- સેવા સુરક્ષા સલામતી અને સહકારના સમન્વયથી દર્શનાર્થીઓ માટે સુંદર વ્યવસ્થા કરાઈ
કલેક્ટરશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ભોજન, દર્શન, પાર્કિંગ, વિસામો સહિતની વ્યવસ્થાઓ માટે વહીવટીતંત્રની ટિમો ખડેપગે તૈનાત રહેશે
શ્રદ્ધા આસ્થા અને ભક્તિના મહાપૂર જ્યાં ઉમટે છે એવા શક્તિપીઠ અંબાજીમાં ભરાતા ભારતના સૌથી મોટા પદયાત્રી મેળા ભાદરવી પૂનમને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લા વહીવટીતંત્ર બનાસકાંઠા અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કલેક્ટરશ્રી આનંદ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ યાત્રિકો અને દર્શનાર્થીઓ માટે દર્શન, વિસામો, ભોજન,પાર્કિંગ સહિતની વ્યવસ્થાઓ સાથે મેળા દરમિયાન યાત્રિકોને કોઈપણ પ્રકારની અગવડ કે અવ્યવસ્થા ઉભી ન થાય એ માટે સુંદર અને સચોટ આયોજન ગોઠવી આ મેળાને યાદગાર બનાવવા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. મેળામાં ઊમટતા માનવમહેરામણને ધ્યાનમાં રાખી આરતી અને દર્શનના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે તેમજ તમામ દર્શનાર્થીઓ માં અંબાના દર્શન કરી શકે એવી સુંદર વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે
યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમ મહામેળો-ર૦રર તા.પ/૯/ર૦રર થી તા.૧૦/૯/ર૦રર સુધીના સમયગાળામાં યોજાનાર છે. આ મેળો ભારતનો સૌથી મોટો પદયાત્રિ મેળા તરીકે ઓળખાતો હોઈ ખૂબ જ મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવ્યું છે. ભાદરવી પુનમ મહામેળો-ર૦રર ના સુચારૂ આયોજન અને વ્યવસ્થાઓ માટે જિલ્લાકક્ષાાના અધિકારીશ્રીઓની ર૯ જેટલી વિવિધ સમિતિઓ બનાવીને જુદી જુદી કામગીરી સોંપવામાં આવી છે. યાત્રિકોની ભીડ અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખી દર્શનનો સમય નીચે મુજબ રાખવામાં આવ્યો છે.
• દર્શનનો સમયમાં વધારો :
સવારે પ થી પ.૩૦ આરતી
દર્શન – પ.૩૦ થી ૧૧.૩૦
દર્શન બપોરે – ૧ર.૩૦ થી પ.૩૦
આરતી સાંજે – ૭ થી ૭.૩૦
દર્શન સાંજે ૭.૩૦ થી રાત્રે ૧ર.૦૦ કલાક સુધી
તો આટલી વિશાળ સંખ્યામાં જનમેદની ઉમટી રહી છે ત્યારે તેમના જમવા અને રહેવાની સગવડનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તમામ દર્શનાર્થીઓ માં અંબા ના પ્રસાદ રૂપે ભોજન લઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
• ટ્રસ્ટ તરફથી ભોજન વ્યવસ્થા
૧. અંબિકા ભોજનાલય
ર. ગબ્બર તળેટી
૩. દિવાળીબા ગુરૂભવન
• પ્રસાદના ૭ વધારાના કેન્દ્રો ચાચર ચોક ખાતે તેમજ ગેટ નં.૭ની બહાર અને શકિતદ્વારની સામે પણ પ્રસાદ કેન્દ્રો
મેળા દરમિયાન યાત્રિકોના સ્વાસ્થ્ય અંગે પણ દરકાર રાખી તંત્ર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા મેળામાં ૩૬ હંગામી આરોગ્ય કેન્દ્ર, ૧પ- ૧૦૮ સહિતની એમ્બ્યુલન્સ સેવા, રરર- જેટલા આરોગ્ય કર્મચારીઓ દ્વારા આરોગ્ય વિષયક સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
તો યાત્રિકોના વિસામા માટે વિવિધ સ્થળે વિશ્રામ માટેની હંગામી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જે અંતર્ગત કાયમી યાત્રિક શેડમાં ૧પ જગ્યાએ વિસામા સ્થળ, મેળા દરમ્યાન હંગામી વિશ્રામ સ્થળો, અંબાજી મંદિર સંકુલ, આવાસગૃહો, ગબ્બર એમ તમામ જગ્યાએ અદ્યતન રોશની, ૧૩ જગ્યાએ ઈનવરટર, ર૯ જગ્યાએ સોલાર સ્ટ્રીટ, ૧૪ જગ્યાએ જનરેટરની વ્યવસ્થા કરવામાં આવશે.
મેળા દરમિયાન યાત્રિકો દર્શનાર્થીઓ સમગ્ર મેળાને નિહાળી શકે એવું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ૧૪ જગ્યાએ વોચ ટાવર, અંબાજી ગામમાં ૧ર જગ્યાએ એલઈડી સ્ક્રીન ધ્વારા જીવંત પ્રસારણ કરી માઇભક્તો દર્શનનો લાભ લઇ શકે એવી સગવડ ઉભી કરવામાં આવી છે.
તો અંબાજી ગામમાં કાયમી ટોઈલેટ બ્લોક, બાથરૂમ-૭૦, જાજરૂ-૧૩૯, યુરીનલ-૯૪ અને લોકર્સ – ર૦૮ ની સુવિધા ઉભી કરવામાં આવશે.તો યાત્રિકો અને તેમના માલ સામાનની સલામતી માટે તેમજ મેળા દરમિયાન કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે અંબાજી ગામમાં ૧૪૪ હંગામી સીસીટીવી કેમેરા, મંદિર સંકુલ-૧૧ર કાયમી અને ૪૬ વિશ્વાસ પ્રોજેકટના એમ કુલ – ૩૦ર સીસીટીવી કેમેરા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા મોનીટરીંગની સિસ્ટમ ઉભી કરવામાં આવી છે.
અંબાજી થી દાંતા, અંબાજી થી હડાદ માર્ગ ઉપર ર૦(વીસ) જેટલા હંગામી પાર્કિંગ પ્લોટોમાં લાઈટ, સી.સી.ટી.વી., વોચ ટાવર, ટોયલેટ, પબ્લીક એડ્રસ સિસ્ટમ, સહિતની સુવિધાઓ યાત્રિકો માટે કરવામાં આવી છે. મેળા દરમ્યાન હંગામી પાર્કિંગ પ્લોટોમાં ૧૭ર યુનિટ ટોયલેટ બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી છે.
ગુજરાતભરમાંથી આવતા યાત્રિકો દર્શનાર્થીઓ માટે જીએસઆરટીસી દ્વારા મેળા દરમ્યાન ૧૦ હંગામી બુથો ઉભા કરી ૧૧૦૦ થી વધુ બસોના દ્વારા યાત્રિકોનું સંચાલન હાથ ધરવામાં આવશે. તેમજ મેળામાં પોલીસ બંદોબસ્તમાં કુલ-૬૮૦૦થી વધારે સુરક્ષાકર્મીઓ મેળા દરમ્યાન ફરજ બજાવશે.
અંબાજી પ્રહલાદ પૂજારી