલુકાઓના ૨૯૫૧ ક્લસ્ટર થકી ૩.૫૦ લાખથી વધુ ખેડૂતો સુધી સીધા પહોંચવાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.

આ અભિયાન દરમિયાન રાજ્યના ૩૦ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને ૪ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, કૃષિ તજજ્ઞો, કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ગામડે-ગામડે ફરીને ખેડૂતોની મુલાકાત કરશે.

આ મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ, આધુનિક અને જલવાયુ પરિવર્તન અનુરૂપ ખેત પદ્ધતિ, નવા સંશોધિત બિયારણો, નેનો ફર્ટિલાઇઝર, સોઇલ હેલ્થ કાર્ડના ઉપયોગ ઉપરાંત જરૂરિયાત પૂરતો જ ખાતરનો ઉપયોગ કરવા જેવી કૃષિલક્ષી જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ખેડૂતો હિતલક્ષી સહાય યોજનાઓ અંગે પણ માહિતગાર કરવામાં આવશે.

આણંદ કૃષિ યુનિવર્સિટી ઝોનમાં સમાવિષ્ટ ૯ જિલ્લાઓના ૭૯૩ ગામોના અંદાજે ૧ લાખ ૨ હજારથી વધુ ખેડૂતો, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ૭ જિલ્લાના ૪૬૫ ગામોના ૮૦ હજાર ખેડૂતો, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અંતર્ગતના ૧૦ જિલ્લાના ૯૩૩ ગામોના ૧.૨૦ લાખ ખેડૂતો અને નવસારી કૃષિ યુનિવર્સિટી ઝોનના ૭ જિલ્લામાં ૭૬૦ ગામોના ૭૧ હજારથી વધુ ખેડૂતો એમ સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતોને આ અભિયાન હેઠળ આવરી લેવાનું સઘન આયોજન રાજ્ય સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે કર્યું છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અભિયાન રાજ્યના ખેડૂતો માટે ઘરેબેઠા ગંગાનો અવસર ગણાવતા ઉમેર્યુ કે, કૃષિ ક્ષેત્રે નવિન શોધ-સંશોધનની માંગને પારખીને આધુનિક ટેકનોલોજી અને વિજ્ઞાનના શ્રેષ્ઠ ઉપયોગથી નેનો યુરીયા ખાતર અને ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કૃષિ ક્ષેત્રે કેવી રીતે કરી શકાય એનું ઉત્તમ ઉદાહરણ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતે પૂરું પાડ્યું છે.

જો ખેડૂતનું અને કૃષિ ક્ષેત્રનું તથા ગ્રામીણ જનજીવનનું ભલું કરવાની રાજકીય ઈચ્છાશક્તિ હોય તો કેવા બદલાવ લાવી શકાય તે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વીજળી અને નર્મદાનું પૂરતું પાણી સિંચાઈ માટે આપીને પુરવાર કર્યું છે. ખેડૂતોને પોતાના ખેતરમાં કયો પાક વધુ લઈ શકાય, વેલ્યૂ એડિશન કરીને કેવી રીતે વધુ કિંમત મળે, એ બધી સમજ સામે ચાલીને રાજ્ય સરકાર આપે તેવો અભિગમ તેમણે કૃષિ મહોત્સવથી અપનાવ્યો હતો એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ હતુ.

મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, સોઇલ હેલ્થકાર્ડ, લેબ ટુ લેન્ડ, પશુ આરોગ્ય મેળા જેવા કૃષિ હિતકારી આયામો મોદી સાહેબની વિઝનરી લીડરશીપ અને આગવી દ્રષ્ટિથી ગુજરાતને મળ્યા છે આ બધાના પરિણામે 2001થી 2014 સુધીના સમયગાળા દરમિયાન જ્યારે સમગ્ર ભારતનો કૃષિ વિકાસ દર માત્ર 3 ટકા હતો, ત્યારે ગુજરાતનો વાર્ષિક કૃષિ વિકાસ દર ડબલ ડિજિટના દરે વૃદ્ધિ કરી રહ્યો હતો.

મુખ્યમંત્રીએ ઓપરેશન સિંદૂરની સફળતા માટે વડાપ્રધાનના નેતૃત્વ અને દેશની સેનાના જવાનોને અભિનંદન પાઠવતા કહ્યુ કે, જેમ દેશની સીમાઓની સુરક્ષા સતત ખડેપગે રહીને સૈન્ય કરે છે તેવી જ રીતે દેશના જનજનની ખાદ્ય સુરક્ષાનું કામ ખેડૂતો કરે છે.

વિકસિત ભારત@2047 માટે આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં પણ ગુજરાતના ખેડૂતો અગ્રેસર રહેશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ આ અભિયાનના પ્રારંભ અવસરે ખેડૂતોને વિવિધ સહાય કીટનું પ્રતિકરૂપે વિતરણ પણ કર્યુ હતું.

ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચના ડૉ. મનીષ દાસે તેમના પ્રાસંગિક ઉદ્દબોધનમાં કૃષિ ક્ષેત્રે ખેડૂતોના પડકારોને કેવી રીતે દૂર કરી શકાય તે માટે આઈ.સી.એ.આર ના પ્રયત્નોની વિસ્તૃત જાણકારી આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ વિભાગ દ્વારા રાજ્યના ૧.૫ કરોડ જેટલા ખેડૂતોને પ્રધાનમંત્રીના લેબ ટુ લેન્ડના વિઝનને સાકાર કરવા માટે વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન નવો આયામ પૂરું પાડશે. તેમણે આ અભિયાન થકી ખેડૂતોને તેમની ખેતીમાં આવતા પડકારોના આઈ.સી.એ.આર.ના વૈજ્ઞાનિકો દ્વારા સમાધાન લાવવા માટે પ્રયાસ કરાશે, તેમ વિશ્વાસ પૂર્વક જણાવ્યું હતું.

આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ કે.બી.કથીરિયાએ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન એ ખેડૂત તથા વૈજ્ઞાનિકો માટે પરસ્પર શિક્ષણ માટેનું અભિયાન બની રહેવાનું છે. કાર્યક્રમના અંતમાં ખેતી નિયામક પ્રકાશ રબારીએ આભાર વિધિ કરી હતી.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેષભાઈ પટેલ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ, ધારાસભ્ય સર્વ યોગેશ પટેલ, ચિરાગ પટેલ, કમલેશ પટેલ, વિપુલ પટેલ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા, એગ્રો ઈન્ડસ્ટ્રીઝના એમ. ડી. વિજય ખરાડી, કૃષિ અને સહકાર વિભાગના સચિવ પી. ડી. પલસાણા, જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી સહિત કૃષિ વિભાગ ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જૂનાગઢ જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હેઠળના ૧૦ કિલોમીટરના રસ્તાઓના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી

જૂનાગઢ, સંજીવ રાજપૂત: જૂનાગઢ ધોરાજી રોડ, ધંધુસર રવની રોડ, વંથલી માણાવદર રોડ,…

જામનગરમાં પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનિયસ ક્લબના સંયુક્ત ઉપક્રમે મહિલા સ્વરક્ષણ તાલીમનું આયોજન કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગરમાં…

1 of 608

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *