GujaratLatest

”ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ” વિષય આધારિત નવી દિલ્હીમાં કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિને રજૂ થશે ગુજરાતની ઝાંખી

​ગુજરાત રાજ્યએ તેના સામાજિક,રાજકીય,ઔદ્યોગિક અને સાંસ્કૃતિક વિકાસ થકી દેશને હંમેશા નવી દિશા ચિંધી છે.આ ઉપક્રમને બરકરાર રાખતાં ચાલુ વર્ષે રાજ્યના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતાં ટેબ્લો ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ વિષય આધારિત ઝાંખીનું તા.૨૬ જાન્યુઆરી,૨૦૨૪ના રોજ નવી દિલ્હીના કર્તવ્યપથ પર આયોજિત પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શન કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરડોનો UNWTO: United Nations World Tourism Organization ના Best Tourism Village યાદીમાં તાજેતરમાં જ સમાવેશ કરવામાં આવ્યો છે.આ સરહદી ગામ તેની ખમીરાઈ અને વિકસિત ભારત ની પરિકલ્પનાને મૂર્તિમંત કરવાની સાથે રાજ્ય અને દેશના સરહદી પ્રવાસનને ઉતેજન આપે છે.

આ વર્ષે પ્રજાસત્તાક દિનની પરેડમાં ૧૬ રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશો તથા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની ૯ ઝાંખીઓ મળીને કુલ ૨૫ ટેબ્લોનું પ્રદર્શન થનારું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ૭૫-માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ફ્રાન્સના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
અમૃતકાળના આ પ્રથમ પ્રજાસત્તાક પર્વમાં પર્યાવરણીય-ભૌગોલિક અને કુદરતી વિષમતાઓથી ભરપૂર કચ્છના રણમાં આવેલું રાજ્યનું સરહદી ગામ ધોરડો અનેક વિપરિત પરિસ્થિતિ છતાં પ્રવાસન ક્ષેત્રમાં શિરમોર સ્થળ બનીને બેઠું છે,તેનું ગુજરાતની આ ઝાંખી દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે.

ગુજરાતની ભૌગોલિક સ્થિતિને ઝાંખીના આગળના ભાગમાં ફરતા ગ્લોબમાં દર્શાવવામાં આવી છે.સમગ્ર વિશ્વમાં ગુજરાતનો નકશો અને “ભુંગા” તરીકે કચ્છી ઘરોથી ઓળખાતા ધોરડોને દર્શાવવાની સાથે આ ટેબ્લોમાં સ્થાનિક હસ્તકલા,રોગાન કલા,કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્ય સહિતની બાબતોને દર્શાવવામાં આવી છે.પરંપરાગત પહેરવેશમાં વિદેશી પ્રવાસીઓ ડિજિટલ રીતે પેમેન્ટ કરીને અહીંની કલાકૃતિઓને ખરીદતાં પણ દર્શાવવામાં આવી છે.જે આ ગામની પરંપરાની સાથે ડિજિટલ પ્રગત્તિને દર્શાવી રહી છે.

પરંપરા-પ્રવાસન-ટેક્નોલોજી અને વિકાસનો સુંદર સમન્વય સાધ્યો હોવાના લીધે જ ધોરડોને UNWTO: United Nations World Tourism Organization (UNWTO)ના Best Tourism Village યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે,જે સાચા અર્થમાં “વિકસિત ભારત”ની પરિકલ્પનાને સાકારિત કરે છે.આ ઉપરાંત ટેબ્લોમાં રણોત્સવ,ટેન્ટસિટી અને કચ્છના વિવિધ ભરતગૂંથણને દર્શાવતાં નિદર્શનો રજૂ કરવામાં આવ્યાં છે.

ટેબ્લોમાં પરંપરાગત પોશાકમાં ગરબા કરતી મહિલાઓ ગુજરાતની ઐતિહાસિક સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહી છે.તાજેતરમાં ‘યુનેસ્કો’એ ગુજરાતના ગરબાને ‘અમૂર્ત સાંસ્કૃતિક વારસા’માં સામેલ કર્યા છે;જે દરેક ગુજરાતી તેમજ ભારતીય માટે ગર્વની વાત છે.

ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ શ્રીમતિ અવંતિકા સિંઘ ઔલખ,માહિતી નિયામક શ્રી ધીરજ પારેખ,અધિક નિયામક શ્રી અરવિંદ પટેલના માર્ગદર્શનમાં શ્રી પંકજભાઈ મોદી તથા નાયબ માહિતી નિયામક સંજય કચોટ યોગદાન આપી રહ્યાં છે.ઝાંખીનું નિર્માણ સ્માર્ટ ગ્રાફ આર્ટ એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડના શ્રીસિદ્ધેશ્વર કાનુગા કરી રહ્યાં છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 575

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *